દેશમાં વધતા માર્ગ અકસ્માતોમાં ટ્રક સાથે અકસ્માતનું પ્રમાણ વધુ હોય છે. આ હકીકતને લક્ષમાં રાખી સાઇટ સેવર્સ ઇન્ડિયા નેશનલ ટ્રકસ દ્વારા આયોજીત હેલ્થ કેમ્પમાં છ હજાર જેટલા ટ્રક ચાલકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી સુડતાલીસ ટકા લોકોને દેખાવા સંબંધિત બીમારી હોવાનું માલુમ પડયું હતું. સંસ્થા દ્વારા આ ટ્રક ચાલકોની આંખોની તાપસ કરી દવા અને રેડી ટ્રકિલપ ચશ્મા આપે છે. આ સંસ્થા દ્વારા 2017થી ટ્રક ચાલકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશમાન માત્ર ટ્રક સાથેના અકસ્માતોનું નહીં પણ અન્ય વાહનો સાથેના અકસ્માતોનું પ્રમાણ પણ વધતું જાય છે ત્યારે સમગ્ર દેશમાં શહેરો અને ગામોમાં આવા વધુ કેમ્પનું આયોજન હાથ ધરવાની તાતી જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સરકારે કાયદો ઘડેલો તે ખોટો હતો કે કાયદો પાછો ખેંચ્યો તે ખોટો?
તા. 22-9-22 ના ‘‘ગુજરાતમિત્ર’’ના પ્રથમ પાના પરના સમાચાર વાંચી દુ:ખની લાગણી અનુભવી. શીર્ષક છે ‘‘માલધારીનું આંદોલન : રાજ્યમાં દૂધનો પુરવઠો ખોરવાયો, સરકાર ઝૂકી : માલધારી સમાજના દબાણ હેઠળ રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક વિધાનસભામાંથી પાછું ખેંચી લીધું.’’ આ સરકારની પીછેહઠ કહેવાય. આ સરકારનું પગલું પ્રજાહિતનું ન ગણાય. સત્તા મેળવવા માટે મતની ગણતરીનું ધ્યાન રખાયું હોય એ સ્પષ્ટ ફલિત થાય છે. માલધારીઓએ કાયદાનો વિરોધ કર્યો. આથી એ સાબિત થાય છે કે તેઓ ઢોરને છોડી મૂકે છે. આ રીતે ટોળાંશાહી બનાવી અન્ય ટોળાંશાહીની પણ માંગણી સંતોષાશે ખરી? સરકારને આર્થિક પ્રશ્ન પણ નડશે. વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ખેડૂતોને માટેનો ઘડેલો કાયદો પાછો ખેંચી લીધો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે દેશના હિતને માટે મેં એ કાયદો પાછો ખેંચ્યો છે. તો અહીં ગુજરાતમાં રખડતાં ઢોરોને માટેનો કાયદો પાછો ખેંચતામાં પ્રજાનું શું હિત સચવાશે? આ કાયદો પાછો ખેંચ્યો એ માટે સરકાર પાસે કોઈ જવાબ છે ખરો? કાયદાઓ પ્રજાના હિત માટે જ ઘડાતા હોય છે. કાયદાઓ જોઈ વિચારીને જ ઘડાતા હોઈ ગુજરાતમાં કોઈ પણ પક્ષની સરકાર આવે, તેણે રખડતાં ઢોરોના નિયંત્રણ માટેનો કાયદો સત્વરે ઘડવો જ જોઈએ, જે વર્તમાન સમયની પ્રજાની માંગ છે. એ કાયદો પ્રજાના હિત માટેનો છે એ હકીકત છે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.