Columns

વિશ્વની મહાસત્તાઓ સીરિયામાં સત્તાની વહેંચણી માટે સોદાબાજી કરી રહી છે

મધ્ય પૂર્વમાં કેટલીક એવી ઘટનાઓ બની રહી છે, જેને કારણે વિશ્વનો નકશો બદલાઈ જશે, પણ તેની બહુ ચર્ચા મેઇનસ્ટ્રીમ મીડિયામાં કરવામાં આવતી નથી. તા.૮ ડિસેમ્બરના રોજ સીરિયામાં બળવાખોરોએ બશર અલ-અસદના ૨૪ વર્ષના શાસનનો અંત લાવ્યો હતો અને રાષ્ટ્રપતિ અસદને રશિયા ભાગી જવાની ફરજ પાડી હતી. હવે બહાર આવ્યું છે કે સીરિયામાં બળવાખોરોના હાથમાં સત્તા આવવાની છે, તેની રશિયા તેમ જ ઇરાનને પહેલેથી ખબર હતી, પણ તેમણે સીરિયાની મદદે ન જવાનું નક્કી કરી રાખ્યું હતું, કારણ કે આ બાબતમાં વિશ્વની મહાસત્તાઓ વચ્ચે ગુપ્ત સમજૂતી થઈ હતી. હવે આ મહાસત્તાઓ જોર્ડનમાં બંધબારણે બેઠકોનો દોર ચલાવીને સીરિયામાં કોની સરકાર હશે, તે બાબતમાં સોદાબાજી કરી રહી છે.

સીરિયામાં ૧૩ વર્ષના ગૃહ યુદ્ધ પછી અસદ સરકારે લોકશાહીતરફી વિરોધીઓને કચડી નાખ્યા તે પછી નાટકીય ઢબે બળવો થયો હતો. આ ગૃહ યુદ્ધમાં પાંચ લાખથી વધુ લોકો માર્યા ગયાં હતાં અને બીજાં લાખો લોકો વિસ્થાપિત થયાં હતાં. વિશ્વના મોટા દેશો અને તેમનાં સમર્થકો આ મુદ્દામાં સક્રિય હતાં. સીરિયાના સૌથી અગ્રણી HTS બળવાખોરોએ મોહમ્મદ અલ-બશીરને દેશના વચગાળાના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. અસદ પરિવારના શાસનની અડધી સદી પૂરી થયા બાદ સીરિયાનું રાજકીય ચિત્ર શું આકાર લે છે તેના પર હવે દુનિયાની નજર છે.

બશર અલ-અસદની સરકારના પતન પછી દુનિયાના ઘણા મહત્ત્વપૂર્ણ અને શક્તિશાળી દેશો ત્યાંની સ્થિતિને સામાન્ય બનાવવા માટે પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. આ સંબંધમાં અમેરિકાએ પહેલી વાર સ્વીકાર્યું છે કે તે સીરિયાનાં વિદ્રોહી જૂથોના સંપર્કમાં છે. જ્યારે ચીને પણ સીરિયા મુદ્દે પહેલી વાર જાહેર નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ઇજિપ્ત સાથે મળીને સીરિયા અને મધ્ય પૂર્વની સ્થિતિ પર સંયુક્ત નિવેદન આપ્યું હતું. આ તરફ જોર્ડને શનિવારે સીરિયાના મુદ્દા પર મંત્રણાની યજમાની શરૂ કરી છે. બશર અલ-અસદના શાસનના પતન પછીની સ્થિતિ પર ચર્ચા કરવા માટે ઘણા દેશોના વિદેશ પ્રધાનો તેમાં ભાગ લઈ રહ્યા છે.

જોર્ડનમાં શિખર પરિષદમાં સીરિયામાં સત્તાની વહેંચણી કરવા માટે અને પોતપોતાનાં હિતોનું રક્ષણ કરવા માટે તુર્કી, અમેરિકા, યુરોપિયન યુનિયન અને આરબ દેશો સહિત મુખ્ય પ્રદેશો અને અન્ય ૧૩ દેશોના  પ્રતિનિધિઓને એકસાથે લાવવામાં આવ્યા હતા. આ વાટાઘાટો દરમિયાન સીરિયા પર આરબ મંત્રી જૂથની બેઠક મળી હતી, જેમાં જોર્ડન, સાઉદી અરેબિયા, ઇરાક, લેબેનોન, ઇજિપ્ત અને આરબ લીગના સેક્રેટરી જનરલનો સમાવેશ થાય છે. આ પછી તુર્કી, અમેરિકા અને ફ્રાન્સના વિદેશ પ્રધાનો તેમજ બ્રિટન, જર્મની અને યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા કાઝા કલ્લાસના પ્રતિનિધિઓને સામેલ કરતી એક મોટી બેઠક યોજાશે. જોર્ડનમાં જે બધા દેશો સીરિયાનું ભવિષ્ય નક્કી કરવા મળી રહ્યા છે, તેમણે સીરિયાના બળવાની યોજના પણ ઘડી કાઢી હતી અને હવે તેઓ સીરિયાના ટુકડા કરવાની યોજના ઘડી રહ્યા છે.

અમેરિકાએ પહેલી વખત કબૂલ કર્યું છે કે તે જોર્ડનમાં સીરિયન વિદ્રોહી જૂથો સાથે સીધા સંપર્કમાં છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું છે કે અમેરિકા એચટીએસ બળવાખોરો સાથે સીધો સંપર્ક જાળવી રહ્યું છે, જેઓ બશર અલ-અસદ શાસનને હટાવ્યા બાદ સીરિયા પર નિયંત્રણ મેળવી રહ્યાં છે. બ્લિંકને કહ્યું છે કે અમેરિકા લાંબા સમયથી ગુમ થયેલા અમેરિકન પત્રકાર ઓસ્ટિન ટાઈસના કિસ્સામાં એચટીએસ સાથે સીધા સંપર્કમાં છે. પ્રથમ વખત અમેરિકાએ હયાત તહરિર અલ-શામ (એચટીએસ) સાથે સીધો સંપર્ક સ્વીકાર્યો છે, જેને અમેરિકા હજુ પણ ઉગ્રવાદી સંગઠન માને છે.

તેના નેતા અબુ મોહમ્મદ અલ-જુલાનીના માથા પરનું દસ લાખ ડોલરનું ઇનામ હજુ સુધી અમેરિકાએ રદ નથી કર્યું, પણ તેના પ્રતિનિધિઓ સાથેની મંત્રણામાં અમેરિકા સક્રિય રસ લઈ રહ્યું છે. એન્ટની બ્લિંકેન જોર્ડનમાં સીરિયાના ભાવિ અંગે ચર્ચા કરવા માટે ઘણા આરબ દેશો, તુર્કી અને યુરોપના પ્રતિનિધિઓ સાથે વાતચીત કર્યા પછી બોલી રહ્યા હતા. આ દરમિયાન એન્ટની બ્લિંકેન સીરિયામાં શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયાને સમર્થન આપવા માટે સત્તાવાર રીતે સંમત થયા હતા.

જોર્ડનના વિદેશ પ્રધાન અયમાન સફાદીએ કહ્યું કે પ્રાદેશિક શક્તિઓ ઇચ્છતી નથી કે સીરિયા અરાજકતા તરફ વળે. સંયુક્ત નિવેદનમાં તેઓએ બધાનો સમાવેશ કરતી સીરિયન સરકાર માટે અપીલ કરી, જે લઘુમતીઓના અધિકારોનો આદર કરે અને આતંકવાદી જૂથોને ત્યાં પોતાના અડ્ડા સ્થાપિત કરવાની મંજૂરી ન આપે. તાજેતરનાં અઠવાડિયાની તોફાની ઘટનાઓને પગલે સીરિયાની અંદર અને બહાર એવી ચર્ચા થઈ રહી છે કે તમામ સીરિયનોનું પ્રતિનિધિત્વ કરતી નવી સરકારની સ્થાપના કરવી મહત્ત્વપૂર્ણ છે. હકીકતમાં આ દેશો સીરિયાના ટુકડા કરવા માટે મંત્રણાઓ કરી રહ્યા છે.

જોર્ડનમાં યોજાયેલી બેઠકમાં ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસૈને મધ્ય પૂર્વ અને તેનાથી આગળ સીરિયાના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પ્રાદેશિક દેશો બીજું લિબિયા જોવા નથી માંગતા. તેમણે લીબિયામાં કર્નલ ગદ્દાફીને સત્તા પરથી હટાવ્યા બાદ સર્જાયેલી અરાજકતાનો ઉલ્લેખ કર્યો હતો. તે જ બેઠકમાં તુર્કીના વિદેશ પ્રધાન હકન ફિદાને કહ્યું હતું કે હાલની સીરિયન સંસ્થાઓને બચાવવી જોઈએ અને સુધારવી જોઈએ. 

આતંકવાદને ક્યારેય સંક્રમણના સમયગાળાનો લાભ ન ​​લેવા દો. આપણે સાથે મળીને કામ કરવું પડશે અને ભૂતકાળની ભૂલોમાંથી શીખવું પડશે. સૌથી શક્તિશાળી બળવાખોર જૂથ એચટીએસે સંકેત આપ્યો છે કે તે સીરિયામાં સર્વસમાવેશક સરકાર ઇચ્છે છે, પરંતુ જૂથના હિંસક જેહાદી ઇતિહાસે કેટલાકના મનમાં સંશય પેદા કર્યો છે કે શું તેઓ આવાં વચનો પાળશે? જોર્ડનમાં યોજાયેલી મંત્રણામાં સીરિયાના કોઈ પ્રતિનિધિએ ભાગ લીધો ન હતો.

આ બેઠકમાં ભાગ લેનારા આઠ આરબ દેશોના વિદેશ મંત્રીઓએ કહ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે સીરિયા એક રહે અને તેનું વર્ગોના આધારે કોઈ વિભાજન ન થાય. ઈરાન અને રશિયા આ બેઠકમાં હાજર રહ્યા ન હતાં, જેમણે અસદને આર્થિક મદદ કરી તેના કારણે તેઓ આટલા લાંબા સમય સુધી સત્તામાં રહ્યા હતા. ચીને મધ્ય પૂર્વમાં અરાજકતાનો અંત લાવવા માટે તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ૧૩ ડિસેમ્બરે બેઇજિંગમાં તેમના ઇજિપ્તના સમકક્ષ બદ્ર અબ્દેલતી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સીરિયા અને મધ્ય પૂર્વની સ્થિતિ પર ટિપ્પણ કરી હતી.

સીરિયન સરકાર સામે બળવાખોરોને રોકવા માટે સપ્ટેમ્બર ૨૦૧૫ થી રશિયાની એક મોટી સૈન્ય ટુકડી સીરિયામાં હાજર છે, પરંતુ હવે સીરિયામાં બશર અલ-અસદની સરકારના પતન બાદ રશિયાનાં આ સૈન્ય મથકોનું ભવિષ્ય શું છે તે અંગે રશિયન મીડિયામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. વર્ષ ૨૦૧૭માં રશિયા અને સીરિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ અંતર્ગત સીરિયાએ રશિયાને ટાર્ટસ અને હમીમિમમાં ૪૯ વર્ષ સુધી સૈન્ય મથકો જાળવી રાખવાની પરવાનગી આપી હતી.

આ કરાર વર્ષ ૨૦૬૬ સુધીનો છે, પરંતુ હવે એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે આ બંને સૈન્ય મથકો રશિયાના નિયંત્રણમાં રહેશે કે કેમ. રશિયન નેતૃત્વએ સંકેત આપ્યો છે કે તે આ બે લશ્કરી થાણાઓનો ઉપયોગ ચાલુ રાખવાનો ઇરાદો ધરાવતો નથી. બીજી બાજુ બશર સરકારના પતન પછી ઈઝરાયેલે ગોલન હાઇટ્સના જે વિસ્તારો કબજે કર્યા છે, ત્યાં યહૂદીઓને વસાવવાની અને ગ્રેટર ઈઝરાયેલની રચના કરવાની યોજના તૈયાર થઈ ગઈ છે. તેના પરથી ખ્યાલ આવે છે કે સીરિયાના બળવાનો મૂળ ઉદ્દેશ ગ્રેટર ઈઝરાયેલ જ હતો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top