હાલ છેલ્લા થોડાક સમયમાં જ બે ઘટનાઓ એવી બની ગઇ છે જેણે અવકાશમાં તરી રહેલા ઉપગ્રહો, રોકેટો વગેરેના કાટમાળ અંગે ચિંતા સેવી રહેલા નિષ્ણાતોની ચિંતામાં ઓર વધારો કર્યો છે. ચીનના લોંગ માર્ચ-પ નામના એક રોકેટનો કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો અને તેનો સળગીને નષ્ટ થયા વિનાનો કેટલોક ભાગ હિંદ મહાસાગરમાં અને ફિલિપાઇન્સ નજીકના સમુદ્રમાં પડ્યો. આ કાટમાળ કોઇ વસ્તીવાળા વિસ્તાર પર પડે તો જાનહાનિ અને નુકસાન થાય તેવો ભય સેવાતો હતો તે ભય તો ટળી ગયો પરંતુ ભવિષ્યમાં આવી બીજી ઘટનાઓ બને તો શું થાય તેની ચિંતા તો યથાવત જ રહે છે.
બીજી ઘટના ઓસ્ટ્રેલિયામાં બની જ્યાં એક ખેતરમાં આકાશમાંથી એક મોટો ટુકડો પડ્યો અને તે ટુકડો ખાનગી અવકાશ કંપની સ્પેસએક્સના એક યાનના કાટમાળનો હતો! ચીનની ઘટનામાં ચીનના રોકેટની બનાવટ જો એવી રીતે રાખવામાં આવી હોત કે તેનો કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે જ સળગીને નષ્ટ થઇ જાય તો તે ઘટના ટાળી શકાય હોત એમ નિષ્ણાતો માને છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના ખેતરમાં અવકાશયાનમાંથી જે ટુકડો પડ્યો તે ઘટના વધુ ચિંતા જન્માવે તેવી છે.
એલન મસ્કની સ્પેસએક્સ કંપનીના એક અવકાશયાનમાંથી અવકાશી કાટમાળનો એક મોટો ટુકડો ઓસ્ટ્રેલિયાના એક ખેતરમાં પડ્યો હતો, પરંતુ આ ટુકડો તો પેલા ખેતરના માલિક માટે બહુ આકર્ષક શોધ બની ગયો હતો. પરંતુ પૃથ્વી પર પડતા અવકાશી કાટમાળના સંદર્ભમાં જોતા આ ટુકડો પડવો એ એક ચિંતાજનક ઘટના હતી. ત્રણ મીટરનો કાટમાળનો ટુકડો ન્યૂ સાઉથ વેલ્સના પર્વતીય વિસ્તારના એક ખેતરમાંથી મળ્યો હતો. માઇક માઇનર નામના ખેડૂતની પુત્રીએ એક મોટો અવાજ સાંભળ્યો હતો.
ત્યારબાદ તેમણે શોધખોળ કરતા તેમને આ ટુકડો મળી આવ્યો હતો. આ શું વસ્તુ છે તે જાણવા માટે ખેડૂતે સત્તાવાળાઓનો સંપર્ક કર્યો હતો અને તેમણે ઓસ્ટ્રેલિયા નેશનલ યુનિવર્સિટીના એક અવકાશ નિષ્ણાત બ્રેડ ટુકરને બોલાવ્યા હતા જેમણે તપાસ કરીને શોધી કાઢ્યું હતું કે આ ટુકડો વિશ્વના ટોચના અબજપતિ એલન મસ્કની ખાનગી અવકાશ કંપની સ્પેસએક્સ દ્વારા છોડવામાં આવેલ અવકાશયાન ક્રૂ-૧માંથી છૂટો થયેલો એક ટુકડો હતો. નવેમ્બર, ૨૦૨૦થી આ ટુકડો અવકાશમાં તરી રહ્યો હતો અને છેવટે પૃથ્વીના વાતાવરણમાં પડીને તે હાલમાં ઓસ્ટ્રેલિયાના એક ખેતરમાં ઝિંકાયો હતો. આ ટુકડો હવે ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ પોતાના કબજામાં લઇ લીધો છે. તેને હરાજીમાં મૂકવો કે મ્યુઝિયમમાં મૂકવો તેનો નિર્ણય બાદમાં લેવાશે.
ટુકરના જણાવ્યા પ્રમાણે ક્રૂ-૧ અવકાશયાનના તળિયાના ભાગનો આ ટુકડો છે. આ અવકાશયાન એક સ્પેસ કેપ્સ્યુલ છે જે કેપ્સ્યુલ અવકાશયાત્રીઓને અવકાશમાં લઇ જાય છે. અવકાશયાત્રીઓ પાછા ફરે ત્યારે લેન્ડિંગ વખતે તેનો તળિયાનો એક ભાગ અવકાશમાં જ તરતો રહી જાય છે. આ કેપ્સ્યુલમાં પણ એવું થયું હતું અને બાદમાં તે ભાગ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો. ગણતરી મુજબ તેનો મોટો ભાગ દરિયામાં પડ્યો હતો પણ આ ટુકડો ખેતરમાં પડ્યો હતો. આટલો મોટો ત્રણ મીટરનો ટુકડો કોઇના માથા પર પડ્યો હોત તો શું થયું હોત? તે વિચારવા જેવું છે. ચીનના લોંગ માર્ચ-પ રોકેટનો કાટમાળ દરિયામાં પડ્યો, પણ આ જ કાટમાળના ટુકડાઓ કોઇ વસ્તીવાળા વિસ્તાર પર પડ્યા હોત તો જાનહાનિ કે ગંભીર ઇજાના બનાવો બની શક્યા હોત.
છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના દેશોની અવકાશી મહત્વાકાંક્ષાઓ વધતી ગઇ છે. સંદેશ વ્યવહાર જેવા જરૂરી હેતુઓ ઉપરાંત વિવિધ સંશોધનો માટે પણ ઉપગ્રહો ઉપરાંત અવકાશયાનો પણ અવકાશમાં ચડાવવાનું પ્રમાણ વધ્યું છે અને હવે આમાં ખાનગી સ્પેસ કંપનીઓ ઉમેરાઇ છે અને તેઓ પોતાના ખાનગી અવકાશ સાહસો યોજવા માંડી છે. આવા માહોલમાં સ્વાભાવિક રીતે જ અવકાશમાં ભંગાર અને કાટમાળ વધવા માંડ્યો છે. ઘણો બધો અવકાશી ભંગાર અવકાશમાં તરી રહ્યો છે અને તે કાર્યરત ઉપગ્રહો સામે જોખમો સર્જી રહ્યો છે તે તો વળી એક જુદી જ બાબત છે.
પરંતુ આમાંથી કેટલોક કાટમાળ પૃથ્વી તરફ ધસી આવે છે. સદભાગ્યે આમાંનો ઘણો કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે જ સળગીને નષ્ટ થઇ જાય છે પરંતુ ચીનના રોકેટની બાબતમાં બન્યું તેમ કેટલોક કાટમાળ બાકી રહી જાય છે અને તે પૃથ્વી પર ખાબકે છે જે મોટો ભય ઉભો કરે છે. બિનજરૂરી અવકાશી સાહસો બંધ કરવા માટે વૈશ્વિક દેશોએ સમજૂતી કરવી જોઇએ અને અવકાશમાંથી પડતા કાટમાળના જોખમ અંગે યોગ્ય વ્યવસ્થાપન માટે સહિયારા પ્રયાસો કરવાનું પણ હવે જરૂરી બની રહ્યું છે.