અખબારી આલમ દ્વારા વારંવાર ચોરીના સમાચાર પ્રગટ થાય છે. ઘણી વાર ઘરકામ માટે આવેલ ઘરનોકર જ જાણભેદુ બની લાખોની રકમની ચોરી કરતા જણાય છે. શ્રીમંત પરિવારમાં ઘર નોકર પરિવારની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હોય છે. એમના આંખ-કાન સદા સરવા રહે છે! કબાટ-તિજોરીની ચાવી ક્યાં રહે છે એનું પણ ધ્યાન સતત રાખતા હોય છે. પરિવારનો પુરુષ-વર્ગ આર્થિક લેવડ-દેવડની શું વાતચીત કરતા હોય છે એનો પણ તેઓ ખ્યાલ રાખે છે! બહારગામ ક્યારે જવાનાં હોય એ બાબતની પણ એમને જાણ હોય છે. ઘણી વાર બેદરકારીપૂર્વક કબાટની ચાવી પણ ખુલ્લા કબાટમાં ઝૂલતી હોય છે! વિ. અનેક ઝીણવટપૂર્વકની બાબતોનું ધ્યાન રાખી ઘરનોકર તક મળે કે, ‘‘રૂપિયા-ઘરેણાં-કિંમતી ચીજવસ્તુ’’વિ.ની ચોરી કરતાં હોય છે. ઘણાં અત્યંત વફાદાર પણ હોય જ છે, જેઓ પોતાની મર્યાદા જાણતા હોય છે અને વફાદારીપૂર્વક ઘરની રક્ષા પણ કરતા હોય છે.
પણ ઘર નોકરો શ્રીમંત કુટુંબની જીવનશૈલી, રહેણીકરણીથી અંજાઈ જઈ ચોરી કરવા પ્રેરાતા હોય છે, મોબાઈલ પણ શેઠની માફક આધુનિક વાપરવા જોઈતો હોય છે! તો હવે સતર્ક રહેવું આવશ્યક, ઘર નોકરની માહિતી તથા તસવીર શક્ય હોય તો રાખવી, આર્થિક પરિસ્થિતિનો ચિતાર એમની હાજરીમાં નહીં જ ચર્ચવો, કબાટ-તિજોરીની ચાવી સદાય નિર્ધારિત સુરક્ષિત સ્થળે રાખવી, બહારગામ જતાં પહેલાં ‘વોલ્ટ’માં દાગીના અને બેંકમાં રોકડ જમા કરાવી દેવી, મોબાઈલ તો સાથે જ હોય, લેપટોપ કે અન્ય કિંમતી ચીજુવસ્તુ સુરક્ષિત જગ્યાએ ગોઠવી દેવી. બને ત્યાં સુધી એમને તક ન મળે, ચોરી કરવાની એવા સંજોગો ઉપસ્થિત કરવા. બધા ઘરનોકર બદદાનતના ન પણ હોય, પણ ‘‘લક્ષ્મી દેખી મુનિવર ચળે,તો આ અલ્પશિક્ષિત કે અશિક્ષિત માનવીનું શું ગજું?’’ચેતતો નર સદા સુખી.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નિજાનંદ એટલે પોતાનો આનંદ
પ્રશ્ન એ છે કે આપણે સૌ નિજાનંદ માટે શું કરીએ છીએ. પ્રત્યુત્તર નકારમાં જ આવે, કારણ આપણી તમામ પ્રવૃત્તિ બીજા માટે હોય છે. સામેની વ્યક્તિને સારું લાગે તે માટે શક્ય એટલા બધા જ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ. કુટુંબ વ્યવહારમાં પણ બીજાની લાગણીનો વિચાર કરીએ છીએ એ સારી બાબત ગણાય પણ નિજાનંદની વાત બાજુમાં રહી જાય છે. સારો અવાજ ન હોય તો પણ મોટા અવાજે ગીત ગાવું એનો અનેરો આનંદ મળે છે. આપણો અવાજ સાંભળનારને ન ગમે એવું બને. આપણે ક્યાં જાહેર મંચ પર ગાવાનું છે, એટલે કશી ચિંતા વિના ગીત લલકારી શકાય.
મારા હાથમાં છાપું કે પુસ્તક હોય એટલે મોટા ભાગના કહે, “હવે વાંચીને શું કામ છે?” હું કહું કે “મને આનંદ મળે, કશુંક લખી શકું.” સામે જવાબ મળે, “આ બધું છોડો, આરામ કરો.” અરે ભલા માણસ નિજાનંદ માટે કંઈક તો કરવું જ પડે ને! નાટકો જોવા, પુસ્તકાલય પ્રવૃત્તિના ભાગ બનવું, વાચન, લેખન કરવું, મોર્નિંગ વોક માટે કે ફરવા જવું જેવી કંઈ કેટલીય પ્રવૃત્તિથી પરમ આનંદ મળી શકે છે. મોબાઈલમાં માત્ર રીલ જોનારને ગમ્મત પડે, તેઓ અન્ય પ્રવૃતિને નકામી કહે, તે બરાબર નથી. મારું અંગત માનવું છું કે નિજાનંદ માટે વ્યકિત માટે યોગ્ય હોય એવી સારી પ્રવૃત્તિ કરીએ અને નિરામય જિંદગી જીવી લઈએ.
નવસારી – કિશોર આર.ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
