SURAT

પરદેશમાં છે નાણું પણ,નહીં મળે આવું ખાણું

સુરત કાપડ ઉદ્યોગની સાથે સાથે ખાણી પીણી માટે પણ જાણીતું છે કારણ કે સુરતીઓ મોજમજા કરવાની સાથે જ ખાવાપીવાના પણ એટલા જ શોખીન છે એટલે જ તો સુરતી જ્યાં પણ હોય એને સુરતી ચટાકો યાદ આવે જ. ને એ પણ ત્યારે તો ખાસ કે જ્યારે સુરતી ખાવા પીવાની શોખીન વ્યક્તિ વિદેશમાં સ્થાઈ થઈ હોય. વિદેશમાં તેમને અહીં ક્યારેય નહીં ચાખ્યો હોય એવો સ્વાદ મળશે પણ તેઓ સુરતી ટેસ્ટ ક્યારેય નહીં ભૂલે અને આ જ કારણે વિદેશમાં વસતા કેટલાક સુરતીઓ તો હાલની સિઝનમાં બનતી વાનગીઓની મઝા લેવા ખાસ અહીં સુરત સુધી લાંબા થતાં હોય છે. તો આવો મળીએ આવા જ કેટલાક સ્વાદપ્રિય સુરતીઓને જેઓને કેટલીક વાનગીઓનો ટેસ્ટ સુરત સુધી ખેંચી લાવે છે.

અમેરીકામાં પણ સુરતી ફૂડ બનાવવાની ટ્રાય કરું છુ : શકુંતલાબહેન પટેલ
છેલ્લાં 27 વર્ષોથી અમેરીકામાં રહેતા શકુંતલાબહેન પટેલ કહે છે કે, ‘’હું જ્યારે અમેરિકા ગઈ ત્યારે મારી ઉંમર માત્ર 18 વર્ષની જ હતી. શરૂઆતમાં તો મને ત્યાનું વાતાવરણ તો ઠીક પણ જમવામાં પણ ઘણો પ્રોબ્લેમ થતો. જો કે, ધીમે ધીમે હું ટેવાઇ ગઈ અને હવે તો બધુ ત્યાં પણ મળે જ છે એટ્લે હું ત્યાં સુરતી રસોઈ બનાવવાની ટ્રાય કરું છુ પણ અહિયાં જેવો ટેસ્ટ તો ક્યાથી મળે. જ્યારે ઈંડિયામાં શિયાળો શરૂ થાય એટ્લે ઊંધિયું, ઉબાડિયું, પોંક, નીરો વગેરે યાદ આવી જ જાય એટ્લે અમે તો આ સિઝનમાં સુરતી ટેસ્ટ લેવા માટે ખાસ સુરત જ આવીએ છીએ જેથી લોકોને તો મળી જ શકાય સાથે જ વર્ષમાં એકવાર જીભને પણ સંતોષ મળે.’’

2 વર્ષથી સુરતી ટેસ્ટ માટે તરસી રહ્યો હતો: હર્ષ માંડવીવાલા
સ્કોટલેન્ડમાં રહેતા હર્ષ માંડવીવાલા કહે છે કે, ‘હાલમાં જ હું સુરત આવ્યો છુ અને આવવા અગાઉ જ મારા ખાવા પીવાના મેનૂ નક્કી થઈ ગયા હતા. કારણ કે હવે તો ત્યાં પણ બધુ મળે જ છે પણ સુરત જેવો ટેસ્ટ નથી આવતો એટ્લે પણ ખાસ આ ટેસ્ટ યાદ આવે. આમ તો બધા સુરતીઓની જેમ ખમણ અને લોચો તો મારા ફેવરિટ છે જ પણ સાથે જ ઉતરાયણમાં બનતું ખાસ ઊંધિયું મને બહુ ભાવે છે. આ ઉપરાંત ઊબાડિયું ખાવાની તો મજા જ અલગ છે. એટ્લે હું તો હાલમાં હરવા ફરવા કરતાં મારી ફેવરિટ જગ્યાઓ પર જઈને લોચો, ખમણ, ઇદડાં અને પોંક જ ખાવાનો છુ. અને આવતા વર્ષે ફરીથી આ જ સમયે સુરતમાં ધામા તો ખરા જ.’

પોંકવડા ખાવા તો સુરત આવવું જ પડે : અપૂર્વ માંડવીવાલા
જર્મનીમાં સ્થાઈ થયેલા અને હાલમાં સુરત ખાતે આવેલા અપૂર્વ માંડવીવાળા કહે છે કે, ‘’મને પહેલાથી જ અલગ અલગ વાનગીઓ ખાવાનો શોખ છે. આમ પણ હું સુરતી હોવાથી મારી તો સવાર જ લોચા અને ખમણથી થતી હતી. જો કે છેલ્લા સાડાત્રણ વર્ષથી હું જર્મનીમાં સ્થાઈ થયો છુ એટલે અહીનું ફૂડ ખૂબ જ મીસ કરતો હતો. ને એવામાં કોરોનાના કારણે 2 વર્ષ સુધી આવવાનું શક્ય બન્યું નહીં. એટલે આ વર્ષે તો મે નક્કી જ કર્યું હતું કે જઈશ તો શિયાળામાં જ જઈશ જેથી ગરમી પણ નહીં નડે અને સુરતી ઊંધિયાનો ચટાકેદાર ટેસ્ટ અને પોંક વડા પણ માણવા મળે. કારણ કે આ ટેસ્ટ ફક્ત આ સિઝન પૂરતો જ માણવા મળે છે અને એ પણ ફક્ત સુરતમાં જ. સાથે જ ઉતરાયણની મસ્તીમાં ઘરે બનાવેલા તલના લાડુ અને ચીકીનો ટેસ્ટ તો ખરો જ.’’

ઊંધિયું ખાવા માટે ખાસ આવ્યો છુ: રાહુલ સોલંકી
વર્ષોથી કેનેડામાં રહેતાં રાહુલ સોલંકીને તો શિયાળો શરૂ થાય ને સુરતી ઊંધિયું યાદ આવી જ જાય. આ અંગે રાહુલ કહે છે કે,’’ કેનેડામાં આમ તો ઘણાં ગુજરાતીઓ રહે છે એટલે ક્યારેક ગુજરાતી વાનગીઓ ચાખવા મળી જ જાય છે પણ અહી જેવો ટેસ્ટ ત્યાં નથી મળતો. ને ઊંધિયું, પોંકવાડા, ઊબાડિયું જેવી વાનગીઓ તો આ સિઝનમાં જ સુરતમાં પણ બને છે એટ્લે એની તો મજા જ કઈક ઓર હોય છે. એટલે હું તો કોરોનાને બાદ કરતાં દર શિયાળામાં ઈન્ડિયા આવી જ જાઉં છુ અને જેટલો પણ સમય અહી રહું એટલો સમય ખમણ, પેટીસ, સમોસા, લોચો વગેરેનો ભરપૂર આનંદ લઉં છુ. આમ તો ઉતરાયણ મારો ફેવરિટ તહેવાર છે અને એમાં બનતા તલની ચીકી અને લાડુ, સીંગના લાડુ અને ચીકી વગર તો તહેવારની મીઠાશ જ નથી આવતી.’’

Most Popular

To Top