વડોદરા : વડોદરા શહેરના કમાટીબાગમાં વધુ એક વખત ચંદન ચોરીના બનાવને મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર તેમજ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે સિક્યુરિટી કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવાની માંગ કરી છે. વડોદરાના કમાટીબાગમાં 15 દિવસમાં વધુ એક વખત ચંદનચોરીની ઘટના બની હોવાની વાતે કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે કમાટીબાગની સિક્યુરિટી સર્વિસ સામે સવાલો ઉઠાવ્યા હતા.અમીરાવતે સિક્યુરિટીની મિલીભગતથી ચંદનના વૃક્ષોની ચોરી થતી હોવાના આક્ષેપ સાથે સિક્યુરિટીના ઈજારાને રદ કરી એજન્સીને બ્લેકલીસ્ટ કરવા માંગ કરી હતી.
સાથે જ કમાટીબાગ ઉપરથી વોકવે બનાવવા અંગે પણ રજુઆત કરી હતી.જ્યારે બીજી તરફ સયાજીગંજ પોલીસની રાત્રી કરફ્યુની કામગીરી દરમિયાન કમાટીબાગમાં અજાણ્યા ઈસમો દ્વારા ચંદનના ઝાડ ચોરી કરવાના પ્રયાસે પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉઠવા માંડ્યા હતા.ગુરુવારે મોડીરાત્રે કમાટીબાગના ઝુ ક્યુરેટરના ઘર પાસે અજાણ્યા ઈસમો દ્વારા ચંદનના ઝાડની ચોરી કરવાનો બનાવ બન્યો હતો. પરંતુ ચંદનના બે ઝાડ કાપ્યા બાદ અજાણ્યા ઈસમો તેને લઈ જવામાં નિષ્ફળ નીવડ્યા હતા. જોકે આ બનાવ બાદ સયાજીગંજ પોલીસની રાત્રી કરફ્યુની કામગીરી ઉપર પણ ઘણા સવાલો ઉભા થાય છે.
ત્યારે આ અંગે કમાટીબાગના ઝુ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું કે કમાટી બાગ ખાતે વારંવાર ચંદનના ઝાડની ચોરીઓના બનાવો સામે આવે છે.ત્યારે આ વખતે તેઓ ચોરી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. હવે આગામી સમયમાં આ પ્રકારના બનાવો ઘટે અને ચોરીના બનાવો ન બને તે માટે ઝુ વિભાગ તથા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા વધુ પગલાં લેવામાં આવશે.જોકે સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચંદન ના ઝાડની ચોરી કરવા આવનાર અજાણ્યા ઇસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.