Comments

ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ

થોડાં વર્ષો પહેલાંની વાત છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઉનાળો આવતાં જ પાણીની ભયંકર તંગી ઊભી થતી હતી. ખેતીની વાત તો દૂર, ઘરવપરાશ માટે અને પીવા માટેનાં પાણી માટે પણ લોકો હેરાન થતાં. ઉનાળામાં ગૃહિણીઓની હાલત દયાજનક બનતી. આ સ્થિતિ જોઈ કોઈ નિસ્બત ધરાવતા નેતાએ અધિકારીઓને કાયમી પાણીની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી કમસે કમ ઘરવપરાશ અને પીવાનાં પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું. ખાસ તો ઉનાળામાં આ વ્યવસ્થા કરવા તાકીદ કરી એટલે અધિકારીશ્રીઓ અને નેતાઓએ હંગામી વ્યવસ્થાના ભાગ સ્વરૂપ ટેન્કરથી પાણી પહોંચાડવાનું નક્કી કર્યું.

વાસ્તવમાં અપાયેલા ટેન્કર અને સરકારમાં બતાવવાના ટેન્કરની સંખ્યા વધવા લાગી. ટેન્કરનાં બીલો મોટાં થવા લાગ્યાં. હવે નેતાઓ અને અધિકારીઓનાં સગાં વ્હાલાં ટેન્કરના કોન્ટ્રાકટ લઈ લાખો કમાવા લાગ્યાં અને પરિણામ એ આવ્યું કે હવે આ ટેન્કરથી પાણી પૂરું પાડનારા જ આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા ના થાય અને ટેન્કર-રાજ ચાલુ રહે તે વિચારવા લાગ્યા. આ ટેન્કર-રાજની યાદ આજે એટલા માટે આવી કારણકે બરાબર આવું જ ગુજરાતમાં હવે જાહેર અને સામુહિક સેવાના ક્ષેત્રમાં થયું છે.

હવે ટેન્કરનું સ્થાન આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટ પ્રથાએ લીધું છે અને આ આઉટ સોર્સિંગની એજન્સીઓ,કોન્ટ્રાકટ મેળવનારાં લોકો જ ઈચ્છે છે કે સરકાર કાયમી ભરતી ના કરે અને યુવાનો આ રીતે જ કોન્ટ્રાકટ પ્રથામાં સબડે. શોષણ થયા કરે. સરકારમાં અમારાં મોટાં બિલ પાસ થયા કરે અને અમે નજીવા દરે યુવાનોનું શોષણકાર્ય કરીએ. ગુજરાતમાં બીજા અને ત્રીજા વર્ગનાં કર્મચારીઓની લાખો જગ્યાઓ ખાલી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ, દવાખાનાંઓ, યુનિવર્સિટીઓ ક્યાંય પણ તમે જોશો તો સફાઈ કામદારો, પટાવાળાઓ,ચોકીદારો, ડેટા એન્ટ્રી કરનારાઓ, દવાખાનામાં  નર્સ, કમ્પાઉન્ડર કોઈ પણ જગ્યાએ સરકાર ભરતી કરવાને બદલે આઉટ સોર્સિંગથી ચલાવે છે.

ગુજરાતમાં થોડાં વર્ષો પહેલાં ત્રીજા અને ચોથા વર્ગનાં કર્મચારીઓની લાખો જગ્યાઓ ખાલી પડી હતી. તમામ જગ્યાઓ એક સાથે ભરી શકાય તેમ ના હોવાથી નવી નિમણૂક ના થાય ત્યાં સુધી હંગામી ધોરણે અગિયાર મહિનાના કરાર આધારિત કોન્ટ્રાકટ કરી નિમણૂકો શરૂ થઇ. પછી કોઈએ સલાહ આપી કે સરકાર કામે રહેનારા યુવાન પાસે સીધો કોન્ટ્રાકટ કરે તેના બદલે કોઈ એજન્સી સાથે કોન્ટ્રાકટ કરે અને તે એજન્સી જરૂરી માણસો મોકલી આપે. આવું કરવાથી કામે રહેનાર વ્યક્તિને સરકારે કામે રાખેલો નહિ કહેવાય અને તે સરકાર પાસે કાયમી નોકરી કે પગાર પેન્શન નહીં માંગે.

સરકારી નેતાઓએ લાબું વિચાર્યા વગર આ યોજના સ્વીકારી અને અમેરિકા કે યુરોપની જેમ ગુજરાતમાં આઉટ સોર્સિંગ શરૂ થયું. વળી અધિકારીઓને મસ્ત આઈડિયા આવ્યો. સંસ્થાઓ ગમે તે એજન્સી પાસેથી કર્મચારીઓ નહિ મંગાવી શકે. સરકારમાન્ય એજન્સી પાસેથી જ માણસો મંગાવવા પડશે. હવે નેતાઓ અને અધિકારીઓનાં સગાં વ્હાલાંઓ આવી એજન્સી ખોલી બેઠા છે. મામલતદાર કચેરીથી માંડીને હોસ્પિટલો સુધી તમામ જગ્યાએ તેઓ માણસો મોકલે છે.

સરકાર આ એજન્સીઓને પગાર ચૂકવે છે. આ એજન્સીઓ આમાંથી અડધા ભાવે કર્મચારીઓને ચૂકવે છે અને દર મહિને લાખોના પગાર મળતા હોય તો આ એજન્સીઓ જ ઈચ્છે કે સરકાર કાયમી ભરતી ના કરે અને આ કોન્ટ્રાકટ પ્રથા જ ચાલુ રહે. ગુજરાતનો યુવાન રાહ જોઈ રહ્યો છે કે ક્યારે સરકાર ભરતી બહાર પાડે અને ક્યારે હું નોકરીએ લાગું,પણ છેલ્લાં દસ વર્ષથી તો સરકારે મોટા પાયે કોઈ ભરતી કરી નથી. અમારા એક મિત્રને તો ભરતી માટેની પરીક્ષાનાં પેપર ફૂટે છે ત્યારે એ શંકા પણ જાય છે કે ક્યાંક આ આઉટ સોર્સિંગની એજન્સીવાળા તો આ પેપર નહીં ફોડાવતા હોય? પરીક્ષા થાય નહીં અને ભરતી થાય નહીં.

આજે કોલેજોમાં, સ્કૂલોમાં વહીવટી સ્ટાફ નથી. સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકની પણ ભરતી બંધ છે. ટેટ- ટાટની પરીક્ષાઓ પાસ કરીને બેઠેલાં હજારો યુવાનો રાહ જોઈને બેઠાં છે કે ક્યારે સરકાર ભરતી કરે. દેશભરમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલ્યું પણ સફાઈ કર્મચારીઓની તો ભરતી જ બંધ થઇ ગઈ. તમામ જાહેર જગ્યાઓમાં હવે સફાઈના કોન્ટ્રાકટ અપાય છે. એજન્સી માણસ મોકલે અને તે સફાઈ કરી જાય. આપણાં ઘર, સોસાયટીમાં જે કચરો ઉઘરાવવા આવે છે તેના પણ કોન્ટ્રાકટ આપેલા છે,  જે ખરેખર કચરો ઉઘરાવે છે. વાન પર બેસે છે તે તો મહિને દસ બાર હજારમાં કુટાય છે. ખરો માલ તો કોઈ સ્થાનિક નેતા કે તેનાં સગાંઓ જ ખાય છે.

આ સ્થિતિ ગુજરાતનાં નાગરિકોએ સમજવી પડશે. સરકારને કહેવું પડશે કે ક્યાં સુધી આ યુવાનોને તડપાવશો? દર પાંચ વર્ષે ચૂંટણી આવે છે તેમ દર પાંચ વર્ષે તો ભરતી યોજો!  વિધિની વક્રતા તો એ છે કે પાનના ગલ્લે કે બસમાં વકફ બોર્ડની ચર્ચા કરનારાના ઘરમાં આ જ યુવાનો કાં તો કોન્ટ્રાકટમાં શોષાય છે અથવા નોકરીની રાહમાં ઘરડાં થાય છે. ગુજરાત આટલું નિસ્બત વગરનું ક્યારેય ન હતું.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top