રાજવી એક હોશિયાર વિદ્યાર્થિની. ઘણું બધું બહુ જલ્દી શીખી જાય, સારી રીતે યાદ રાખી શકે, ગુણ ઘણા હતા, પણ એક જ મોટી ખામી હતી. તે બધી વાતમાં ‘પછી કરીશ..’ એમ કહીને કામ કરે નહિ અથવા અધૂરું રાખે અને તેમાં તે થોડી પાછી પડે.ઘરે હોમવર્ક હોય તો બાકી રાખે, પછી છેલ્લે દિવસે જાગીને પૂરું કરે.પ્રોજેકટ પણ છેલ્લે સુધી ન કરે અને આગલે દિવસે બધાને દોડાવે.રાજવીને મમ્મી અને પપ્પાએ બહુ સમજાવ્યું, બેટા, સમય પર કરતાં શીખ, પણ રાજવી સુધરવાનું નામ જ ન લે.
થોડા દિવસ નહિ, પણ થોડાં વર્ષો વીત્યાં. રાજવી સ્કૂલમાંથી કોલેજમાં આવી અને વધારે બધું કામ પછી કરીશ એમ કહેતી પાછળ ઠેલતી ગઈ અને ભણવામાં પાછળ પડતી ગઈ.એક દિવસ તે રડતી હતી કે ત્રણ દિવસ પછી પરીક્ષા છે અને પ્રોજેક્ટ પણ બાકી છે, બધું કેવી રીતે કરીશ, કંઈ સમજાતું નથી.મમ્મી ગુસ્સે થઇ બોલી, ‘રડવાનો શું અર્થ છે પહેલાં કરવું જોઈએ ને હવે રડવાનું છોડ અને જલ્દી જલ્દી જેટલું થાય એટલું કર.’ મમ્મી ખીજાઈને તો ગઈ, પણ ફરી પાછી થોડી વાર રહીને કોફી લઈને આવી અને કહ્યું, ‘લે બેટા, ગરમ કોફી પી લે, થોડી ફ્રેશ થઇ જઈશ.’ રાજવી આદત પ્રમાણે બોલી, ‘મમ્મી, મૂકી દે પછી પી લઈશ.’ મમ્મી કડક અવાજે બોલ્યાં, ‘રાજવી, આ પછી પછી કરવાનું બધી બાબતમાં છોડી દે.
હમણાં જ કોફી પી લે, નહિ તો તે ઠંડી થઇ જશે.પછી કોઈ મજા નહીં આવે.તું તારા જીવનમાં આ જ બહુલ કરે છે, બધું પછી કરીશ,પછી કરીશ, કહીને બાકી રાખવાનું અને તેમાં જ તું અત્યારે ભણવામાં પાછળ પડે છે. છેલ્લી ઘડીએ તકલીફ ભોગવે છે અને જો તું તારામાં બદલાવ નહિ લાવે અને આમ જ બધાં કામ પાછળ ઠેલતી જઈશ તો …ક્યારેક મોટું નુકસાન તને થશે …અત્યારે તો કોફી ઠંડી થશે પણ આગળ જતાં જીવનમાં તારે ઘણી તકો ગુમાવવી પડશે.દીકરા, અમે તને પહેલેથી સમજાવી રહ્યા છીએ.
જો તું કામ બાકી રાખીને પાછળ ઠેલીશ તો….કોફી ઠેલીશ તો ઠંડી થશે …પ્રોજેક્ટ બાકી રાખીશ તો ઉજાગરા થશે ..ભણવાનું પાછળ ઠેલીશ તો માર્ક્સ ઓછા થશે …આને આ જ વર્તન જીવનમાં દરેક વખતે કરીશ તો તારે જ ગુમાવવાનું આવશે.કોઈ કામ પાછું ઠેલવું નહિ …હંમેશા સમયસર ..તરત કામ કરો અને પૂરું કામ કરો.તો જ જીવનમાં ટકી શકશો અને આગળ વધી શકશો.’ મમ્મીની ટકોર રાજવીને સમજાઈ ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.