પહેલાં હિન્દુ રાજાઓ સુપરપાવર હતા ત્યાર પછી મુસ્લિમો અને મોગલ સુપરપાવર થયા અને બ્રિટિશરો આવતાં બ્રિટન સુપર પાવર થયું અને તેણે દુનિયાના ઘણા દેશોમાં રાજ કર્યું. બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકાએ જાપાનનાં બે શહેરો નાગાસાકી અને હિરોશિમા પર અણુબોમ્બ ફેંકી માનવસંહાર કર્યો, ત્યારથી અમેરિકા સુપરપાવર બન્યું તે આજ સુધી ટકી રહ્યું છે પરંતુ હાલના સમયમાં વૈશ્વિક સંકેતો એવા મળે છે કે આગળ જતાં અમેરિકા સુપર પાવરનું પદ ખોઇ શકે છે. ચીન જે રીતે નવાં નવાં હથિયારો બનાવતું જાય છે અને પડોશી દેશો સાથે લશ્કરી પગલાં ભરવાની ધમકી આપે છે તે બીજા દેશોની સરહદ પર કબજો જમાવી તે વિસ્તાર પોતાનો હોવાનો ખોટો દાવો કરે છે તેને રોકવામાં અમેરિકા પણ અસમર્થ પુરવાર થયું છે.
તે જોતાં આગામી સમયમાં ચીનને સુપર પાવર બનતાં કોઈ રોકી શકે તેમ નથી. ચીન અને પાકિસ્તાનની સાથે ટક્કર લેવા સરહદ સાચવવા ભારતે પણ અબજો રૂપિયાનાં હથિયારો ખરીદવાં પડે છે અને સેના નિભાવવા આવકનો મોટો હિસ્સો ખર્ચ કરવો પડે છે તેને કારણે શિક્ષણ અને મેડિકલમાં અને અન્ય ટેક્નોલોજીમાં આપણો દેશ જોઈએ તેટલું યોગદાન આપી શકતો નથી. એશિયામાં ઘણા દેશો છે અને વસ્તી પણ ઘણી છે અને એશિયાના દેશો એકબીજા સાથે લડતા રહે છે અને તેને કારણે એશિયન દેશોએ હથિયાર ઉત્પાદન કરતા દેશો પાસેથી હથિયાર ખરીદવાં પડે છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ જેવાં હથિયાર ઉત્પાદન કરતા દેશો કદી પણ એશિયામાં શાંતિ થાય તેમ તેઓ ઈચ્છે નહીં. જો એશિયામાં શાંતિ થાય તો હથિયાર ઉત્પાદન કરતા દેશોની દુકાનો જ બંધ થઈ જાય.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.