Editorial

મતદારોએ જન્મ પ્રમાણપત્રો આપવાના ચૂંટણીપંચના નિર્ણયથી નવો વિવાદ થવાની સંભાવના

અન્ય દેશમાંથી આવીને આધારકાર્ડ બનાવીને ભારતનું ચૂંટણી કાર્ડ મેળવી ભારતના નાગરિક બની જતાં ઘૂસણખોરો પર હવે તવાઈ આવશે. ચૂંટણી પંચે એક એવો નિર્ણય લીધો છે કે તેના દ્વારા અન્ય દેશના લોકો ભારતના નાગરિક બની શકશે નહીં. ચૂંટણી પંચે એવો નિર્ણય લીધો છે કે હવેથી મતદાર યાદીમાં જેટલા પણ મતદારો નોંધાયેલા છે તે તમામ મતદારોએ સ્વઘોષણાપત્ર સબમિટ કરીને જણાવવાનું રહેશે કે તેઓ ભારતના નાગરિક છે.

આ માટે મતદારોએ પોતાના જન્મસ્થળનો પુરાવો પણ આપવાનો રહેશે. તાજેતરમાં બિહારની ચૂંટણી થનાર છે ત્યારે આ નિર્ણયનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2003માં પ્રકાશિત થયેલી યાદી ડ્રાફ્ટ યાદી તરીકે સેવા આપશે. બાકીના ભારત માટેનું સમયપત્રક અલગથી યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે. ચૂંટણી પંચે આના માટે પોતાને મળેલી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21 હેઠળ પોતાને મળેલી સત્તાને આધારે આ નિર્ણય કર્યો છે.

આ સિસ્ટમમાં તમામ મતદારોએ પહેલેથી એવી એફિડેવિટ કરવાની રહેશે કે તેઓ 18 વર્ષથી વધુની ઉંમરના છે અને તેઓ સંબંધિત વિધાનસભા કે સંસદીય મતવિસ્તારના રહેવાસીઓ છે. મતદારોએ 11 યોગ્ય દસ્તાવેજો દ્વારા પોતાની નાગરિકતાની સ્થિતિ અને પુરાવાની યાદી પણ આપવાની રહેશે. આ તમામ દસ્તાવેજો ચૂંટણીપંચના પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. એફિડેવિટમાં જેમનો જન્મ 1લી જુલાઈ, 1987 પહેલા થયો હશે તેવા મતદારોએ પોતાના માતા-પિતાના જન્મના પ્રમાણપત્રો આપવાના રહેશે.

જ્યારે 2જી ડિસેમ્બર, 2004 પછી જન્મ્યા હોય તો તેમણે પોતાની તેમજ પોતાના માતા-પિતાની જન્મતારીખ અને સ્થળનો પુરાવો આપવાનો રહેશે. જો માતા-પિતામાંથી કોઈએ એક બિનભારતીય હોય તો તેમણે તેમના જન્મ સમયે માતા-પિતાના માન્ય પાસપોર્ટ અને વિઝાની નકલ પણ આપવાની રહેશે. એફિડેવિટમાં એવું પણ આપવાનું રહેશે કે જો લાયક મતદાર અથવા અરજદાર ભારતની બહાર જન્મ્યા હોય તો તેણે વિદેશમાં ભારતીય મિશન દ્વારા જારી કરવામાં આવેલા જન્મનોંધણીનો પુરાવો આપવાનો રહેશે. અન્યથા ભારતીય નાગરિકત્વનું નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય એક રીતે ઐતિહાસિક છે. કારણ કે હવેથી ફક્ત 18 વર્ષથી વધુની વયના ભારતીય નાગરિકો અને સામાન્ય રહેવાસીઓ જ મતદાન કરી શકશે. હાલના મતદારો માટે ચૂંટણીપંચના અધિકારીઓ ઘરેઘરે ફોર્મનું વિતરણ કરશે અને તેમાં વિવિધ કોલમો ભરવાની રહેશે. ચૂંટણીપંચનો આ નિર્ણય જેટલો ઐતિહાસિક છે તેટલો વિવાદ પણ ઊભો કરનારો છે. કારણ કે ચૂંટણીપંચે બિહારની ચૂંટણી ટાણે જ કરેલી આ જાહેરાતને કારણે વિપક્ષો દ્વારા વિવાદ કરવામાં આવે તે સ્વાભાવિક છે. બિહારની ચૂંટણીમાં આ નવા નિર્ણયને કારણે મતદારોમાં ઘટાડો થવાની સંભાવના છે. જે મતદારો ઘટશે તે પોતાના મતદારો હોવાની માન્યતા સાથે વિપક્ષો દ્વારા આ નિર્ણયને કોર્ટમાં પણ પડકારવામાં આવે તેવી સંભાવના છે. ચૂંટણીપંચનો આ નિર્ણય સારો છે પરંતુ જે સમયે તેની જાહેરાત કરવામાં આવી છે તે વિવાદી છે. બિહાર બાદ આગામી દરેક સ્થળે તેનો અમલ કરવામાં આવનાર હોવાથી આગામી દિવસોમાં આ નિર્ણયને કારણે વિવાદ વકરશે તે નક્કી છે.

Most Popular

To Top