Surat Main

60 ટકા પ્રેક્ષકો સાથે થિયેટરો ફરી શરૂ થશે: લાંબા અંતરાલ પછી પ્રેક્ષકો સિનેમાઘરોમાં જોવા મળશે

સુરત: કોરોના (Corona)ની પ્રથમ અને બીજી લહેર (Wave) પછી હવે સુરત (Surat)માં સામાન્ય સ્થિતિ છે. ત્યારે રાજ્ય સરકારની કોવિડ-19ની ગાઇડલાઇન (covid guideline) પ્રમાણે 60 ટકા બેઠક પર પ્રેક્ષકોની હાજરી સાથે મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન સિનેમાઘરો ફરી શરૂ થશે. સવા વર્ષ પછી થિયેટરો (Theater)માં પ્રેક્ષકો જોવા મળશે. સિને પ્રોડ્યુસર્સ એસોસિએશન દ્વારા 100 કરોડ સુધીના ખર્ચે નિર્માણ થયેલી મલ્ટીસ્ટારર બ્લોક બસ્ટર ફિલ્મો હવે ઓટીપીને બદલે પહેલા મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવા નિર્ણય લેવામાં આવ્યો હોવાથી લાંબા અંતરાલ પછી પ્રેક્ષકો સિનેમાઘરોમાં જોવા મળશે.

કોરોનાને લીધે થિયેટરો બંધ રહેતાં ફિલ્મ નિર્માતાઓ દ્વારા કેટલીક ફિલ્મો હોલ્ડ પર રાખવામાં આવી હતી. આ ફિલ્મો હવે થિયેટરોમાં રજૂ થશે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આટલા લાંબા સમયગાળા માટે થિયેટરો ક્યારેય બંધ રહ્યાં ન હતાં. લાંબો સમય થિયેટરો બંધ રહેતાં સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીને 1 અબજ ડોલરનું નુકસાન થયું છે. થિયેટરોમાં ફિલ્મ જોવાના શોખીન લોકો અને પરિવારો કંટાળી ગયા હતા. તેઓ હવે 50થી વધુ નવી હિન્દી ફિલ્મો અને 50થી વધુ પ્રાર્દેશિક ફિલ્મો જોઇ શકશે. 19 ઓગસ્ટે અક્ષયકુમાર અભિનિત બ્લોકબસ્ટર ફિલ્મ બોલબેટમ રજૂ થશે. એ પછી ધ ફાસ્ટ સાગા, સૂર્યવંશી, સત્યમેવ જયતે, બ્રહ્માસ્ત્ર અને પઠાણ સહિતની ફિલ્મો રજૂ થશે. ઉપરાંત લાલસિંહ ચડ્ડા, નો ટાઇમ ટુ ડાઇ, બ્લેક વિન્ડો, ટોપગન-ટુ સહિતની અંગ્રેજી ફિલ્મો પણ આગામી દિવસોમાં રજૂ થશે. ઉપરાંત અમિતાભ બચ્ચનની ચેહરે ફિલ્મ માત્ર મલ્ટિપ્લેક્સમાં અને સિંગલ સ્ક્રીન સિનેમામાં રજૂ થશે.

સુરત એક્ઝિબિટર્સ એસોસિયેશનના અગ્રણી ચંદ્રવિજય ગાબા કહે છે કે, ઘરમાં ટીવી પર કે મોબાઇલમાં ફિલ્મ જોવાનો કોઇ ખાસ આનંદ આવતો નથી. લોકો ફિલ્મોની સિનેમેટોગ્રાફી, સંગીત મોટા પડદે જોવા ટેવાયેલા છે. થિયેટરોના સંચાલકોએ ઘણા દિવસોની મહેનત પછી સ્ક્રીનના થિયેટર સંપૂર્ણ સેનિટાઇઝ કર્યાં છે. એ રીતે ફરી પરિવાર સાથે લોકો ફિલ્મ જોવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. ઓનલાઇન બુકિંગ પણ સારું નોંધાઇ રહ્યું છે. એસોસિયેશનના બીજા અગ્રણી ધર્મેશ જરીવાળાએ જણાવ્યું હતું કે, કોરોનાને લીધે લાંબો સમય થિયેટરો બંધ રહેતા પ્રેક્ષકો ફરી થિયેટર તરફ વળી રહ્યા છે. થિયેટરના સંચાલકોએ પણ જવાબદારી સમજીને થિયેટરના સ્ટાફ અને પ્રેક્ષકો માટે આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કર્યું છે. રાજહંસ પ્લટિપ્લેક્સના સીઇઓ કુલદીપ સિસોદિયાએ જણાવ્યું હતું કે, રાજહંસ ગ્રુપ દ્વારા તેનાં થિયેટરો શરૂ કરવામાં આવ્યાં છે. પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રેક્ષકોની સંપૂર્ણ સલામતી સાથે સિનેમાઘરો શરૂ થયાં છે, જેમાં પ્રથમવાર નવી ફિલ્મો સીધી થિયેટરોમાં રજૂ થઇ રહી છે.

થિયેટરના સંચાલકોએ પ્રેક્ષકોની સલામતી માટે આ સુવિધાઓ ઊભી કરી

સંપૂર્ણપણે સાયન્ટિફિક માપદંડ પ્રમાણે થિયેટરો સેનિટાઇઝ કરવામાં આવ્યા છે. થિયેટરમાં ઠેર ઠેર સેનેટાઇઝર મૂકવામાં આવ્યા છે.
માસ્ક વિના કોઇપણ પ્રેક્ષકને થિયેટરમાં પ્રવેશ અપાશે નહીં. જે પ્રેક્ષક માસ્ક વિના આવ્યા હશે તેમના માટે કેટલાંક થિયેટરોએ યૂઝ એન્ડ થ્રો માસ્કની વ્યવસ્થા કરી છે.
ફિલ્મનો પ્રત્યે શો પૂરો થયા પછી દરેક થિયેટરમાં 40 મિનીટ સુધી પ્રત્યેક સીટ સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા થશે.
પ્રેક્ષકોને હ્યુમન ટચ વિનાનું ફૂડ અને ડ્રિંક્સ અને પાણી અપાશે. મોટા ભાગે પેકેડ ફૂડ આપવામાં આવશે.
દરેક થિયેટરમાં સેનિટાઇઝેશન, ફ્યુમિકેશન, સરફેશ અને ડિસઇન્ફેક્શનની મશીનરી રાખવામાં આવી છે. થિયેટરોની સફાઇ કરનારા કર્મચારીઓ પીપીઇ કિટ પહેરી કામ કરશે.

સરકારની ગાઇડલાઇન પ્રમાણે 40 ટકા બેઠક ખાલી રખાશે

મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરો માટે સરકારે જે ગાઇડલાઇનની જાહેરાત કરી છે તે પ્રમાણે 40 ટકા બેઠક ખાલી રાખવામાં આવશે. હ્યુમન ટચ ન થાય એ રીતે ટિકિટનું વિતરણ થશે. દરેક શો વખતે એસીનું ટેમ્પ્રેચર મેન્ટેઇન કરાશે અને પ્રત્યેક શો પૂરો થયા પછી થિયેટર ફરજિયાત સેનિટાઇઝ કરાશે.

  • ધર્મેશ જરીવાળા-સંચાલક, રૂપમ થિયેટર

પ્રેક્ષકોની એન્ટ્રી અને એક્ઝિટ પર ખાસ ધ્યાન અપાશે

મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોના સંચાલકો દ્વારા પ્રેક્ષકોની એન્ટ્રી અને ફિલ્મ પૂરી થયા પછી એક્ઝિટ માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. પ્રેક્ષકો માટે પ્રથમવાર બોલબેટમ, ચેહરે અને ફાસ્ટેન ફ્યુરસ સિનેમાઘરોમાં રજૂ થશે. જે ઓટીટી પ્લેટફોર્મ પર જોવા નહીં મળે. ફિલ્મો જોવાની જે મજા અગાઉ થિયેટરોમાં આવતી હતી તેવી જ મજા ફરી પ્રેક્ષકોને મળી શકશે. થિયેટર સંચાલકોએ કોવિડને ધ્યાને રાખી પ્રેક્ષકોની સલામતી માટે અનેક સુવિધાઓ ઊભી કરી છે.

  • નિશાંતકુમાર-સંચાલક, વેલેન્ટાઇન મલ્ટિપ્લેક્સ

જે ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થઈ નથી એ થિયેટરોમાં પહેલીવાર રજૂ થશે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રોડ્યુસર દ્વારા બ્લોક બસ્ટર ફિલ્મો બનાવી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ કોરોનાને લીધે તે રજૂ થઇ નથી. આ પ્રકારની મોટી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવાનું તેમના દ્વારા ટાળવામાં આવ્યું હતું. એવી 90 ટકા નવી બ્લોક બસ્ટર ફિલ્મો હવે સિનેમાઘરોમાં રજૂ થવા જઇ રહી છે. પ્રેક્ષકોને ફરી મોટા પડદા પર વિઝ્યુલાઇઝેશન સાથે સાઉન્ડ ઇફેક્ટમાં ફિલ્મો જોવા મળશે. પ્રેક્ષકોની સલામતી માટે થિયેટર સંચાલકોએ સંપૂર્ણ પગલાં લીધાં છે.

  • ચંદ્રવિજય ગાબા-સંચાલક, રાજઇમ્પિરિયલ થિયેટર

કોરોના કાળમાં રાધે સિવાય એકપણ બ્લોક બસ્ટર ફિલ્મ ઓટીટી પર ગઈ નથી

પ્રોડ્યુસર દ્વારા કોરોના કાળમાં 20 જેટલી બ્લોક બસ્ટર ફિલ્મો બનાવવામાં આવી હતી. 100 કરોડથી વધુ કિંમતની આ ફિલ્મો પૈકી 1 માત્ર રાધે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ હતી. જ્યારે બાકીની ફિલ્મો હવે સીધી થિયેટરોમાં રજૂ થશે. થિયેટરોમાં ફિલ્મો જોવાનો આનંદ અનેરો છે. લોકો પરિવાર સાથે ફિલ્મો જોવા ટેવાયેલા છે અને એ રીતે તેમને આઉટિંગની અનુભૂતિ પણ થાય છે. થિયેટરના સંચાલકોએ પ્રેક્ષકોની સલામતી માટે ડિસઇન્ફેક્શન મશીનરી અને ફ્યુમિગેશનની મશીનરી પણ વસાવી છે.

  • આશિષ જૈન-સિટી પ્લેસ મલ્ટિપ્લેક્સ

Most Popular

To Top