Charchapatra

આકરા ટેરિફ પછી પણ ચીન અમેરિકા સામે ઝુકે તેવા સંકેતો નથી

ચીન પર અને ભારત સહિત ઘણા દેશો પર  અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આકરા આયાત ટેરિફ ઝીંક્યા છે. જો કે  હાલ ચીન સિવાયના વિશ્વના મોટા ભાગના દેશો માટે ટ્રમ્પે આ ટેરિફના અમલમાં ૯૦ દિવસનો આપેલો વિરામનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે ચીન માટે ટેરિફનો અમલ ચાલુ થઇ ગયો છે.  9 એપ્રિલ, 2025 ના રોજ, ટ્રમ્પે ચીની માલ પર ટેરિફ વધારીને 125% કર્યો. ટ્રમ્પના કહેવા મુજબ, આ પગલું બેઇજિંગના વૈશ્વિક બજારો પ્રત્યે આદરના અભાવ દ્વારા પ્રેરિત હતું.

પરંતુ અમેરિકી પ્રમુખ કદાચ બેઇજિંગની અમેરિકી ટેરિફનો સામનો કરવાની સ્પષ્ટ તૈયારીથી વાકેફ હતા. જ્યારે ઘણા દેશોએ ટ્રમ્પના હાલ વિલંબિત રેસિપ્રોકલ ટેરિફ વધારા સામે બદલો લેવાનું પસંદ કર્યું નહીં, તેના બદલે વાટાઘાટો અને સંવાદની તરફેણ કરી, ત્યારે બેઇજિંગે એક અલગ વલણ અપનાવ્યું. તેણે ઝડપી અને મક્કમ  વળતા પગલાં સાથે પ્રતિક્રિયા આપી. 11 એપ્રિલના રોજ, ચીને ટ્રમ્પના પગલાંને જોક  તરીકે ફગાવી દીધા અને અમેરિકા સામે પોતાનો ટેરિફ વધારીને 125% કર્યો. ત્યારબાદ ટ્રમ્પે ફરીથી ચીન પર ટેરીફ ઝિંક્યા અને ચીન પર અમેરિકાના  ટેરિફ ૨૪૫ ટકા જેટલા થઇ ગયા.

બંને અર્થતંત્રો હવે સંપૂર્ણ, ઉચ્ચ-તીવ્રતાવાળી વેપાર મડાગાંઠમાં ફસાયેલા છે. અને ચીન પીછેહઠ કરવાના કોઈ સંકેતો બતાવી રહ્યું નથી. અને એક નિષ્ણાત અભિપ્રાય પ્રમાણે ચીને આવી પીછેહટ કરવાની જરૂર પણ નથી.  ટ્રમ્પના શરૂઆતના કાર્યકાળ દરમિયાન થયેલા પ્રથમ અમેરિકા-ચીન વેપાર યુદ્ધથી વિપરીત, જ્યારે બેઇજિંગે અમેરિકા સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો, તેના કરતા ચીન હવે ઘણી વધારે લાભની સ્થિતિ ધરાવે છે. ખરેખર, બેઇજિંગ માને છે કે તે ઓછામાં ઓછું અમેરિકાને તેટલું તો નુકસાન પહોંચાડી જ શકે છે જેટલું ચીન અમેરિકાને નુકસાન પહોંચાડી શકે છે, જ્યારે તે જ સમયે તેની વૈશ્વિક સ્થિતિને મજબૂત કરી રહ્યું છે. આટલા દિવસમાં ચીને ઝુકવાના કોઇ સંકેતો બતાવ્યા નથી.

જો કે એ પણ વાસ્તવિકતા છે કે ચીનના નિકાસ-લક્ષી ઉત્પાદકો માટે ટેરિફના પરિણામો ગંભીર છે – ખાસ કરીને દરિયાકાંઠાના પ્રદેશોમાં અમેરિકન ગ્રાહકો માટે ફર્નિચર, કપડાં, રમકડાં અને ઘરેલું ઉપકરણોનું ઉત્પાદન કરતા ઉત્પાદકો માટે. પરંતુ ટ્રમ્પે 2018 માં પહેલી વાર ચીન પર ટેરિફ વધારો શરૂ કર્યો ત્યારબાદથી તો ઘણા પરિબળો ચીનની તરફેણમાં ગયા છે. નિર્ણાયક રીતે, ચીનના નિકાસ-સંચાલિત અર્થતંત્ર માટે અમેરિકા બજારનું મહત્વ નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

2018માં, પ્રથમ વેપાર યુદ્ધની શરૂઆતમાં, અમેરિકા માટેની નિકાસ ચીનની કુલ નિકાસના 19.8% હતી. 2023 માં, તે આંકડો ઘટીને 12.8% થઈ ગયો હતો. આ ટેરિફ ચીનને તેની ઘરેલુ માંગ વિસ્તરણ વ્યૂહરચનાને વધુ વેગ આપવા માટે પ્રેરિત કરી શકે છે, જેનાથી તેના ગ્રાહકોની ખર્ચ શક્તિ છૂટી થઈ શકે છે અને તેની સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત થઈ શકે છે. અને જ્યારે ચીન 2018 ના વેપાર યુદ્ધમાં મજબૂત આર્થિક વિકાસના તબક્કામાં પ્રવેશ્યું હતું, ત્યાર કરતા વર્તમાન પરિસ્થિતિ તદ્દન અલગ છે. ચીન આ ટેરિફ વધારાનો લાભ પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા પણ કરી શકે છે.

ચીન એ પણ સમજે છે કે અમેરિકા ચીની માલ પરની તેની નિર્ભરતાને સરળતાથી બદલી શકતું નથી, ખાસ કરીને તેની સપ્લાય ચેઇન દ્વારા. જ્યારે ચીનથી સીધી અમેરિકી આયાતમાં ઘટાડો થયો છે, ત્યારે ત્રીજા દેશોમાંથી આયાત થતી ઘણી વસ્તુઓ હવે હજુ પણ ચીની બનાવટના ઘટકો અથવા કાચા માલ પર આધાર રાખે છે. એક મહત્વની ગણતરી એ છે કે વધતા ટેરિફથી કિંમતો વધવાની ધારણા છે, જે અમેરિકન ગ્રાહકોમાં, ખાસ કરીને બ્લુ-કોલર મતદારોમાં અસંતોષ પેદા કરી શકે છે. ખરેખર, બેઇજિંગ માને છે કે ટ્રમ્પના ટેરિફ અગાઉના મજબૂત અમેરિકન અર્થતંત્રને મંદી તરફ ધકેલવાનું જોખમ ધરાવે છે. બદલાયેલા આર્થિક વાતાવરણની સાથે, ચીન પાસે અમેરિકા સામે બદલો લેવા માટે ઘણા વ્યૂહાત્મક સાધનો પણ છે. તે વૈશ્વિક દુર્લભ ખનિજ પુરવઠા શૃંખલા પર પ્રભુત્વ ધરાવે છે – લશ્કરી અને ઉચ્ચ-ટેક ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ એવા આ ખનિજો કેટલાક અંદાજો અનુસાર, અમેરિકાની દુર્લભ ખનિજોની આયાતનો આશરે 72% સપ્લાય ચીન પાસેથી આવે છે.

ચીન આ સ્થિતિનો સારો લાભ ઉઠાવી શકે છે. અને ટેક સેકટરમાં જોઇએ તો  ઘણી અમેરિકન કંપનીઓ – જેમ કે એપલ અને ટેસ્લા – ચીની ઉત્પાદનો સાથે ગાઢ રીતે જોડાયેલી છે. ટેરિફ તેમના નફાના માર્જિનને નોંધપાત્ર રીતે ઘટાડવાનો ભય સર્જે છે.જે બાબત અંગે બેઇજિંગ માને છે કે તેને ટ્રમ્પ વહીવટ સામે લાભના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાય છે. ચીન આ ટેરિફોનો લાભ લઇને યુરોપિયન યુનિયનમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યું છે, બીજી બાજુ, ટેરિફ વૉરથી ડોલર નબળો પડી રહ્યો છે જે બાબત પણ ચીનની તરફેણમાં જઇ શકે છે. આમ ટેરિફ વધારો ચીન માટે લાભદાયક પણ પુરવાર થઇ શકે છે.

Most Popular

To Top