Columns

વકફ બિલના મુદ્દે સંસદમાં જોરદાર જંગ લડાય તેવી તમામ સંભાવના છે

કેન્દ્ર સરકારે લોકસભામાં વિવાદાસ્પદ વકફ (સુધારા) બિલ, ૨૦૨૪ ફરી રજૂ કર્યું છે. અગાઉ આ બિલ ગયાં વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વિરોધ બાદ તેને સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પક્ષોના લગભગ ૩૧ સાંસદો હતા. કેન્દ્ર સરકાર દાયકાઓ જૂના વકફ કાયદામાં ફેરફાર કરવા માંગે છે. સરકાર એવી દલીલ કરે છે કે આ નવું બિલ વકફ મિલકતોના વધુ સારા ઉપયોગ માટે છે, પણ મુસ્લિમોને લાગે છે કે સરકાર કાયદામાં ફેરફાર કરવાનાં બહાના હેઠળ વકફ મિલકતો પર કબજો કરવા માંગે છે.

વાસ્તવમાં વકફ સુધારા પર નવું બિલ ૧૯૯૫ના વકફ કાયદામાં સુધારો કરવા માટે લાવવામાં આવ્યું છે. આ બિલનું નામ યુનાઇટેડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ-૧૯૯૫ છે. લગભગ તમામ વિપક્ષી પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે સંસદમાં ઘણો હોબાળો થયો હતો અને તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. આ સમિતિના અધ્યક્ષ ભાજપના સાંસદ જગદંબિકા પાલ હતા. સમિતિએ ૧૩ ફેબ્રુઆરીના રોજ પોતાનો અહેવાલ રજૂ કર્યો, જેને ૧૯ ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી. જો કે, સમિતિના વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો કે તેમના સૂચવેલા ફેરફારોને નકારી કાઢવામાં આવ્યા હતા.

ગયાં વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં વકફ (સુધારા) બિલ, ૨૦૨૪ રજૂ કરતી વખતે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન સંસદમાં કહ્યું હતું કે આ બિલ રજૂ થવાથી કોઈની ધાર્મિક સ્વતંત્રતામાં દખલ નહીં થાય. આ બિલ કોઈના અધિકારો છીનવી લેવાની વાત કરતું નથી, પરંતુ તે એવા લોકોને અધિકારો આપવા માટે લાવવામાં આવી રહ્યું છે, જેમને વકફ સંબંધિત બાબતોમાં અધિકારો મળતા નથી. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં એક નિવેદનમાં કહ્યું હતું કે આ બિલ બંધારણની વિરુદ્ધ છે અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. કેન્દ્ર સરકારને સંસદમાં ટેકો આપતા કેટલાક રાજકીય પક્ષો પણ આ બિલની વિરુદ્ધમાં પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યા છે.

લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર વકફ બોર્ડ પાસે હાલમાં સમગ્ર ભારતમાં લગભગ ૮.૭ લાખ મિલકતો છે, જે લગભગ ૯.૪ લાખ એકર જમીનમાં ફેલાયેલી છે. તેમની કુલ કિંમત આશરે ૧.૨ લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. વિશ્વમાં સૌથી વધુ વકફ મિલકતો ભારતમાં છે. સેના અને રેલવે પછી, વકફ બોર્ડ ભારતમાં સૌથી વધુ જમીન ધરાવે છે.

વકફ એ કોઈ પણ સ્થાવર કે જંગમ મિલકત છે જે ઇસ્લામમાં માનતા કોઈ પણ વ્યક્તિ દ્વારા અલ્લાહના નામે અથવા ધાર્મિક હેતુઓ માટે અથવા સખાવતી હેતુઓ માટે દાન કરવામાં આવે છે. આ મિલકત સમાજના ભલા માટે સમાજનો ભાગ બને છે અને અલ્લાહ સિવાય કોઈ તેનો માલિક નથી અને હોઈ પણ શકતું નથી. સર્વોચ્ચ અદાલતે જાન્યુઆરી ૧૯૯૮માં આપેલા પોતાના એક નિર્ણયમાં એમ પણ કહ્યું હતું કે એકવાર મિલકત વકફ થઈ જાય પછી તે કાયમ માટે વકફ રહે છે. વકફ મિલકતો ખરીદી કે વેચી શકાતી નથી કે કોઈને ટ્રાન્સફર પણ કરી શકાતી નથી.

ભારત સરકારે વકફ મિલકતોના વહીવટ માટે વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલની સ્થાપના કરી છે. હાલમાં વકફ મિલકતોના રક્ષણ માટે ૧૯૯૫નો વકફ કાયદો અને ૨૦૧૩નો વકફ સુધારા કાયદો પણ અમલમાં છે. વકફ મિલકતોના રક્ષણ માટે કેન્દ્રીય સ્તરે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ નામની એક સ્વાયત્ત સંસ્થા છે. આ ઉપરાંત વકફ મિલકતોનું સંચાલન કરવા માટે રાજ્ય સ્તરે ભારતમાં કુલ ૩૨ વકફ બોર્ડ કામ કરે છે. વકફ બોર્ડે સભ્યોની પસંદગી કરી છે. સભ્યો ચેરમેનની પસંદગી કરે છે, જ્યારે સરકાર મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કરે છે.

વકફ મિલકતના સંચાલન માટે મુતવલ્લીની નિમણૂક કરવામાં આવે છે. મિલકતનું સીધું નિયંત્રણ મુતવલ્લીના હાથમાં હોય છે અને તે મિલકતમાંથી થતી કુલ આવકની નિશ્ચિત ટકાવારી વકફ બોર્ડને આપે છે. છેલ્લાં બે વર્ષમાં દેશની વિવિધ હાઈકોર્ટમાં વકફ સંબંધિત લગભગ ૧૨૦ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં વક્ફના કાયદાની માન્યતાને એ આધાર પર પડકારવામાં આવી હતી કે આવા કાયદા જૈન, શીખ અને અન્ય લઘુમતીઓ સહિત અન્ય ધર્મોને લાગુ પડતા નથી. નવા બિલની જોગવાઈ મુજબ ફક્ત તે વ્યક્તિ જ દાન કરી શકે છે જેણે સતત પાંચ વર્ષ સુધી મુસ્લિમ ધર્મનું પાલન કર્યું હોય અને દાન કરવામાં આવતી મિલકતની માલિકી તેની પાસે હોય.

વકફ કાયદામાં બે પ્રકારની વકફ મિલકતોનો ઉલ્લેખ છે. પહેલો વકફ અલ્લાહના નામે છે. બીજું વકફ ઔલાદ એટલે એવી વકફ મિલકત જેની સંભાળ વારસદારો દ્વારા લેવામાં આવશે. આ બીજા પ્રકારના વકફ માટે નવા બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે મહિલાઓના વારસાના અધિકારને નાબૂદ ન કરવો જોઈએ. એકવાર આવી દાનમાં મળેલી મિલકત સરકારી ખાતાંમાં આવી જાય, તે પછી જિલ્લા કલેક્ટર તેનો ઉપયોગ વિધવા મહિલાઓ અથવા માતા-પિતા વિનાનાં બાળકોના કલ્યાણ માટે કરી શકશે.

જો આવી મિલકત કે જમીન પહેલાથી જ સરકારના કબજામાં હોય અને વકફ બોર્ડે પણ તેને વકફ મિલકત હોવાનો દાવો કર્યો હોય, તો નવા બિલ મુજબ વકફનો દાવો કલેક્ટરની વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. નવા બિલ મુજબ, કલેક્ટર વકફ દ્વારા દાવો કરાયેલી આવી જમીન અંગે સરકારને પોતાનો અહેવાલ મોકલી શકે છે, જે સરકારના કબજામાં છે. કલેક્ટરના અહેવાલ પછી જો તે મિલકત સરકારી મિલકત તરીકે સ્વીકારવામાં આવે તો તે મહેસૂલ રેકોર્ડમાં કાયમ માટે સરકારી મિલકત તરીકે નોંધાઈ જશે. પ્રસ્તાવિત બિલમાં વકફ બોર્ડના સર્વેક્ષણના અધિકારને નાબૂદ કરવામાં આવ્યો છે.

નવાં બિલની જોગવાઈ મુજબ, હવે વકફ બોર્ડ સર્વે કર્યા પછી કહી શકશે નહીં કે મિલકત વકફ છે કે નહીં. વર્તમાન કાયદામાં વકફ બોર્ડના સર્વે કમિશનરને વકફ દ્વારા દાવો કરાયેલી મિલકતોનું સર્વેક્ષણ કરવાનો અધિકાર છે, પરંતુ પ્રસ્તાવિત બિલમાં સુધારા બાદ આ સત્તા સર્વે કમિશનર પાસેથી છીનવી લેવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે. પ્રસ્તાવિત બિલની અન્ય જોગવાઈઓ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેમાં વકફ કાઉન્સિલના સ્વરૂપનો સમાવેશ થાય છે.

સેન્ટ્રલ વકફ કાઉન્સિલના તમામ સભ્યો માટે મુસ્લિમ હોવું ફરજિયાત છે, પરંતુ પ્રસ્તાવિત બિલમાં બે બિન-મુસ્લિમ સભ્યો માટે પણ જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ સાથે સેન્ટ્રલ વકફ કાઉન્સિલના મુસ્લિમ સભ્યોમાં બે મહિલા સભ્યો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. બિલની અન્ય દરખાસ્તોમાં શિયા અને સુન્ની ઉપરાંત બોહરા અને આગાખાની માટે અલગ બોર્ડ બનાવવાની પણ જોગવાઈ છે. વર્તમાન કાયદા મુજબ શિયા વકફ બોર્ડની રચના ત્યારે જ થઈ શકે છે જ્યારે શિયા સમુદાયનો વકફની કુલ મિલકત અને આવકમાં ૧૫ ટકા હિસ્સો હોય. જો કે ફક્ત ઉત્તર પ્રદેશ અને બિહારમાં જ શિયા વકફ બોર્ડ છે.

લોકસભામાં પ્રસ્તાવિત સુધારા બિલ રજૂ થયું ત્યારથી મુસ્લિમોમાં ડર છે કે સરકાર તેમની જમીન પર કબજો કરવા માંગે છે, પરંતુ સરકારનો દાવો છે કે આ બિલ રજૂ થવાથી વકફ સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવાનું સરળ બનશે. બીજી બાજુ હિન્દુઓને લાગે છે કે વકફના કાયદાનો ઉપયોગ કરીને મુસ્લિમો હિન્દુઓની કે સરકારી મિલકત પડાવી લેતા હોય છે. જાણીતા લેખક મુજીબુર રહમાન માને છે કે જો વકફ પર સરકારનું નિયંત્રણ હશે તો તે મિલકતનો ઉપયોગ ક્યારેય મુસ્લિમો માટે થશે નહીં. તેના બદલે સરકાર પોતાના પ્રતિનિધિની નિમણૂક કરીને જમીનનો કબજો લઈ લેશે અને લોકોને તેમની ઇચ્છા મુજબ જમીન આપશે.

કલેક્ટર સરકારના પ્રતિનિધિ છે. જો તેઓ મિલકતમાં એક ટકા પણ વિવાદ જુએ તો તે મિલકત સરકારની મિલકત બની જશે. દરમિયાન, મૌલાના આઝાદ નેશનલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ઝફર સરેશવાલા કહે છે કે વકફ પાસે એટલી બધી સંપત્તિ છે કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ફક્ત મુસ્લિમો જ નહીં પરંતુ આ દેશના હિન્દુઓ પણ ગરીબ ન રહ્યા હોત.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top