19મી સદીની મધ્યમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં રેલવે શરુ કરવાનો નિર્ણય લીધો ત્યારે કંપનીના કેટલાક રોકાણકારોએ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે પ્રજા સાથે જમતી નથીએ એ પ્રજા સાથે પ્રવાસ થોડી કરવાની છે! ભારતમાં સાર્વજનિક પ્રવાસન અશક્ય છે અને જુદીજુદી પ્રજા માટે કેટલા ડબા અલગ કરશો? સામે કેટલાક રોકાણકારોએ એવી દલીલ કરી હતી કે સ્વાર્થ અને સુવિધા એવી ચીજ છે જેને કોઈ નકારતું નથી. થોડો સમય પ્રતિકારનું નાટક કરશે અને પછી અપનાવી લેશે. તમે ભારતમાં કોઈ સવર્ણ દુકાનદાર કે વેપારી જોયો છે જે હરિજન ગ્રાહકને પાછો મોકલતો હોય કે મુસ્લિમ સાથે ધંધો ન કરતો હોય? લાભ અને સુવિધા માટે લોકો રસ્તો શોધી લેતા હોય છે.
દલીલમાં દમ હતો અને સત્ય સામે હતું એટલે કંપનીએ રેલવે શરુ કરી. 1853માં મુંબઈથી થાણે વચ્ચે. તેને આગળ ખંડાલા સુધી વિસ્તારવામાં આવી. પેલી બાજુ પૂનાથી લોનાવાલા વચ્ચે ટ્રેન શરુ કરી. વચ્ચે ભોર ઘાટ બળદગાડીમાં ચડવો પડતો, કારણ કે બોગદાં હજુ બનવાનાં બાકી હતાં. તો પણ પૂનાથી સવારે નીકળેલો પ્રવાસી સાંજે મુંબઈ પહોંચી જતો હતો. પૂનાના સંસ્કૃતિરક્ષક બ્રાહ્મણોએ રેલવેનો બહિષ્કાર કર્યો. અનેક જન્મો પુણ્ય કર્યા પછી પવિત્ર બ્રાહ્મણનું ખોળિયું પામનાર પતિતો અને મ્લેચ્છો સાથે એક પંક્તિએ પ્રવાસ કેવી રીતે કરી શકે! પાતક! પાતક! હવે બન્યું એવું કે જે લોકો સંસ્કૃતિની રક્ષાના ઠેકેદાર નહોતા એ લોકો સવારે નીકળીને સાંજે મુંબઈ પહોંચી જતા હતા અને ભટજીઓને મુંબઈ પહોંચતા બેથી ત્રણ દિવસ લાગતા હતા. ઉપરથી શારીરિક કષ્ટ અને હેરાનગતી વધારામાં. થોડા દિવસમાં તેઓ પણ પાણીની છાંટ નાખીને ટ્રેનમાં બેસવા માંડ્યા. સંસ્કૃતિની રક્ષામાં સમાધાન કર્યાં.
આ પ્રસંગ ટાંકવા પાછળનું કારણ એ છે કે 19મી સદી અને 21મી સદીમાં એક સમાનતા છે. અત્યારની જેમ જ 19મી સદીએ સાંસ્કૃતિક આઘાત પહોંચાડ્યા હતા. ધંધા માટે આવેલા યુરોપિયન હવે શાસક થઈ ગયા અને તેમણે તેમની શાસનવ્યવસ્થા, તેમની મૂલ્યવ્યવસ્થા, તેમની ન્યાયવ્યવસ્થા, તેમની શિક્ષણપદ્ધતિ, તેમની ચિકત્સાપદ્ધતિ, તેમની ભાષા, તેમનો વ્યક્તિ અને સમાજ પ્રત્યેનો દૃષ્ટિકોણ અને આધુનિક ટેકનોલોજી તેમ જ એકંદરે આધુનિકતા દાખલ કર્યા. ભારતમાં હિંદુ અને મુસલમાનો માટે અને તેમાં પણ સંસ્કૃતિના ઠેકેદારો માટે આ આઘાત પચાવવો મુશ્કેલ બન્યો. અત્યાર સુધી આર્યાવત પર આક્રમણ થતાં હતાં પણ હવે તો આર્ય સંસ્કૃતિ પર આક્રમણ થયું. આક્રમણ કરનારાઓ ઈતિહાસમાં ક્યારેય નહોતા જોયા એવા શક્તિશાળી હતા અને સમય તેમની સાથે હતો. આ બાજુ એવા કેટલાક હિંદુઓ અને મુસલમાનો પણ હતા જેમણે સમય વર્તીને વહેવારુ માર્ગ અપનાવ્યો. થોડું પકડી રાખ્યું અને થોડું જતું કર્યું. તેઓ સમયને ઓળખતા હતા અને સમયની સાથે ચાલવા માગતા હતા. એ સમયે દરેક સમાજમાં અને ઘરેઘરે સાંસ્કૃતિક આક્રમણ કરનારા લોકો સાથે અને સંસ્કૃતિક આક્રમણ સાથે કેમ કામ પાડવું એ વિષે મતભેદ પેદા થયા હતા. લગભગ અત્યારના જેવી જ સ્થિતિ હતી. દરેક સમજમાં બે ભાગ થયા હતા. અત્યારે મીડિયાને કારણે વિભાજન વધારે પહોળું થયું છે.

આપસમાં લડતા બાખડતા, શિખા બાંધીને પ્રતિકાર કરતા કરતા ઓગણીસમી સદી પૂરી થઈ અને વીસમી સદીમાં જોવા મળે છે કે સંસ્કૃતિરક્ષકોનાં સંતાનો છાંટ નાખીને શાળાએ જવા માંડ્યા, દવાખાને જવા માંડ્યા, પરંતુ તેમાં તેઓ પ્રગતિશીલ હિંદુઓ અને મુસલમાનો કરતાં ત્રણથી ચાર પેઢી પાછળ હતા. રમણભાઈ નીલકંઠનું પ્રહસન ‘ભદ્રંભદ્ર’1900ની સાલમાં પ્રકાશિત થયું છે એનો અર્થ એ કે ત્યાં સુધી સંસ્કૃતિરક્ષકોનું ઝનૂન હજુ કાયમ હતું. પણ છેવટે પૂનાના બ્રાહ્મણો મનેકમને રેલવેમાં બેસી ગયા એ ઓગણીસમી સદીના પહેલાં સાંસ્કૃતિક આઘાતનું અંતિમ સત્ય હતું, અલબત્ત તેમાં તેઓ ત્રણથી ચાર પેઢીથી પાછળ રહી ગયા હતા. તેમણે તેમનાં સંતાનોનું નુકસાન કર્યું.
21મી સદીમાં ફરી એકવાર આપણે સાંસ્કૃતિક આઘાતનો સામનો કરી રહ્યા છે અને એ પણ વૈશ્વિક સ્તરે અને વધારે પ્રચંડ માત્રામાં. 19મી સદીની જેમ જ 21મી સદીમાં સંસ્કૃતિરક્ષકો ફરી વાર મેદાનમાં ઉતર્યા છે અને એ પણ વૈશ્વિક સ્તરે.
-રમેશ ઓઝા