નડિયાદ: નડિયાદ વોર્ડ નંબર 13માં આવેલા વરસાદી પાણીના ખુલ્લા કાંસથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. શહેરના ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ તરફ સ્વામી વિવેકાનંદ સ્કૂલ અને ત્યાંથી આગળ બબુ અમરાના ચોતરાથી આગળ છેક કેનાલ સુધી આ વરસાદી પાણીની લાંબી કાંસ છે. પરંતુ આ કાંસ ઉપર કોઈ પણ જાતની મરમત ન કરાતા વર્ષોથી એક જ હાલતમાં ગંદકીથી ખદબદી રહી છે. ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ તરફ છેક કેનાલ સુધી આ વરસાદી કાંસ આવેલી છે. ચકલાસી ભાગોળથી ઢીંઢાવાડીયાના ખાંચા સુધીનો રોડ પણ કાંસ કરતા ઓછી પહોળાઈવાળો છે.
આ કાંસની આસપાસ અનેક સોસાયટી વિસ્તારો, ફળિયા અને રહેણાંક મકાનો આવેલા છે. આ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન બંધ હોવાથી સ્થાનિકો તમામ કચરો આ કાંસના ઢાળ પર જ ફેંકી દે છે. જેના કારણે અહીં કચરાના પણ ઢગ વાગ્યા છે. ઉપરાંત કાંસમાં વરસાદી પાણી પણ ભરાયેલુ રહે છે. જેના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. આ વિસ્તારમાં 4 જેટલી સ્કૂલો આવેલી છે. જેમાં સ્વામી વિવેકાનંદ, શાળા નં. 33-35, એસ. જી. પટેલ સ્કૂલ અને શારદા મંદિર આ વિસ્તારના 500 મીટરમાં જ આવેલી છે. જેથી આ વિસ્તારના અનેક બાળકો શાળાએ જવા માટે કાંસની પાસેના રસ્તા પરથી નીકળતા હોય છે. ત્યારે આ બાળકોને પણ ગંદકી અને ખુલ્લા કાંસનો ભય રહે છે.
ઉપરાંત સ્થાનિકો પણ કાંસની બાબતે ત્રાસી ગયા છે. તો વળી, હાલ આ કાંસની બાજુમાં આવેલા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના ફતેપુરા રોડનું કામકાજ શરૂ કરાયુ છે. આ રોડ માતબર રકમ ખર્ચી બનાવાઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી કાંસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ નિર્ણય છેલ્લા પંદરેક વર્ષમાં લેવાયો નથી. ત્યારે હજારો લોકોને અસર કરતી આ કાંસનું તાત્કાલિક રીતે નગરપાલિકા દ્વારા સમારકામ કરી ચોક્કસ આયોજનથી આ કાંસની સમસ્યા દૂર કરે તેવી માગ પ્રબળ બની છે. ચોમાસા પહેલા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટરની મિટિંગમાં અવાર નવાર કાંસ સફાઇ માટે સુચના આપવામાં આવે છે. છતાં કોઇ પગલાં ભરાતાં નથી.
રાત્રે મચ્છી બજારની ગંદકી ભરવા ટ્રેક્ટર ફાળવાય તેવી માગ
અહીં ચકલાસી ભાગોળ પર ફતેપુરા રોડની શરૂઆતમાં જ મચ્છી માર્કેટ આવેલુ છે. આ મચ્છી માર્કેટના વિક્રેતાઓ દ્વારા રાત્રે ગંદકી અને દુર્ગંધ યુક્ત ગંદવાડ કાંસમાં ઠલવાય છે. જેના કારણે દુર્ગંધ મારે છે. ત્યારે નગરપાલિકા દ્વારા રાત્રિ સફાઈમાં આ વિસ્તારને આવરી લઈ ગંદવાડ પાલિકાના વાહનમાં લઈ અને ડમ્પિંગ સાઈટ પર ઠલવાય તેવી પણ જરૂર વર્તાઈ રહી છે.
વિસ્તારમાં સફાઈની તાતી જરૂર, કોઈ સફાઈકર્મી ફાળવાયો નથી
આ વિસ્તારમાં નગરપાલિકા પ્રશાસન દ્વારા કોઈ કર્મચારી સફાઈ કામ માટે ફાળવાયા નથી. તો વળી, અહીં એક પણ કચરાપેટી પણ મુકાઈ નથી. આટલુ તો ઠીક પણ નગરપાલિકાના ડોર ટુ ડોર કલેક્શનનો પણ આ વિસ્તારમાં ફિયાસ્કો થઈ ગયો છે. તેના કારણે સ્થાનિરો રોડ પર જ કચરો ઠાલવી રહ્યા છે અને તેના કારણે પુષ્કળ પ્રમાણમાં ગંદકી વધી ગઈ છે.
અનેકવાર રજૂઆત કરવા છતાં પરીણામ શૂન્ય
આ અંગે સ્થાનિક રહીશ મયુરભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ અંગે પારાવાર રજૂઆતો કરવામાં આવી છે. નગરપાલિકામાં લેખિત રજૂઆતો સહિત વિસ્તારના કાઉન્સિલરો અને આગેવાનોને પણ ધ્યાન દોર્યુ છે. તેમ છતાં હજુ સુધી કાંસ અંગે નક્કર પરીણામ મળ્યુ નથી.