જે દેશના નેતાઓ પ્રજાલક્ષી કામ ઓછા અને નાટકો વધારે ભજવે છે તે પાકિસ્તાનમાં છેલ્લા એક મહિનાથી ચાલતા નાટકનો ગઇ કાલે અંત આવ્યો હતો. પાકિસ્તાની સંસદમાં પસાર થઇ ચૂકેલા અવિશ્વાસ પ્રસ્તાવના કારણે ઈમરાન ખાન હવે પાકિસ્તાનના વડા પ્રધાન રહ્યા નથી. તેમના અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફના સભ્યો દ્વારા ગેરબંધારણીય રીત રસમો દ્વારા મતદાનમાં વિલંબ કરવાના પ્રયાસોને શનિવારે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધા હતા. સંસદમાં પોતાની સામેની અવિશ્વાસની દરખાસ્તની કાર્યવાહીના વિલંબમાં પસાર થયેલા ગૂંચવાડાભર્યા દિવસ બદલ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમના પ્રયાસોને ગેરબંધારણીય જાહેર કર્યા ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન સમગ્ર દુનિયામાં હાંસીને પાત્ર બન્યા છે. ઇમરાન ખાને ગૃહના સ્પીકરને રાજીનામું આપવા જણાવ્યું ત્યાર બાદ વિપક્ષી ગઠબંધને ગૃહમાં નવા સ્પીકરની પસંદગી કરી અને સરકાર સામે અવિશ્વાસ મત પ્રસ્તાવ રજુ કર્યો.
172 મતોની જરૂર હતી ત્યારે 174 સભ્યોએ સરકાર વિરુદ્ધ મતદાન કરીને પ્રસ્તાવ પસાર કરી દીધો હતો. 3 એપ્રિલ, 2022 ના રોજ, રાષ્ટ્રીય વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર, કાસિમ સૂરીએ ઇમરાન ખાન વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનની અવિશ્વાસની દરખાસ્તને એવું કહીને ફગાવી દીધી હતી કે વિપક્ષે પાકિસ્તાનના સાર્વભૌમત્વને નુકશાન થાય એવું વિદેશી કાવતરું રચ્યું હતું. ડેપ્યુટી સ્પીકરે પાકિસ્તાનનના બંધારણની કલમ 5 હેઠળ પોતાના ચુકાદાને યોગ્ય ઠેરવીને બંધારણીય કટોકટી ઊભી કરી હતી જે મુજબ રાજ્ય અને દેશના બંધારણ પ્રત્યે વફાદારી અને આજ્ઞાપાલન દરેક નાગરિકની મૂળભૂત ફરજ ગણવામાં આવેલ છે.
સૂરી દ્વારા થયેલ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્તના નિકાલનો સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને વડા પ્રધાન સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાના વિપક્ષના લોકશાહી અધિકારના ઉલ્લંઘન તરીકે જોવામાં આવ્યું હતું. બીજી તરફ, ખાનના સમર્થકોએ, શાસન પરિવર્તનના વડા પ્રધાનના આક્ષેપોને ગંભીરતાથી લેવાની માંગણી કરી, ખાસ કરીને જયારે તેમણે જાહેર કર્યું કે તેમને વિદેશી સત્તા, જે બાદમાં યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) હોવાનું જાહેર કર્યું હતું, તરફથી ધમકીભર્યો પત્ર મળ્યો છે, જેમાં જો ખાનની સરકાર દૂર કરવામાં આવી ન આવે તો ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હતી. 10 એપ્રિલ, 2022 ના રોજ સુપ્રીમ કોર્ટે વિપક્ષની તરફેણમાં ચુકાદો આપ્યા પછી, ઇમરાન ખાને તેમના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરને રાજીનામું આપવાનો આદેશ આપ્યો. અયાઝ સાદિકને તેમના નવા સ્પીકર તરીકે ચૂંટ્યા પછી વિપક્ષે સંસદીય સત્ર ચાલુ રાખ્યું, અને ઇમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવા માટે મતદાન કર્યું. 172 મતોની જરૂર સામે 174 સભ્યોએ તેના માટે મતદાન કરતાં પ્રસ્તાવ પસાર થયો.
અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયા બાદ સંસદના વિવિધ સભ્યોએ સંસદના સત્રમાં સંભાષણ કર્યું હતું. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની વાત કરીએ તો પીટીઆઇના 155 સાંસદ, પીએમએલએનના 84 સાંસદ, પીપીપીના 56 સાંસદ, એમક્યુએમપીના 7 સાંસદ, પીએમએલક્યુના 5 સાંસદ, બીએપીના 5 સાંસદ, જીડીએના 3 સાંસદ, ઝેડડબલ્યપીના 1 સાંસદ જ્યારે અન્ય 23 સાંસદ ચૂંટાયા હતા. પાકિસ્તાનની ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ એટલે કે પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ 2018માં યોજાયેલી ચૂંટણીમાં 116 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી પરંતુ બહુમત માટે 172 બેઠકોથી તે ખૂબ જ દૂર હતી. પરંતુ સાત સભ્યો ધરાવતી મુતાહિદા કોમી મુવમેન્ટ એટલે કે એમક્યુએમના સાત સભ્યો, બલુચિસ્તાન આવામી પાર્ટીના પાંચ, બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના 4, પાકિસ્તાન મુસ્લિમ લીગના ત્રણ સહિતના સભ્યોના ટેકાથી ઇમરાન ખાને સરકાર બનાવવામાં સફળતા મેળવી હતી. જો કે, ત્યાર પછી મોંઘવારી, વિદેશ નીતિ અને આતંકવાદ સહિતના તમામ મુદ્દા ઉપર ઇમરાન ખાન નિષ્ફળ રહ્યાં હતાં. મોંઘવારીથી પાકિસ્તાનની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી.
વિદેશી દેવું સતત વધતું જતું હતું. જેના કારણે ઇમરાન ખાનની પાર્ટીના જ 24 સભ્યોએ બગાવત કરી હોવાથી તેમની સરકાર અલ્પમતમાં આવી ગઇ હતી. અને અંતે ઇમરાન ખાને વડા પ્રધાન પદ છોડવું પડ્યું છે. પાકિસ્તાનની વાત કરીએ તો હાલમાં ત્યાં ત્રણ મોટી પાર્ટી છે. જેમાં ઇમરાન ખાનની પીટીઆઇ એટલે કે પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ, નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) અને બિલાવલ ભૂટ્ટો ઝરદારીની પીપીપી એટલે કે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો જ દબદબો રહે છે. બાકી નાની મોટી અન્ય પાર્ટી અને અપક્ષના ટેકાથી સરકાર બને છે. જો કે, ઇમરાન ખાનને હટાવવા માટે ભલે જુદી જુદી પાર્ટીના સાંસદો એક થયા હોય પરંતુ નવી સરકાર બનશે ત્યારે આ તમામને એક રાખવા ખૂબ જ અઘરા છે. આ તમામ કોઇ કાળે એક થઇ શકે તેમ નથી. તેનું મોટું કારણ એ છે કે, અહીંના જુદા જુદા પ્રાંતમાંથી જે પણ સાંસદ ચૂંટાઇને આવે છે તે વિકાસના નામે નહીં પરંતુ ધાર્મિક લાગણીઓ અને કટ્ટરતાના નામે ચૂંટાઇ છે. આવા સંજોગોમાં પાકિસ્તાનમાં નવી કોઇ પણ સરકાર બને તે સ્થિર રહે તેની ગેરંટી હાલ કોઇ આપી શકે તેમ નથી.