આજથી આશરે ૧૩૧ વર્ષ પહેલાં ભારતનો એક યુવાન સંન્યાસી કન્યાકુમારીના દરિયામાં તરીને એક ખડક પર પહોંચ્યો હતો અને ઈશ્વરના ધ્યાનમાં ગરકાવ થઈ ગયો હતો. આ ધ્યાન અવસ્થામાં તેને આધુનિક ભારતનું વિઝન પ્રાપ્ત થયું હતું. આ વિઝન શિકાગોની સર્વ ધર્મપરિષદમાં મૂકીને નરેન્દ્રનાથ સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદ તરીકે વિખ્યાત થયા હતા. હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદની નકલ કરીને સમુદ્ર વચ્ચે આવેલા વિવેકાનંદ રોક મેમોરિયલમાં ૪૫ કલાકનું ધ્યાન કરવા બેઠા છે.
વિપક્ષો આ ધ્યાનને રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે, પણ નરેન્દ્ર મોદીને આશા છે કે આ ધ્યાનમાં તેમને નયા ભારતનું નવનિર્માણ કરવા માટેનું કોઈ ક્રાંતિકારી વિઝન મળી જશે. કન્યાકુમારીમાં જ ભાજપના અને સંઘપરિવારની થિન્ક ટેન્ક ગણાતા વિવેકાનંદ સેન્ટરની હેડ ઓફિસ પણ આવેલી છે, જ્યાંથી હિન્દુત્વની વિચારધારાનો સમગ્ર વિશ્વમાં પ્રચાર કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કદાચ ૪૫ કલાકના ધ્યાનના અંતે હિન્દુત્વના કોઈ નૂતન આક્રમક સ્વરૂપનો સાક્ષાત્કાર કરે અને ચૂંટણી જીત્યા પછી તેને તમામ તાકાત સાથે ભારતમાં ઠોકી બેસાડે તેવી તમામ સંભાવનાઓ છે.
ચૂંટણીપ્રચાર દરમિયાન વિપક્ષો સતત વડા પ્રધાન પર આક્ષેપ કરી રહ્યા હતા કે જો ભાજપને મજબૂત બહુમતી મળશે તો તેઓ ભારતનું બંધારણ બદલીને ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરશે, તેનું અમલીકરણ કરવાનો તખતો કદાચ કન્યાકુમારીમાં ગોઠવાઈ રહ્યો છે. આ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કલ્કિ અવતાર ઘોષિત કરવામાં આવે તેવી પણ સંભાવના છે. મોદીએ પોતે તાજેતરમાં વિધાન કર્યું હતું કે ‘‘મારો જન્મ બાયોલોજિકલ રીતે નથી થયો.’’ રાજકીય નિષ્ણાતોને આ વિધાનમાં પણ કંઈક અલગ યોજના દેખાઈ રહી છે. રાજકીય પંડિતો કહે છે કે જો ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળે તો પણ મોદી સત્તા નહીં છોડે, પણ દેશમાં કટોકટી જાહેર કરીને હિટલરની જેમ સરમુખત્યાર બની જશે. તાજેતરમાં રિટાયર થયેલા સૈન્યના વડાને માત્ર એક જ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે તે પણ બહુ સૂચક છે.
વર્ષ ૧૮૯૩માં રામકૃષ્ણ પરમહંસ જેને નરેન કહેતા હતા તે નરેન્દ્રનાથ દત્તા નામનો સંન્યાસી દરિયો તરીને ભારતની મુખ્ય ભૂમિના દક્ષિણના છેડા, કન્યાકુમારીમાં એક ખડક પર ગયો હતો અને ત્રણ દિવસ ધ્યાન કરવા માટે તેના પર બેઠો હતો. ત્યાં તેને આધુનિક ભારતનું વિઝન મળ્યું હતું. ૩૧ મે, ૧૮૯૩ ના રોજ, આજથી બરાબર ૧૩૧ વર્ષ પહેલાં, તેઓ વિશ્વ ધર્મસંસદમાં ભાષણ આપવા માટે મુંબઈ બંદરેથી સ્ટીમરમાં બેસીને શિકાગો જવા રવાના થયા હતા, જે સ્વામી વિવેકાનંદનાં અત્યાર સુધીનાં સૌથી પ્રતિષ્ઠિત ભાષણોમાંનું એક બની રહ્યું હતું.
શિકાગોની વિવેકાનંદ વેદાંત સોસાયટીની વેબસાઇટ અનુસાર તેમણે કેસરી પાઘડી અને ઝભ્ભો પહેર્યો હતો અને ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ ના પ્રકાશિત સ્વામી વિવેકાનંદ પર પ્રથમ અમેરિકન અખબારના અહેવાલમાં તેમનો ઉલ્લેખ ‘સરળ ચહેરા સાથેના શિક્ષિત બ્રાહ્મણ હિંદુ’ તરીકે કરવામાં આવ્યો હતો. શિકાગો વિશ્વ ધર્મપરિષદમાં તેમના સીમાચિહ્નરૂપ ભાષણ પછી અન્ય અહેવાલમાં જણાવાયું હતું કે તેમનું અંગ્રેજીનું જ્ઞાન જાણે કે તે તેમની માતૃભાષા હોય તેટલું સહજ છે.
સ્વામી વિવેકાનંદ ૧૮૯૨ માં ભારતનું પરિભ્રમણ કરતા હતા ત્યારે તેમને ખબર પડી કે અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મપરિષદ યોજાવાની છે. આ યુવાન સાધુના પ્રાચીન ગ્રંથોના જ્ઞાન અને દૂરંદેશી દૃષ્ટિકોણથી પ્રભાવિત થઈને લોકોએ તેમને વિશ્વના સૌથી મોટા ધાર્મિક નેતાઓના મંડળમાં હિન્દુ સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા વિનંતી કરી હતી. ૧૮૯૩ના એપ્રિલમાં જ સ્વામી વિવેકાનંદે ધર્મસંસદમાં હાજરી આપવા માટે અમેરિકા જવાની યોજના નક્કી કરી હતી. તેઓ બહુ ટાંચા બજેટમાં અમેરિકાની મુસાફરી કરવા માટે તૈયાર થયા હતા. તેઓ ૩૧ મે, ૧૮૯૩ના રોજ મુંબઈ બંદરેથી એસએસ પેનિન્સ્યુલર નામની સ્ટીમરમાં ચડ્યા હતા અને ૨૫ જુલાઈના રોજ વેનકુંવર પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ટ્રેન પકડીને ૩૦ જુલાઈના રોજ શિકાગો પહોંચ્યા હતા.
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ની સવારે ધર્મસંસદની શરૂઆત થઈ હતી, જેમાં વિશ્વના ૧૦ ધર્મોને સમર્પિત ઘંટના ૧૦ ડંકા વગાડવામાં આવ્યા હતા. હોલમાં ૪,૦૦૦ લોકોને સમાવવાની ક્ષમતા હતી. કાર્યક્રમની શરૂઆત પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત નોંધ અને પ્રતિભાવોથી થઈ હતી અને સ્વામી વિવેકાનંદ તે દરમિયાન મૌન ધ્યાનમાં બેઠા હતા. બપોરના સત્રમાં અન્ય ચાર ધર્મોના પ્રતિનિધિઓએ તેમના તૈયાર પેપર વાંચ્યાં પછી તેઓ ધર્મસંસદને સંબોધવા ઊભા થયા હતા. પછી સ્વામી વિવેકાનંદ બોલ્યા કે”અમેરિકાનાં બહેનો અને ભાઈઓ!’ તેમણે આ રીતે શરૂઆત કરી ત્યારે તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન થયું હતું. અમેરિકનો આશ્ચર્યચકિત થઈ ગયા કે ભગવા પોશાકવાળા સાધુ તેમને ‘બહેનો અને ભાઈઓ’ તરીકે સંબોધશે અને પોતાનાં બનાવશે.
સ્વામી વિવેકાનંદે સ્વાગત પ્રવચનના જવાબમાં કહ્યું કે “”તમે અમને આપેલા ઉષ્માભર્યા અને સૌહાર્દપૂર્ણ સ્વાગતના પ્રતિભાવને કારણે મારું હૃદય અકથ્ય આનંદથી ભરાઈ ગયું છે. હું વિશ્વના સૌથી પ્રાચીન સાધુઓના નામ પર તમારો આભાર માનું છું, હું ધર્મોની માતાના નામે તમારો આભાર માનું છું અને હું તમામ વર્ગો અને સંપ્રદાયોનાં લાખો અને કરોડો હિન્દુ લોકોના નામે તમારો આભાર માનું છું.’’ સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મને સાર્વત્રિક ધર્મ તરીકે વર્ણવવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અવતરણ રજૂ કર્યું અને વિશ્વમાં ફેલાઈ ગયેલી તમામ ધર્માંધતા, તલવાર કે કલમ વડે થતા તમામ જુલમોને મૃત્યુદંડની શુભેચ્છા પાઠવી હતી.
દિવસની શરૂઆતના સંક્ષિપ્ત પરંતુ પ્રભાવશાળી ભાષણ પછી સ્વામી વિવેકાનંદે ૧૫ સપ્ટેમ્બરના રોજ ‘‘અમે કેમ અસહમત?’ વિષય પર વાત કરી. ૧૯ સપ્ટેમ્બરના રોજ તેમણે તેમનું હિંદુવાદ પરનું પેપર રજૂ કર્યું, જેને ધ શિકાગો હેરાલ્ડે તે દિવસની સૌથી રસપ્રદ વિશેષતા ગણાવી હતી. ૨૩ સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદે ભરચક હોલમાં રૂઢિચુસ્ત હિંદુવાદ વિશે વાત કરી હતી. હજારો લોકો ભારતના યુવાન સંન્યાસીને સાંભળવા આવ્યા હતા, જેઓ તેમની ફિલસૂફીથી અમેરિકનોના વિચારો બદલી રહ્યા હતા. ૨૭ સપ્ટેમ્બરના છેલ્લા દિવસે સ્વામી વિવેકાનંદે તેમના ભાષણનો અંત “વિનાશ નહીં પરંતુ આત્મસાત’ના આહ્વાન સાથે કર્યો, જે માનવજાતિના અસ્તિત્વ માટે યાદગાર ભાષણ રહેશે.
સ્વામી વિવેકાનંદે કન્યાકુમારીના દરિયામાં ૧૩૧ વર્ષ પહેલાં જે ખડક પર ધ્યાન કર્યું તેના પર વિવેકાનંદ રોક મેમોરિયલ નામનું ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે. કન્યાકુમારી બીચ પરથી ફેરી સર્વિસ પ્રવાસીઓને અને યાત્રાળુઓને વિવેકાનંદ રોક મેમોરિયલ સુધી પહોંચવાની સુવિધા પૂરી પાડે છે, જેમાં ધ્યાનમંડપ પણ છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ધ્યાન મંડપમાં તા. ૩૦ મેથી ૪૫ કલાકનું ધ્યાન કરવા બેઠા છે. ૨૦૧૯માં ચૂંટણી પ્રચાર પૂરો થયો તે પછી વડા પ્રધાને કેદારનાથની ગુફામાં ૧૫ કલાકનું ધ્યાન કર્યું હતું. તે વખતે ગુફામાં પણ તેમના ધ્યાનની ઝલક મેળવીને તેને મિડિયા મારફતે વિશ્વભરમાં પહોંચાડવા માટે કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા.
પતંજલિના યોગસૂત્રમાં ધ્યાનના અનેક પ્રકારો બતાડવામાં આવ્યા છે, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકીય ધ્યાનનો જે નવો પ્રકાર શોધી કાઢવામાં આવ્યો છે, તેનો ઉલ્લેખ તો યોગશાસ્ત્રના કોઈ પણ ગ્રંથમાં કરવામાં આવ્યો નથી. ભારતમાં હજુ ચૂંટણીનો છેલ્લો તબક્કો બાકી છે ત્યારે વિપક્ષો આ ધ્યાનને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. તેમને લાગે છે કે મોદીના ધ્યાનને મિડિયામાં કવરેજ મળશે તો આચારસંહિતાનો ભંગ થશે, પણ ચૂંટણી પંચને તેવું લાગતું નથી. આ ધ્યાન પછી મોદી ભારતના નવા ભાગ્યવિધાતા બની જશે તેવું લાગ્યા વિના રહેતું નથી.