સુરતઃ શહેરના પોશ વિસ્તાર ઉમરામાં આવેલા જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના બની છે. મંગળવારે મોડી રાત્રે ઉમરામાં ટર્નિંગ પોઈન્ટ નજીક આવેલી ઓરનામેન્ટલ જ્વેલર્સની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશી ચાર કરોડો રૂપિયાના સોના-ચાંદીના ઝવેરાત ચોરી ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ટર્નિંગ પોઈન્ટ નજીક ઓરનામેન્ટલ જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન આવેલી છે. ગઈકાલે મંગળવારે તા. 3 સપ્ટેમ્બરની મોડી રાત્રિએ અહીં ઈકો કારમાં ચાર ચોર આવ્યા હતા. આ ચાર ચોરટાઓએ દુકાનનું શટર ખોલી અંદર પ્રવેશી સોના-ચાંદીની ચોરી કરી હતી. દુકાનના ડિસ્પ્લેમાં મુકેલા બે કિલો સોનુ અને ચાંદી લઈ ચોર ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
જાણભેદુએ ચોરી કરી હોવાની શંકા
ચોરીની ઘટના બન્યા બાદ સવારે પોલીસ તપાસ માટે જ્વેલરની દુકાન પર પહોંચી હતી. અહીં સીસીટીવી ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે ચાર ચોર ઈકો કારમાં જ્વેલરની દુકાન પાસે આવે છે. બાદમાં દુકાનનું શટર ઊંચું કરી અંદર ઘુસી ચોરી કરે છે. ત્યાર બાદ ડીવીઆર લઈ ફરાર થઈ જાય છે. ચોરીની સ્ટાઈલ જોતાં કોઈ જાણભેદુએ ચોરી કરી હોવાની શંકા છે. પોલીસ હાલ તે દિશામાં તપાસ કરી રહી છે.
એસીપી વિજય મલ્હોત્રાએ કહ્યું કે, ચોરીની ઘટના અંગે તપાસ ચાલી રહી છે. બિલ મંગાવીને ચોક્કસ કેટલું સોનું અને ચાંદી ચોરાયા છે તે વેરિફાઈ કરી રહ્યાં છે. સીસીટીવી ફૂટેજની મદદથી ચોર ઈસમોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.