Charchapatra

કરોડો રૂપિયાના કોઇ દાવેદાર જ નથી

એક તરફ ભારતમાં ગરીબ લોકો પૈસા માટે વલખાં મારે છે તો બીજી તરફ બેન્કોમાં 1 લાખ કરોડ રૂપિયાના કોઇ દાવેદાર જ નથી. કેટલાંક લોકો વારસદારનું નામ લખવાનું ચૂકી જાય છે અથવા તો પોતાના કુટુંબની જાણ બહાર બેંકમાં ખાતાં ખોલાવીને પૈસા જમા કરાવે છે. જયારે તેમનું અચાનક મૃત્યુ થાય છે ત્યારે તેમના કુટુંબનાં સભ્યોને મૃત્યુ પામનાર વ્યક્તિના આર્થિક વ્યવહારોની જાણ હોતી નથી. દાવો ન કરાયેલા શેરોની સંખ્યા પણ આશ્ચર્યજનક છે. અંદાજિત 117 કરોડ શેર્સના કોઇ દાવેદાર નથી. આ 117 કરોડ શેર્સ ઇન્વેસ્ટર એજ્યુકેશન ઓન પ્રોટેકશન ફંડ (IPEF)માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ IPEFમાં આશરે 50000 કરોડોના ડિવિડન્ડ સાથે આ શેર્સમાં 5700 કરોડનો સમાવેશ થાય છે.

2021-22 નાણાંકીય વર્ષ સુધીમાં બેન્કોમાં દાવા વગરની થાપણો (ફિક્ષ્ડ ડીપોઝીટસ)ની 48262 કરોડથી પણ વધુ છે. એવી જ રીતે વીમા કંપનીઓમાં પણ દાવા વગરની જંગી રકમ પડેલી છે. 31 માર્ચ 2021 સુધીમાં 22043 કરોડ થાપણો પડેલી છે, જેનું કોઇ દાવેદર નથી. LIC આ થાપણોની વ્યવસ્થા કરી શકી નથી. નોન-એલઆઈડી કંપનીઓએ પણ 31, માર્ચ 2021 સુધીમાં  1,241,81 કરોડની દાવા વગરની થાપણો પડેલી છે. સેબીના જણાવ્યા મુજબ મ્યુચ્યુઅલ ફંડસમાં 31 માર્ચ 2021 સુધીમાં 1590 કરોડની દાવા વગરની થાપણો પડેલી છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે જયારે પૈસા ઇન્વેસ્ટ કરો છો ત્યારે નોમીનીનું નામ અવશ્ય લખાવો. હા, સરકારની દાનત સારી છે કેમ કે તે પૈસા વારસદારોને આપી દેવા માંગે છે. તેથી સરકારે વારસદારોને શોધવાની ઝુંબેશ શરૂ કરવા આદેશ આપ્યો છે. પણ જો વારસદાર ન શોધી શકાય તો આટલી મોટી રકમ સરકારે વેડફી ન નાખતાં આપણા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં તેમને જળ-વીજળી-શાળાઓ- હોસ્પિટલો – રસ્તાઓ તથા મકાનો બનાવવા વાપરવા જોઈએ. જો આમ કરાશે તો નવું ભારત બનાવી શકાશે!
સુરત – ડૉ. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગુજરાતીઓ માટે આનંદના સમાચાર
અમેરિકાના વિઝા મેળવવાના ઉત્સુકો પૈકી હું પણ મુંબઇ સ્થિત બી.કે.સી. (બાંદરા-કૂરલા કોમ્પલેક્ષ)ના વૈભવી વિસ્તારમાં ગયો હતો. જાણવા મળ્યું કે, પહેલાં વિઝા મેળવનાર ઉત્સુકોનું સવારે ઓળખ માટે ફોટો, આંગળાની છાપ, શરીર પરનું કાયમી નિશાન વ. લઇ સાંજે મૌખિક ઇન્ટરવ્યુ લેવાતું જેથી ગુજરાતના વિસ્તારમાંથી નીકળેલ અમેરિકાના વિઝાનો ઇચ્છુક વહેલી સવારે તેના સ્થાનેથી નીકળી મોડી રાત્રે ઘર ભેગો થતો હતો. પરંતુ તે પ્રથા  બાબાસાહેબ ઠાકરેના આદેશથી રદ કરવામાં આવી. બપોર પછી ઓળખ પરેડ અને બીજા દિવસે ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યું.

આમ કરવા પાછળનો ઇરાદો ઠાકરેજીનો સ્પષ્ટ હતો કે જે વિઝાઇચ્છુક વ્યકિત મહારાષ્ટ્રની બહારથી આવે છે તેઓએ રાત્રી રોકાણ મુંબઇમાં ફરજીયાત કરવું જ પડે અને જેથી ત્યાંની હોટલ, મોટલ, બાર, બીયર બાર, ઓટો રીક્ષા, કાર વ.વ.ને ધંધો મળી રહે તે હેતુ સમાયેલો હતો. આ બધી ચેનલોમાંથી હું પોતે પસાર થઇ ચૂકયો છું. બે દિવસ તો મુંબઇમાં ફરજીયાત રોકાવું જ પડે. હવે, જયારે અમેરિકાના વિઝાઉત્સુકો માટે અમદાવાદમાં અમેરિકાની કાઉસીલ્યુટ શરૂ થવાની છે તે ગુજરાતીઓ માટે ખૂબજ આનંદ સાથે આર્થિક રીતે રાહતજનક સમાચાર છે ત્યારે, સવારે ઓળખ અને સાંજે ઇન્ટરવ્યુવાળી પ્રથા મુંબઇ અને નવી સાકાર થતાં અમદાવાદની ઓફિસમાં થાય તો સમય-શક્તિ અને નાણાંની પણ બચત થઇ શકે. ગુજરાતમાં ધંધા-રોજગાર માટે કોઇ રાજરમત રમવાની જરૂર જ નથી.
સુરત     – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top