અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલ, ૨૦૨૫ના દિવસે એક નવા જ ટેરિફને જન્મ આપ્યો છે. અમેરિકન પ્રમુખના કહેવા મુજબ બીજા દેશો જે ટેરિફ ચાર્જ કરે છે તેના કરતાં તે નીચું છે. ટ્રમ્પના આ વલણથી આખી દુનિયામાં એક ગુસ્સાનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. દુનિયાના દરેક દેશને રેસીપ્રોકલ ટેરિફનું નિશાન બનાવવામાં આવશે એવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું હતું. ટ્રમ્પે ભારત પર ૨૬% પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકા પર ૫૨% સુધીનો ટેરિફ લાદે છે, તેથી અમેરિકા ભારત પર ૨૬% ટેરિફ લાદશે. એટલે એક રીતે તો ટેરિફ સંપૂર્ણપણે પારસ્પરિક રહેશે નહીં. ભારત ઉપરાંત, અમેરિકા ચીન પર ૩૪%, યુરોપિયન યુનિયન પર ૨૦%, દક્ષિણ કોરિયા પર ૨૫%, જાપાન પર ૨૪%, વિયેતનામ પર ૪૬% અને તાઇવાન પર ૩૨% ટેરિફ લાદશે. અમેરિકાએ લગભગ ૬૦ દેશો પર અમેરિકન ઉત્પાદનો પર લાદવામાં આવતા ટેરિફના અડધા દરે ટેરિફ લાદ્યો છે.
યુરોપિયન યુનિયનના કહેવા મુજબ એની પાસે ઘણા બધા વિકલ્પો છે અને અમેરિકાના ટેરિફનો જડબાંતોડ જવાબ આપવાનો અમારી પાસે સુઆયોજિત પ્લાન છે. ઇયુએ અમેરિકા પર વળતો ટેરિફ નાખવાની સાથે કેટલાંક અમેરિકન ઉત્પાદનોને મફત પ્રવેશ મળે છે તે પણ બંધ કરશે. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાએ પણ પાંચ વર્ષ પછી આર્થિક વાટાઘાટો શરૂ કરી છે. આ ચર્ચા દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા વધારાના ટેરિફની જાહેરાત વચ્ચે ત્રણેય એશિયન દેશો પરસ્પર વેપારને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત, ત્રણેય દેશોના વેપાર મંત્રીઓએ પણ એકબીજા વચ્ચે મુક્ત વેપાર કરારની શક્યતા વ્યક્ત કરી છે.
અમેરિકા દુનિયાભરમાં પોતાના પર જે ટેરિફ નાખવામાં આવે છે એને લગભગ સમકક્ષ મેચિંગ ટેરિફ અમેરિકામાં આવતા માલસામાન પર નાખવા માગે છે. આનાં માઠાં પરિણામો બે ઉદ્યોગોમાં તો તાત્કાલિક દેખાવા માંડ્યાં છે. એક છે અમેરિકાનો બાંધકામ ઉદ્યોગ. આ ઉદ્યોગ મજૂરોથી માંડી પ્રીકાસ્ટ સ્પેરપાર્ટ્સ સુધી ઘણું બધું આયાત કરે છે. આયાતો પર ટેરિફ વધવાથી વધારાની જકાત આ બધું મોંઘું કરે છે અને સરવાળે અમેરિકાના ઘરઆંગણાના ગ્રાહકને અગાઉની સરખામણીમાં આ વસ્તુઓ મોંઘી પડે છે.
આવા તો ઘણા દાખલા છે પણ એક બંધબેસતો દાખલો ડેટ્રોઇટની ઑટો ઇન્ડસ્ટ્રીનો છે. આ ઇન્ડસ્ટ્રીઝના સ્પેરપાર્ટ્સ ઘણાં બધાં એન્સીલરી એકમો મેક્સિકોમાં બનાવે છે. અમેરિકાએ મેક્સિકો પર ફરજિયાત આ કારણથી આધાર રાખવો પડે છે. દુનિયામાં આજે કોઈ દેશ એવો નથી કે જે પોતાની જરૂરિયાત માટેની વસ્તુઓ પોતે જ બનાવતો હોય. આ સંજોગોમાં ક્યાંક ને ક્યાંક તો અસમતુલા રહેવાની. આ અસમતુલા દૂર કરવી એ એક અત્યંત કાબેલ ડૉક્ટર જેવું કામ છે. ડોક્ટર કોઈ અઘરું ઑપરેશન અથવા સર્જરી વખતે ધ્યાન આપીને જરાય વધુ-ઓછું ન કપાઈ જાય, લોહી વધુ ન વહી જાય, ટ્રન્કયુલાઇઝર વધારે ન અપાઈ જાય, એ ધ્યાન આપે છે.
ટ્રમ્પની વાત સાવ અનાડી છે. એક વખત અમેરિકનોને એવું કહ્યું કે, અત્યાર સુધી દુનિયાભરે અમેરિકાને લૂંટ્યું છે, હવે આપણો વારો છે. આપણે ટેરિફ થકી એવી આવકો ઊભી કરીશું જેને કારણે અમેરિકન નાગરિકને ટેક્ષ ન ભરવો પડે. આ અવ્યવહારુ ઉકેલ છે. ચાણક્યે એવું કહ્યું છે કે, કોઈ પણ પ્રકારના કરવેરા એ રીતે ઉઘરાવવા જોઈએ જે રીતે ભમરો ફૂલમાંથી મધ ચૂસે છે. આને બદલે ટ્રમ્પ એવો ઉપાય લઈને બેઠો છે કે જેને કારણે સાપ પણ મરે અને લાઠી પણ ભાંગે. આ સ્થિતિમાં વેપાર સમતુલન તો સધાતાં સધાશે પણ ટ્રેડવોર એટલે કે વ્યાપાર યુદ્ધમાં ના ફસાય તો સારું. આવું થશે તો સૌથી મોટું નુકસાન અમેરિકાને જ થશે અને ટ્રમ્પના ખેતરમાં બકરું કાઢતાં ઊંટ પેસી જશે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.