વર્ષો બાદ મળેલા ૪૮ થી ૫૦ ની ઉંમરે પહોંચી ગયેલા દોસ્તોની મહેફિલ જામી હતી અને બધા અલકમલકની વાત કરી રહ્યા હતા.એક મિત્ર સોહમ હમણાં થોડા સમય પહેલાં જ હાર્ટએટેકમાંથી ઊભો થયો હતો અને આજે મિત્રો સાથે હસી રહ્યો હતો.સોહમને બીજા દોસ્ત કેવલે પૂછ્યું, ‘દોસ્ત, હાર્ટએટેક આવી ગયો છે હવે જરા સંભાળીને રહેજે.’ સોહમે કહ્યું, ‘હા, દોસ્ત રહેવું જ પડશે.હમણાં જયારે હાર્ટએટેક આવ્યો ત્યારે આંખો સામે પહેલાં દેખાઈ ગયા યમરાજ …અને પછી દેખાઈ બાકી રહેલી જવાબદારીઓ …અને કરવાનાં બાકી અનેક કામ…..’ આ વાત થયા બાદ મિત્રોની મસ્તી ભરેલી મહેફિલની વાતોએ એક વળાંક લીધો.કેવલે બધાને એક સવાલ પૂછ્યો, ‘મિત્રો, ધારો કે આ સોહમની જેમ સામે યમરાજ દેખાઈ જાય અને પછી એમ કહે કે તારા જીવનના બે જ દિવસ બાકી છે તો આપણે આપણી જવાબદારીઓ અને બાકી રહેલાં કામોમાંથી ક્યાં ક્યાં કામ પૂરાં કરવાની કોશિશ કરીએ?’ આ સવાલ સાંભળી બધા વિચારમાં પડી ગયા.
એક મસ્ત મૌલા મસ્તીખોર મિત્ર બોલ્યો, ‘દોસ્તો, બે જ દિવસ બાકી હોય તો હું તો બધું ભૂલીને બસ મજા કરું …મન ભરીને જે કરવું હોય તે કરું અને કોઈ દુ:ખ વિના આનંદથી યમરાજ સાથે જાઉં.’ બધા આ મિત્રની જિંદાદિલ વાત સાંભળી ખુશ થઇ હસ્યા.પણ સોમેશ ન હસ્યો. તેની આંખોમાં આંસુ હતા. સોહમ્ બોલ્યો, ‘દોસ્ત તું કેમ રડે છે?’ સોમેશે કહ્યું, ‘મારા મનને એક વાત ખૂંચે છે. ઘર નાનું હોવાને કારણે હું વૃદ્ધ પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છું અને તે દિવસથી મારા મનમાં કૈંક ખૂંચે છે.જો બે જ દિવસ મારા જીવનના બચ્યા હોય તો બીજાં બધાં કામ ભલે રહી જાય, હું સૌથી પહેલાં આ ભૂલ સુધારી લેવા માંગું છું.’
અચાનક રૂપેશ ઊઠીને બહાર ગયો અને કોઈને ફોન કરીને થોડી વારમાં આવ્યો.આવ્યો ત્યારે તેની આંખો ભીની અને હોઠો પર સ્મિત હતું.કેવલે પૂછ્યું, ‘ભાઈ, આમ અચાનક ઊભો થઈ કંઈ કીધા વિના કયાં ગયો હતો દોસ્ત …’ રૂપેશ બોલ્યો, ‘ચાર દિવસથી પત્ની સાથે અબોલા હતા.ઝઘડો થયો તો મેં તેને ન કહેવાનું કહ્યું અને એક લાફો પણ મારી દીધો.પછી ભૂલ સમજી પણ ઈગો સોરી કહેવા દેતો ન હતો.એટલે આ જીવનના છેલ્લા બે જ દિવસ હોય તો એમ વિચારી મેં સૌથી પહેલાં તેને ફોન કરી સોરી કહી દીધું.અને તેણે જાણે કંઈ જ ન બન્યું હોય તેમ મને બધું ભૂલી જવા કહ્યું.’
બધાની વાતોમાં સૂર એ જ હતો કે જીવન ખૂટવાનું હોય તે પહેલાં થયેલી ભૂલોની માફી માંગી લેવી.ભૂલ સ્વીકારી માફી માંગી લો.અને હળવા થઈ જીવન મસ્તીથી જીવી લો. માફી માંગી લો અને માફ કરી દો.આપણને ખબર નથી આપણા છેલ્લા બે દિવસ ક્યારે હશે.માટે આજથી જ સજાગ થઈ જાવ.ભૂલથી કોઈનું દિલ ન દુભવો અને ભૂલ થઈ જાય તો આજે જ માફી માંગી લો અને કોઈ માફી માંગે તો ખુલ્લા મને આપી દો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.