તારીખ 14 નવેમ્બર 2025 ના રોજ ગુજરાતમિત્ર દૈનિક અખબારમાં એક સમાચાર પ્રસારિત થયા હતા કે દસમાની બોગસ માર્કશીટ બનાવીને વેચતો એક વ્યક્તિ પકડાયો. પોલીસને કામગીરી સારી જ છે. પરંતુ આ જ કામગીરી સરકારી બેનર હેઠળ પણ ચાલે છે જેને નામ આપવામાં આવ્યું છે NIOS કે જે પાછી એજ્યુકેશન મિનિસ્ટ્રીની અંદર આવે છે. ધોરણ 10 કે ધોરણ 12 સાયન્સની પણ એ લોકો પરીક્ષા લઈને અને સો ટકા પાસ થવાની ગેરંટી આપે છે. તો આ બેમાં ફરક શું. કૃષ્ણ કરે એ લીલા અને બીજા કરે એ તે ભવાઈ. NIOS અને બોગસ માર્કશીટના કૌભાંડમાં લાંબો કોઈ અંતર નથી. NIOS જે કોઈ માર્કશીટ અને પરીક્ષાઓ આવે છે તે તાત્કાલિક બંધ થવી જોઈએ. કેટલા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની માર્કશીટ લઈને ભારત દેશમાં તો નહીં પરંતુ વિદેશોમાં MBBSમાં એડમિશન લે છે. આ કેટલી ગંભીર બાબત છે એ વિચારી શકાય જે સરકાર પોતે ચલાવે છે. આવી વ્યક્તિઓ પાસે બોગસ માર્કશીટ લેવી એના કરતાં સરકારી તંત્ર પાસે જ બોગસમાં લઈ લો ને! કોઈ ઝંઝટ જ નથી.
સુરત – રસેશ ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કાયદાનો કડક અમલ જરૂરી
હમણાં જ ઘણા લાંબા સમય બાદ વરાછા વિસ્તારમાં એક હોસ્પિટલનો તબીબ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતાં પકડાયો પણ પછી શું? મને બરાબર યાદ છે કે કોરોના સમય પહેલાં એક મહિલા પ્રતિષ્ઠિત આરોગ્ય અધિકારીએ કડક હાથે કામ લઈ આ દૂષણ સામે રીતસરનો મોરચો માંડયો હતો (નામ નથી આપતી) પણ ત્યાર બાદ વરાછા વિસ્તારની હોસ્પિટલમાં પાંચ વર્ષમાં આ એક જ કેસ હાથ લાગ્યો? હકીકત કંઈક જુદી અને ચોંકાવનારી છે. આ બાબતમાં પૈસા આપીને કેટલીક મહિલાઓને બાતમીદાર બનાવવામાં આવે તો જ કશુંક નકકર પરિણામ મળી શકે. કારણ કે પેશન્ટ, ડોકટર અને નર્સ સિવાય આ બાબત કોઈ જાણી શકતું નથી અને સારી એવી રકમ પણ પેશન્ટો પાસેથી ગેરકાયદેસર પડાવવામાં આવે છે એ કહેવાની જરૂર ખરી?
સુરત – પલ્લવી ધોળકિયાઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.