Comments

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં ખ્યાતિ-કાંડ કરતાં પણ મોટું કૌભાંડ ચાલે છે

ગુજરાતમાં ખ્યાતિ-કાંડના કારણે આરોગ્ય વ્યવસ્થા અને આયુષ્યમાન કાર્ડ સંબંધિત ચર્ચાઓએ વેગ પકડ્યો છે. આરોગ્ય જેવી જ જીવનજરૂરી સેવા એટલે શિક્ષણ! આરોગ્ય જેટલી જ ચિંતા શિક્ષણની થવી જોઈએ પણ ગુજરાતનાં કોઈ છાપાં ચેનલોમાં શિક્ષણની ચર્ચા નથી અને વાસ્તવિક સ્થિતિનું ચિત્રણ નથી. થોડા સમય પહેલાં શરૂ થયેલી સેમેસ્ટર પ્રથાએ ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં ભણાવવાનો સમય જ રહેવા નથી દીધો. આમ તો દિવાળી પછી નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી ભણવા, ભણાવવા માટે શ્રેષ્ઠ સમય હોય છે. વાતાવરણ પણ અનુકૂળ અને તહેવારો પણ ઓછા એટલે સતત શિક્ષણ ચાલી શકે.

 હવે આ સમયમાં જ પહેલા સેમેસ્ટરની પરીક્ષાઓ અને આ પરીક્ષા પતે અને માંડ મહિનો શિક્ષણ ચાલે ત્યાં તો બીજા સેમેસ્ટરની પરીક્ષાઓનો સમય થઇ જાય. આ વખતે તો દસમા-બારમાની બોર્ડ એક્ઝામ પણ ફેબ્રુઆરીમાં શરૂ થઇ જવાની છે એટલે પ્રવેશ પરીક્ષા સિવાય શિક્ષણવ્યવસ્થામાં કોઈ કામ જ થતું નથી. આ તો થઇ સેમેસ્ટર પ્રથાને કારણે થયેલી અવ્યવસ્થાની વાત. પણ ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં તો ભણવાની ભૂખ જ ખત્મ થઇ ગઈ છે.  ગુજરાતમાં અત્યારે શિક્ષણની હાલત ગંભીર છે. સંસ્કૃતમાં સુવાક્ય છે કે ધર્મ, ધીરજ, સ્ત્રી અને મિત્રની ખરી કસોટી વિપત્તિકાળમાં થાય છે. આપણી વ્યવસ્થાઓ અને ફરજો એ જ આપણો ધર્મ નક્કી કરે છે અને કોરોના જેવા વિપત્તિ કાળમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તે  જ આપણું ખરું ચરિત્ર!

આપણે ત્યાં ફી ભરો અને ડીગ્રી મેળવોવાળી સીસ્ટમ બધાને ફાવી ગઈ છે. એમાં આવ્યો કોરોના, જેમાં નિષ્ઠાવાન લોકો અને સંસ્થાઓ પણ મજબૂર બની ગયાં.થોડું ઘણું પણ જે ચાલતું  હતું તે ખાડે ગયું  અને આજે સ્થિતિ એ છે કે કોરોના કાબૂમાં આવ્યો પણ શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલી અરાજકતા ઘટવાનું નામ લેતી નથી.શાળા કક્ષાના પ્રશ્નો જુદા છે અને કોલેજ કક્ષાએ પ્રશ્નો જુદા છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ નિસ્બતપૂર્વક વિચારતું જ નથી કે આ મુશ્કેલ સ્થિતિમાં શું કરવાથી શિક્ષણ સારી રીતે ચાલે.

આ આખી વ્યવસ્થાનો લાભ થોડાં લોકોને અજાણતાં મળશે. હવેનાં ત્રણ ચાર વર્ષ મેરીટની કટોકટી થશે નહીં.હમણાં આપણને એ વાંચવા નહી મળે કે રિક્ષાવાળાનો છોકરો ટોપ થયો.મજૂરનો દીકરો બોર્ડમાં પ્રથમ આવ્યો.ના, હવે આવું ક્દાચ જ બનશે. કારણ કે, વાવાઝોડું હોય,પૂર હોય કે કોરોના આપત્તિઓ ગરીબ અને મજદૂર વર્ગને વધારે હેરાન કરે છે. સમાજમાં એક ઉચ્ચ સમ્પન્ન વર્ગ છે. કોરોના હોય કે ના હોય એમનાં બાળકો સતત અને સારી રીતે શિક્ષણ મેળવતાં રહે છે. સામાન્ય સંજોગોમાં આ સગવડો સાથે ભણતાં બાળકોને સામાન્ય વર્ગનાં બાળકોનો સામનો કરવો પડે છે, જેઓ જાતે કે ઓછાં સાધનો વડે ભણે છે છતાં મેરીટ મેળવે છે.

 હવે કોરોનાને કારણે શાળા કોલેજોની ખાસ તો સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ કોલેજોની જે હાલત થઇ છે તેમાં ભોગવવાનું આ સામાન્ય ઘરનાં બાળકોને થયું છે. ગુજરાતમાં સ્કૂલ કક્ષાએ હવે ખાનગી સ્કૂલોનું પ્રભુત્વ છે. સરકારી શાળામાં માત્ર ગરીબ વિદ્યાર્થીઓ જ હોય છે. હવે ફાઈવસ્ટાર સ્કૂલોને બાદ કરતાં બંગલા ટેનામેન્ટમાં ફૂટી નીકળેલી ખાનગી શાળાઓમાં યોગ્યતા વગરનાં, ઓછા પગારનાં શિક્ષકો ભણાવે કે ના ભણાવે, કોઈ ફેર પડતો નથી. આ શિક્ષણમાં બાળકો કરતાં વાલીઓને સંતોષ થાય છે કે અમારું બાળક ભણવા જાય છે.

સૌ એક ભ્રમમાં જીવે છે કે શિક્ષણ ચાલે છે. સામાન્ય રીતે બાળકો ભણતાં નથી તેવી ફરિયાદ થાય છે. પણ માત્ર કોરોના કાળ અને તે પછીની સ્થિતિનો અભ્યાસ કરો તો કહેવું પડે કે આજની સ્થિતિ માટે વિદ્યાર્થી સિવાય બધા જ જવાબદાર છે. ગ્રાન્ટ ઇન કોલેજોમાં ઊંચા પગારવાળાં અધ્યાપકો છે પણ ભણનારાં વિદ્યાર્થીઓ નથી. ગુજરાતની કેટલી યુનિવર્સિટીમાં હજુ આગળના સેમની પરીક્ષાઓ ચાલે છે.બીજું સેમ ક્યારે શરૂ થશે તે કોઈને ખબર નથી. આની અસર આગળનાં વર્ષોમાં જશે. સ્કૂલ કક્ષાએ દસમા બારમાની પરીક્ષા સિવાયના વર્ગોમાં શિક્ષણ ચાલે છે તે માત્ર ભ્રમ છે.

ગયા વર્ષથી ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં નવી શિક્ષણ નીતિ મુજબ કામ થાય છે. હવે ક્રેડીટ સિસ્ટમથી માંડીને પરીક્ષા સુધી ક્યાંય કોઈ તાલમેળ નથી. દરેક યુનિવર્સિટીના અમલ કરનારાં અધ્યાપકો જૂની વ્યવસ્થાને નવા નામમાં ફીટ કરવા મથી રહ્યાં છે. ક્યાંય વિષય પસંદગીની સ્વતન્ત્રતા ના મળી ,ક્યાંય બે સંસ્થાઓમાં અભ્યાસ કરવાની સ્વતંત્રતા ના મળી. ક્યાંય રોજગારલક્ષી અભ્યાસક્રમો,સ્કીલ બેઝ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા નથી.સરકાર માત્ર નવી શિક્ષણ નીતિ અમલમાં છે તેનાથી સંતોષ માને છે.

ગામડાની કોલેજમાં એક અધ્યાપકને એક પત્રકાર મિત્રે પૂછ્યું કે તમારે હિજાબનો પ્રશ્ન છે ત્યારે અધ્યાપકે કહ્યું કે હાજરી જ નથી ત્યાં હિજબનો પ્રશ્ન ક્યાંથી હોય?  આપડે રાહ જોઈએ કે વાલીઓ બાળકને નિયમિત ભણાવવા માટે ચિંતા કરતાં થાય. શિક્ષકો અધ્યાપકો અમારે ભણાવવું છે …એ માંગ કરે અને સરકાર શિક્ષણની ગાડી પાટે ચડાવવા મીટીંગ કરે. મિડિયા, પત્રકારો, સરકાર ,વાલી અને યુનિવર્સિટીને પ્રશ્ન કરે બાકી….શરૂઆતમાં લખેલા ટુચકામાં અને વાસ્તવિક સ્થિતિમાં કોઈ ફેર નહીં રહે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top