Charchapatra

મતદાન કરવા માટેના પ્રચારમાં અતિરેક થઇ રહ્યો છે

2024ની સંસદીય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદાતાને રીઝવવા માટે બધાં જ માધ્યમો દ્વારા અતિરેક થઇ રહ્યો છે. આ ચૂંટણી જાણે પહેલી ચૂંટણી હોય અને મતદાતા ચૂંટણીના મતદાન માટેની પ્રક્રિયાથી સાવ અજાણ હોય એ રીતે રેડિયો, ન્યૂઝ પેપરો અને ટી.વી. જેવાં માધ્યમો દ્વારા પુષ્કળ પ્રમાણમાં સૂચનાઓ એવમ વિનંતીઓ કરવામાં આવી રહી છે. કોઇ પણ ચૂંટણીમાં મતદાન કરવું એ આપણા દરેક મતદાતાની ફરજ છે. ભૂલ્યા વગર સાત કામ પડતાં મૂકીને પણ મતદાનના દિવસે, મતદાન મથકે જઇને પોતાનો કિંમતી મત આપવો જ જોઇએ. પણ આ વખતની ચૂંટણી માટે તો ‘બસ મતદાન કરો જ’ એવા પ્રચારથી મતદાતાઓ પણ કંટાળી ગયા છે.

ભૂતકાળની ચૂંટણીઓ વખતે કયારેય ના જોયો હોય એવો મતદાન કરવા બાબતે માહોલ ઊભો કરવામાં આવ્યો છે. જો કે મતદાન કરવા બાબતનો માહોલ તટસ્થતાપૂર્વકનો છે, એની ના નહિ પણ જે રીતે એનો એકધારો પ્રચાર થઇ રહ્યો છે એ જરા કઠે છે. જાણે કે દરેક મતદાતા અંગૂઠા છાપ હોય એ રીતે મતદાન કરવા માટે મતદાતાઓને સમજાવવામાં આવી રહ્યા છે. જે નવા યુવક-યુવતીઓ મતદાન માટે પ્રવેશ કરી રહ્યા છે એ તો મોટે ભાગે શિક્ષિત જ છે. એટલે પણ મતદાન કરવા બાબતે થતો અતિરેક સહ્ય તો નથી જ.
સુરત              – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top