Comments

કથની અને કરણીમાં અંતર છે

એક પ્રસંગ તો બહુ જાણીતો છે અને કદાચ તમે પણ સાંભળ્યો હશે. ૧૯૪૨ની ભારત છોડો લડત વખતે મુંબઈમાં ગોવાળિયા ટેંક (આજનું ઑગસ્ટ ક્રાંતિ મેદાન) માં પોલીસે સત્યાગ્રહીઓ ઉપર લાઠીચાર્જ કર્યો અને અનેક સત્યાગ્રહીઓની ધરપકડ કરી એમાં એક મહિલા પણ હતી અને તેના શરીર પર સોનાનાં આભૂષણો હતાં. એ બહેને તરત એ સોનાના દાગીના કઢીને બાજુમાં ઊભેલા એક ભાઈને આપ્યા અને કહ્યું કે ફલાણી જગ્યાએ મારું ઘર છે એટલે તમે આ દાગીના મારા ઘરે આપી આવજો. એ ભાઈએ અચંબો પામીને એ બહેનને કહ્યું કે, બહેન, તમે મને ઓળખતાં પણ નથી અને તમે એક અજાણ્યા આદમી પર ભરોસો કરીને મૂલ્યવાન દાગીના આપો છો? એ બહેને કહ્યું કે તમે ખાદી પહેરો છો, ગાંધીજીના માણસ છો અને એટલી ઓળખ પૂરતી છે. મને ખાતરી છે કે આ દાગીના તમે મારા ઘરે પહોંચાડી દેશો.

આને કહેવાય શાખ. અમુક પ્રકારની જીવનદૃષ્ટિ, ફિલસુફી અને મૂલ્યનિષ્ઠા જે લોકો સ્વીકારે છે તેના આચરણમાં તે ઊતરે છે અને એવાં લોકો તેને આત્મસાત કરી લે છે. એમાં માનનારાઓનો એક પરિવાર બને છે અને એ પરિવારની એક શાખ બને છે. ગાંધીનો પરિવાર ઉપર કહી એવી એક શાખ ધરાવતો હતો. એમાં ખોટ્ટા સિક્કા ન જ નીકળે એવું નથી, ઘણાં નીકળતા હતા, પણ ગણ્યાગાંઠ્યા. શાખ જે તે સમૂહના એકંદર આચરણ દ્વારા બને છે અને તે સારી અને નરસી બંને હોઈ શકે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ૧૯મી ડિસેમ્બરે પૂણેમાં ‘ભારત એક વિશ્વગુરુ’વિષય પર બોલતાં કહ્યું હતું કે, “આપણે સદીઓથી એક સાથે સામંજસ્યપૂર્વક રહીએ છીએ અને એ જ તો વિશ્વને આપવા માટેની આપણી પાસે અમૂલ્ય વસ્તુ છે. આપણે આ (સામંજસ્યપૂર્વકનું સહઅસ્તિત્વ) વારંવાર, ફરી ફરી જીવી બતાવીને વિશ્વને ઉદાહરણરૂપે આપતાં રહેવાનું છે. રામ મંદિર બન્યા પછી કેટલાંક લોકોને એમ લાગવા માંડ્યું છે કે તેઓ જ્યાં ત્યાં વિવાદો પેદા કરીને હિંદુઓના નેતા બની જશે. આ સ્વીકાર્ય નથી.”મોહન ભાગવતે આ પહેલાં અનેક વાર કહ્યું છે કે મુસલમાનો વિનાનો દેશ અધૂરો છે.

વિરોધ પક્ષ વિરોધ કરવા માટેનો પક્ષ નથી, પણ પ્રતિવાદ કરનારો પ્રતિપક્ષ છે. જ્યાં પક્ષ હોય ત્યાં પ્રતિપક્ષ હોવાનો જ અને તેનું સ્વાગત કરવું જોઈએ. લોકતાંત્રિક સભ્ય સમાજની આ જરૂરિયાત છે. મોહન ભાગવત વર્ષોથી વખતોવખત ઉપનિષદના ઋષિઓની, બુદ્ધ અને મહાવીરની, વિવેકાનંદ અને ગાંધીની યાદ અપાવે તેવાં નિવેદનો કરતાં રહે છે. પણ પેલા ગોવાળિયા ટેંકના સત્યાગ્રહી બહેનને બાજુમાં ઊભેલા ખાદીધારી ગાંધીજન ઉપર જેટલો ભરોસો હતો એટલો ભરોસો તમને બેસે છે? નથી બેસતો, કારણ કે સંઘની શાખ જુદી છે.

કથની અને કરણીમાં અંતર છે. ઉપર કહ્યા એવા ઋષિ મુનિ અને સંતોની યાદ અપાવનારાં એક બે નહીં સેંકડો નિવેદનો સંઘ પરિવારના નેતાઓએ કર્યા છે, પણ પ્રત્યક્ષ આચરણ જુદું હોય છે. ‘બંચ ઓફ થોટ્સ’નામના પુસ્તકમાં ગોલવલકર ગુરુજી જે લખી ગયા છે એ મોહન ભાગવત કહે છે એના સામેના છેડાનું છે તો વિશ્વાસ કોના પર કરવો? ગોલવલકર ગુરુજીના અમુક અમુક વિચારો કાલબાહ્ય છે અથવા તો તે તેમનો અંગત અભિપ્રાય હતો અથવા સંઘે પોતાની વિચારધારા હવે બદલી છે એમ આજ સુધી કોઈએ કહ્યું નથી. ‘બંચ ઓફ થોટ્સ’તેઓ છાપે છે અને વેચે છે. મોહન ભાગવત જે કહે છે એનાથી બિલકુલ સામેના છેડાના લેખો સંઘના મુખપત્રોમાં છપાતા રહે છે. ખાતરી કરી શકો છો.

દરેક વખતે ચૂંટણી જીતવા માટે જે તે મુદ્દો ચગાવીને કે સળગાવીને મુસ્લિમ વિરોધી વાતાવરણ પેદા કરવામાં આવે છે એ ક્યાં અજાણ્યું છે. લોકસભાની ગત ચૂંટણી વખતે વડા પ્રધાને મુસલમાનોનું નામ લઈને જે પ્રચાર કર્યો હતો એ તો તાજી ઘટના છે. “ખરા અર્થમાં વિશ્વગુરુ બનવું હોય તો સામંજસ્યપૂર્વકના સહઅસ્તિત્વનો ઉજ્વળ દાખલો ભારતે વિશ્વને આપતા રહેવું જોઈએ”એવો મોહન ભાગવતે આપણને જે બોધ આપ્યો એનાથી બિલકુલ વિસંગત પ્રચાર અને પ્રવૃત્તિ તેમનો પરિવાર કરે છે. મને યાદ નથી કે મોહન ભાગવતે ક્યારેય કોઈને વાર્યા હોય કે ટપાર્યા હોય. ખેલ પૂરો થાય એ પછી ખેલદિલીની વાતો કરવાની, પણ ખેલ ખેલાતો હોય ત્યારે ગમે તે માર્ગ અપનાવવામાં આવે મૂંગા રહેવાનું. લોકસભાની ચૂંટણી પછી આપણને મોહન ભાગવતની મંગલવાણી સાંભળવા મળી હતી.

૧૯૯૨માં અયોધ્યા આંદોલન વખતે તે સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના નાના ભાઈ ભાઉરાવ દેવરસે વડા પ્રધાન નરસિંહરાવને મળીને ખાતરી આપી હતી કે ચિંતા નહીં કરતા. આ માત્ર પ્રતીકાત્મક કારસેવા છે, મસ્જીદને હાથ લગાડવામાં નહીં આવે. ઉત્તર પ્રદેશના બીજેપીના મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહે સર્વોચ્ચ અદાલતને સોગંદનામું કરીને કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં મસ્જીદની રક્ષા કરવામાં આવશે. પણ એ પછી ૬ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ જે બન્યું એ તમે જાણો છો. લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે મસ્જીદ તોડી નખાઇ એ તેમના લલાટ પર ન ભૂંસી શકાય એવું લાગેલું કલંક છે. મુરલી મનોહર જોશી જ્યારે મસ્જીદ તોડવામાં આવી ત્યારે રાજી થઈને હસતા હતા. એ પછી તરત જ યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ભાજપના પ્રચારનું સૂત્ર હતું; ‘જો કહા વહ કિયા.’

તો ગાંધીપરિવારથી ઉલટું સંઘની આ શાખ છે. તેમણે જે વિચારધારા, જીવનમૂલ્યો અને અભિગમ અપનાવ્યાં છે અને આત્મસાત કર્યાં છે એમાં સાધનશુદ્ધિ, ટેકીલાપણું, એકવાક્યતા, પારદર્શકતા નથી. સદ્ગુણ એ માણસની નબળાઈ છે અને સદ્ગુણ ઉપાસ્ય નથી એમ હિન્દુત્વવાદીઓના આદ્ય વિચારક વિનાયક દામોદર સાવરકર કહી ગયા છે. ગાંધીનો માર્ગ જુદો હતો. લોકો હિંસા કરે તો ગાંધીજી ઉપવાસ કરતા. તેમના કોઈ સાથીની શિથિલતા નજરે પડે તો ગાંધીજી પ્રાયશ્ચિત્ત કરતા. પોતાના સગા પુત્ર મણીલાલ ગાંધીએ કરેલી ભૂલ માટે ગાંધીજીએ ઉપવાસ કરેલા. એક એ પરિવાર હતો. એક આ પરિવાર છે. એક એ શાખ હતી. એક આ શાખ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top