વલસાડ: વલસાડના (Valsad) બરૂડિયાવાડમાં ઉછીના પૈસા લેવાના મુદ્દે બે પરિવારો વચ્ચે ઝગડો થયો હતો. જેમાં એક યુવાન ચપ્પુ (Knife) લઇને જેમની પર હુમલો કરવા આવ્યો હતો તેમણે તેનું જ ચપ્પુ લઇ તેને જ મારી દીધું હતું. આ મારામારીમાં મહિલાઓને પણ માર મરાતા પોલીસે (Police) બંને તરફી ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ-પારડી બરૂડિયાવાડમાં રહેતા મેહુલ સંજય માંગેએ સિદ્ધાર્થ શશી વાંસફોડાના મિત્ર રાહુલ પાસે ઉછીના પૈસા લીધા હતાં. દરમિયાન ગતરોજ વલસાડ પારડી સપ્તસૃંગી માતાના મંદિર પાસે રમાતી ક્રિકેટ મેચ દરમિયાન સિદ્ધાર્થે ઉછીના આપેલા રૂપિયા પરત માંગ્યા હતા. એ મામલે બંને વચ્ચે ભારે બોલાચાલી થઇ ગઇ હતી. આ દરમિયાન મેહુલ માંગ તેના ઘરેથી ચપ્પુ લઇ આવ્યો હતો. જોકે, આ ચપ્પુ સિદ્ધાર્થે ઝૂંટવી લઇ તેને જ ડાભા હાથમાં અને ખભામાં મારી દીધું હતુ. આ ઝગડામાં સિદ્ધાર્થ સાથે તેનો ભાઇ અંકિત પણ જોડાયો હતો.
બીજી તરફ મેહુલ અને તેના પિતા સંજયે વાંસફોડા પરિવારની મહિલાઓ વચ્ચે પડતા તેને માર માર્યો હતો. જેના પગલે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે સંજય માંગની ફરિયાદ લઇ સિદ્ધાર્થ અને અંકિત વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને બીજી તરફ સિદ્ધાર્થ વાંસફોડાની ફરિયાદ લઇ મેહુલ અને સંજય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ભીલાડ નજીક ડેહલી પાસે અકસ્માતમાં એક યુવકનુ કરુણ મોત
ઉમરગામ : ભીલાડ નજીક ડેહલી પાસે અકસ્માતમાં એક યુવકનુ કરુણ મોત નીપજ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના જણાવ્યા મુજબ ભીલાડ નજીક ડેહલી અંબર હોટલની સામે મુંબઈ થી વાપી તરફ જતા રોડ હાઈવે ઉપર શુક્રવારે મોડી સાંજના એક અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જીને એક યુવકનું મોત નિપજાવ્યું હતું. પોલીસ તપાસમાં મૃતકનું નામ અમરનાથ ગુપ્તા હોવાનું તેમજ તે મૂળ ઉત્તર પ્રદેશ અને હાલમાં ભિલાડના ગુલશન નગર ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રામદીન ગુપ્તાની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે.
ડાંગનાં વાંગણ ગામ નજીક ટ્રક પલ્ટી મારી ગઈ…
સાપુતારા: આહવા તાલુકાનાં અંતરીયાળ વાંગણ ગામ નજીક વિજપોલ ભરેલી ચડાણમાં પલટી ગઈ હતી. ઘટના સ્થળ પરથી મળતી વિગતો મુજબ આજે શનિવારે વ્યારા તરફથી વિજપોલ ભરી સતી વાંગણ તરફ જઈ રહેલ ટ્રક.નં.જી.ટી.ટી.6846 આહવા તાલુકાનાં અંતરીયાળ વાંગણ ગામ નજીકનાં આંતરીક માર્ગનો ઢોળાવ ચઢી રહી હતી ત્યારે અચાનક રિવર્સ આવી ગઇ હતી. અને કોઝવે નજીક પલટી જતાં સર્જાયેલા અકસ્માતમાં વિજપોલ સહીત ટ્રકને જંગી નુકશાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.