દમણ : આંતરાજ્ય ચોરી (Theft) અને લૂંટફાટ કરનાર ગેંગના 3 કુખ્યાત આરોપીની દમણ (Daman) પોલીસે (Police) ધરપકડ કરી છે. પોલીસે કાર, નંબર પ્લેટ, ફોન, સ્ટીલના રોડ સહિતની સામગ્રી કબ્જે કરી ત્રણેયને જેલમાં ધકેલી દીધા છે.
મળતી માહિતી મુજબ 14 મે-22 ના રોજ નાની દમણના દિલીપ નગરના વંશીકા એપાર્ટમેન્ટના ચોથા માળના એક ફ્લેટમાં અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી બેડરૂમના કબાટમાંથી સોનાના દાગીના તથા અન્ય કિંમતી વસ્તુઓ મળી 3.50 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે નાની દમણ પોલીસ મથકે ગુનો દાખલ કરાતા પોલીસે સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, અજાણ્યા ચોરો સિલ્વર કલરની ઇનોવા કાર નંબર MH-48-V-8820 મા આવી ચોરીને અંજામ આપી ફરાર થયા હતા, પરંતુ પોલીસને જાણવા મળ્યું કે જે નંબર પ્લેટ ચોર કાર પર લગાવીને આવ્યા હતા, એ ખોટી હોય અને તે એક સ્કૂટરની નંબર પ્લેટ હોવાનું તપાસમાં ખુલતા પોલીસે કાર્યને સઘન બનાવતા પોલીસને ઈનોવા કારનો ખરો નંબર MH-43-V-8920 ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર પહોંચી મુખ્ય આરોપી 36 વર્ષિય અજય અશોક મોહિતેની ભાંઈદર ઈસ્ટના જૈનનગરના ફ્લેટમાંથી ધરપકડ કરી હતી. જ્યારે બીજો 48 વર્ષિય આરોપી વિજયસિંહ સુરેશસિંહ ઠાકોરની સુરતના બારડોલી લક્ષ્મીપૂજા સોસાયટી, હલધરૂથી અને ત્રીજા આરોપી ઐયાઝ શફી મન્સૂરીની મુંબઈ તલોજા સેન્ટ્રલ જેલ પાસેથી ધરપકડ કરી દમણ લાવી જેલમાં ધકેલી આગળની તપાસ હાથ ધરી છે.
આ રીઢા ગુનેગારો કઈ રીતે આપતા હતા ચોરીને અંજામ
પોલીસને જાણવા મળ્યું કે, ચોરીનો માસ્ટર માઈન્ડ અજય ટિકિટ બુકિંગનું કામ કરતો હતો અને તેણે મુંબઈથી રૂ.30 હજારમાં કાર ભાડે લીધી હતી. તેણે કાર ભાડે આપનારને મહારાષ્ટ્રના મંત્રાલયમાં કામ કરતો હોવાનું અને કાર એક મહિના માટે જોઈતી હોવાનું કહીને કારની વ્યવસ્થા કરી હતી. સહ આરોપીને ભેગા કરી ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે પકડાયેલા આરોપીઓની ગુજરાતના અમદાવાદ, નવસારી, ભાવનગર લૂંટના કેસમાં સંડોવણી તથા મહારાષ્ટ્ર ખાતે હત્યા, લૂંટ અને ઘરફોડ ચોરીના કેસમાં સંડોવણી હોવાનું ખુલ્યું છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.