નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસી તાબે દેવનગરમાં રહેતાં એક પરિણીત યુવકે પોતાની પત્નિ અને પુત્રીને તરછોડી પ્રેમીકા સાથે લગ્ન કરી લેતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. આ બનાવ અંગે પરિણીતાની ફરીયાદને આધારે પોલીસે બીજા લગ્ન કરનાર યુવક તેમજ તેને સાથ આપનાર તેની માતા અને મામા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લાના સામરખા ગામમાં રહેતાં કનુભાઈ મેલાભાઈ પરમારની પુત્રી કૈલાશબેનના લગ્ન બારેક વર્ષ અગાઉ નડિયાદ તાલુકાના ચકલાસી તાબે દેવનગરમાં રહેતાં જયેશભાઈ કાભઈભાઈ વાઘેલા સાથે જ્ઞાતિના રીતીરીવાજ મુજબ થયાં હતાં.
લગ્ન બાદ ચાર વર્ષ સુધી જયેશભાઈએ પોતાની પત્નિ કૈલાશબેન સાથે સારો વ્યવહાર રાખ્યો હતો. જોકે પુત્રીના જન્મ બાદ જયેશભાઈનો સ્વભાવ બદલાઈ ગયો હતો. તે અવારનવાર પત્નિ કૈલાશબેન સાથે ઝઘડાં કરી મારઝુડ કરતો હતો. તેમછતાં કૈલાશબેન આ ત્રાસ મુંગા મોઢે સહન કરતાં હતાં. તેમછતાં પતિ જયેશ ચિખોદ્રા ખાતે રહેતાં તેના મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો અને પોતાની પત્નિ કૈલાશબેન સાથે સબંધ ઓછો કરી નાંખ્યો હતો.
ગત તા.૨૭-૯-૨૧ ના રોજ જયેશ તેની સાથે વનિતા નામની એક મહિલાને લઈને દેવનગર આવ્યો હતો. તે વખતે કૈલાશબેને આ મહિલા બાબતે પુછપરછ કરતાં ઉશ્કેરાયેલાં જયેશે આ મારી પત્નિ છે, મે વનિતા સાથે બીજા લગ્ન કરી લીધાં છે, હવે હું તને રાખવાનો નથી, તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે તેમ કહી ઝઘડો કરી પત્નિ કૈલાશબેનને ગડદાપાટુનો મારમારી ઈજા પહોંચાડી હતી. સાસું તેમજ મામા સસરાંએ પણ વનિતા તો અહીંયા જ રહેશે તું જતી રહે તેમ કહી કૈલાશબેન સાથે બોલાચાલી કરી હતી.
આ બનાવ અંગે કૈલાશબેને પોતાના પતિ જયેશભાઈ કાભઈભાઈ વાઘેલા, સાસુ વિમળાબેન કાભઈભાઈ વાઘેલા અને મામા સસરાં મનુભાઈ બાલુભાઈ પરમાર વિરૂધ્ધ ચકલાસી પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ખેડા જિલ્લામાં પરસ્ત્રિ પ્રેમમાં પતિ દ્વારા પત્નીને તરછોડવાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે સામાજિક સંસ્થાઓએ આગળ આવી જાગૃતિ ફેલાવી જરૂરી બન્યું છે.