ભારતીય લોકશાહીમાં સંસદ સર્વોપરી છે પરંતુ વિડંબણા એવી છે કે આ સંસદમાં બેસનારા સાંસદો બેદાગ નથી. લોકસભા અને રાજ્યસભા મળીને દેશમાં કુલ 790 સાંસદોની પસંદગી કરવામાં આવે છે. લોકસભામાં સીધી ચૂંટણીથી સાંસદો પસંદ થાય છે અને રાજ્યસભામાં ધારાસભ્યો દ્વારા સાંસદોની પસંદગી કરવામાં આવે છે. રાજ્યસભાના સાંસદોની પસંદગીમાં જે તે રાજકીય પક્ષોનું વર્ચસ્વ રહે છે પરંતુ લોકસભાના સાંસદોની પસંદગી સીધી લોકો કરતાં હોવાથી તેમાં કોઈ જ રાજકીય પક્ષોનું કશું ચાલતું નથી. મતદારો જેને મત આપે તે જ વ્યક્તિ સાંસદ તરીકે પસંદ થાય છે. તાજેતરમાં એક સરવે પ્રમાણે ભારતમાં લોકસભા અને રાજ્યસભા મળીને જે સાંસદો છે તેમાંથી 40 ટકા એવા સાંસદો છે કે જેની પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. મતદારોએ પણ આવા ક્રિમિનલ કેસ ધરાવતા સાંસદોને પસંદ કર્યા છે. જે દેશમાં કાયદો ઘડવાની સત્તા જ જેની પાસે છે તેવા સાંસદો જ દાગી હોય તો પછી દેશમાં કેવી રીતે રાજરાજ્ય આવશે તે જ મોટો પ્રશ્ન છે.
લોકસભા અને રાજ્યસભાના વર્તમાન સાંસદો દ્વારા ચૂંટણી સમયે કરવામાં આવેલા સોગંદનામાની વિગતોમાંથી આ વિશ્લેષણ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) નામની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા 790 પૈકી 763 સાંસદોનું વિશ્લેષણ કરાયું છે. તેમાંથી ૩૦૬ એટલે કે ૪૦ ટકા જેટલા સાંસદોએ તેમની સામે ક્રિમિનલ કેસો નોંધાયા હોવાનું જાહેર કર્યુ છે અને આમાંથી ૧૯૪ એટલે કે ૨૫ ટકા જેટલા સાંસદોએ તેમની સામે ગંભીર અપરાધો નોંધાયેલા છે. બંને ગૃહોના કુલ સાંસદોમાંથી કેરળના ૭૦ ટકા, બિહારના ૭૩ ટકા, મહારાષ્ટ્રના પ૭ ટકા, તેલંગાણાના પ૪ ટકા અને દિલ્હીના પ૦ ટકા સાંસદો સામે ગુનાઓ નોંધાયેલા છે. આમાંથી કેરળના ૩૪ ટકા, બિહારના પ૦ ટકા, તેલંગાણાના ૩૮ ટકા અને મહારાષ્ટ્ર તથા યુપીના ૩૪-૩૪ ટકા સાંસદો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
પક્ષવાર જોવામાં આવે તો ભાજપના ૩૮પ સાંસદોમાંથી ૯૮ (૨૫ ટકા), કોંગ્રેસના ૮૧માંથી ૨૬(૩૨ ટકા), તૃણમૂલના ૩૬માંથી ૭(૧૯ ટકા), રાજદના ૬ સાંસદોમાંથી ૩(પ૦ ટકા), સીપીઆઇ(એમ)ના ૮ સાંસદોમાંથી ૨(૨૫ ટકા), આપના ૧૧ સાંસદોમાંથી ૧(૯ ટકા), એનસીપીના ૮ સાંસદોમાંથી ૨(૨૫ ટકા)એ તેમની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું જાહેર કર્યું છે. વર્તમાન સાંસદોમાંથી ૧૧ની સામે હત્યાના, ૩૨ની સામે હત્યાના પ્રયાસના અને ૨૧ની સામે મહિલાઓ વિરુદ્ધના અપરાધના કેસો નોંધાયેલા છે અને આ ૨૧ સાંસદોમાંથી ચાર સાંસદો સામે તો બળાત્કારના ગુના નોંધાયા હોવાનું તેમના સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે.
માત્ર ક્રિમિનલ કેસ જ નહીં પણ એડીઆર દ્વારા સાંસદોની મિલકતોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. એડીઆરની વિગતો પ્રમાણે દેશના 763 સાંસદોની કુલ મિલકતોનો આંક 29251 કરોડ છે. દેશમાં ૫૩ સાંસદો અબજપતિ છે જેમાં ટકાવારીની રીતે સૌથી વધુ ધનવાન સાંસદો તેલંગાણાના છે.
જ્યારે સૌથી ગરીબ સાંસદ લક્ષદ્વિપના છે. તેલંગાણાના આ દક્ષિણી રાજ્યના ૨૪ સાંસદોમાંથી ૭(૨૯ ટકા) અબજપતિ છે, જ્યારે આંધ્રપ્રદેશના ૩૬માંથી ૯(૨૫ ટકા), દિલ્હીના દસમાંથી બે(૨૦ ટકા), પંજાબના ૨૦માંથી ૪(૨૦ ટકા), ઉત્તરાખંડના ૮માંથી ૧, મહારાષ્ટ્રના ૬પમાંથી ૬, કર્ણાટકના ૩૯માંથી ૩ સાંસદોએ પોતાની પાસે રૂ. ૧૦૦ કરોડ કરતા વધુ મિલકતો હોવાનું જાહેર કર્યું છે. સરેરાશ મિલકતની રીતે જોઇએ તો પણ સૌથી ધનવાન સાંસદો તેલંગાણાના જ છે.
તેના ૨૪ સાંસદોની સરેરાશ મિલકત રૂ. ૨૬૨.૨૬ કરોડ થાય છે, જ્યારે તેના પછી આંધ્રપ્રદેશના ૩૬ સાંસદોની સરેરાશ મિલકત રૂ. ૧૫૦.૭૬ કરોડ થાય છે. પંજાબના ૨૦ સાંસદોની સરેરાશ મિલકત રૂ. ૮૮.૯૪ કરોડ થાય છે, જ્યારે લક્ષદ્વિપના એક જ સાંસદ છે જેમની પાસે માત્ર રૂ. ૯.૩૮ લાખની મિલકત છે. પક્ષની રીતે જોઇએ તો ભાજપના ૩૮પ સાંસદોની સરેરાશ મિલકત રૂ. ૧૮.૮૧ કરોડ, કોંગ્રેસના ૮૧ સાંસદોની સરેરાશ મિલકત રૂ. ૩૯.૧૨ કરોડ, તુણૂલના સાંસદોની રૂ. ૮.૭૨ કરોડ, એનપીસીના સાંસદોની રૂ. ૩૦.૧૧ કરોડ અને આપના સાંસદોની સરેરાશ મિલકતો રૂ. ૧૧૯.૮૪ કરોડ છે.
લોકશાહી મતદારો માટે જ છે. લોકશાહીનો મૂળ ઉદ્દેશ જ લોકો માટેનો છે. જો દેશમાં સુશાસનની સ્થાપના કરવી હોય તો મતદારોએ એવા સાંસદોને પસંદ કરવાની જરૂરીયાત છે કે જે સ્વચ્છ છબી ધરાવતા હોય. જેની પર કોઈ ક્રિમિનલ કેસ ના હોય અને જેની સંપત્તિ ખોટી રીતે મેળવવામાં આવી નહીં હોય. જે દિવસે દેશના મતદારો સમજી જશે તે દિવસે મતદારોએ એક વખત ચૂંટ્યા બાદ આ સાંસદો પાસે કામગીરીની ભીખ માંગવી નહીં પડે તે ચોક્કસ છે.