Editorial

નવા વર્ષમાં વિશ્વની વસ્તી ૮.૦૯ અબજ હશે: વસ્તી વધારો એ હજી ઘણા દેશો માટે સમસ્યા છે

આજે નવું ૨૦૨૫નું વર્ષ શરૂ થઇ રહ્યું છે ત્યારે વિશ્વની વસ્તીને લગતા કેટલાક મહત્વના આંકડાઓ બહાર આવ્યા છે. આ આંકડાઓ જો કે  અમેરિકાના વસ્તી ગણતરી કાર્યાલય દ્વારા બહાર  પાડવામાં આવ્યા છે તેથી તે અમેરિકાલક્ષી વધુ છે છતાં વિશ્વભરની માણસોની વસ્તીના પ્રવાહોની પણ તેમાંથી મહત્વની જાણકારી મળી રહે  છે. દુનિયાની વસ્તી  ૨૦૨૪ના વર્ષમાં ૭૧૦  લાખ કરતા વધુ વધી છે અને તે નવા વર્ષના દિવસે ૮.૦૯ અબજ થશે એમ અમેરિકાના સેન્સસ બ્યુરોના હાલમાં જારી થયેલા અંદાજો જણાવે છે.

૨૦૨૫માં દર સેકન્ડે ૪ બાળકોનો જન્મ  થવાનો પણ તેમા અંદાજ મંડાયો છે. વિશ્વની વસ્તીમાં ૦.૯ ટકાનો વધારો ૨૦૨૪ના વર્ષમાં થયો તે ૨૦૨૩માં થયેલા વધારા કરતા થોડી ધીમી પડેલી ગતિ દર્શાવે છે. ગયા વર્ષે વિશ્વની વસ્તીમાં ૭પ૦ લાખનો વધારો થયો હતો.   જાન્યુઆરી ૨૦૨૫માં વિશ્વભરમાં દરેક સેકન્ડે ૪.૨ જન્મો અને ૨.૦ મૃત્યુઓ નોંધાવાની અપેક્ષા છે એ મુજબ આ અંદાજો જણાવે છે.

જન્મ, મૃત્યુઓ અને ચોખ્ખા આંતરરાષ્ટ્રીય  સ્થળાંતરના  મિશ્રણથી જોતા અમેરિકામાં દર ૨૧.૨ સેકન્ડે એક વ્યક્તિ ઉમેરાશે એમ સેન્સસ બ્યુરોએ જણાવ્યું હતું. અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં અન્ય દેશોમાંથી ઠલવાતા લોકોને કારણે પણ  વસ્તી વધે છે, દુબઇ જેવા કેટલાક દેશોમાં તો વિદેશોથી આવેલા લોકોનું જ ઘણુ મોટું પ્રમાણ છે જયારે અલ્પવિકસીત કે વિકાસશીલ દેશોમાં મોટે ભાગે સ્થાનિક વસ્તીમાં બાળકોના જન્મથી જ  વસ્તી વધે છે. કેટલાક વિકાસશીલ દેશોમાં ગેરકાયદે ઘૂસણખોરીથી પણ થોડી વસ્તી વધે છે પણ તેમની કુલ વસ્તીમાં આ વસ્તીનું પ્રમાણ નજીવું છે.

વિશ્વની વસ્તી વૃદ્ધિનો ટ્રેન્ડ પણ સમજવાલાયક છે. યુનાઈટેડ નેશન્સના આંકડાઓ અનુસાર, વિશ્વની વસ્તી વધીને એક અબજ થવામાં હજારો વર્ષ લાગ્યા. તે પછી, તે 200 વર્ષ કે તેથી વધુ  સમયમાં વસ્તી સાત ગણી વધી. જો કે દુનિયાની વસ્તી વૃદ્ધિનો દર હવે ધીમો પડી રહ્યો છે. ૧૯૬૦ના  દાયકાના મધ્યમાં માં વાર્ષિક વસ્તી વિકાસ દર ટોચ  પર હતો, જ્યારે તે બે ટકા હતો. તેના પછી વસ્તી વૃદ્ધિ દર ઘટવા માંડ્યો અને તે હવે તો  તેનાથી અડધા કરતા પણ ઓછો થઇ ગયો છે.  અને આગામી વર્ષોમાં આ ઘટાડો ચાલુ રહેશે.

જો  કે આમ છતાં વિશ્વની વસ્તી હજી વધી રહી છે, જો કે ચીન અને જાપાન જેવા મોટી વસ્તી ધરાવતા દેશોમાં વસ્તી ઘટવાનો આરંભ થઇ ગયો છે અને પછી ધીમે ધીમે વિશ્વના મોટા ભાગના  દેશોમાં વસ્તી ઘટવાનો આરંભ થશે. જે રીતે વસ્તી વૃદ્ધિ એક સમસ્યા છે તે રીતે વસ્તીમાં ઘટાડો પણ એક સમસ્યા છે. નવા જન્મો અટકી જાય એટલે યુવા વસ્તીનું પ્રમાણ ઘટે અને વૃદ્ધોની  મોટી વસ્તી રહી જાય તે એક મોટી સમસ્યા છે. દુનિયાએ આગામી દાયકાઓમાં આ માટે સજજ્ થવું પડશે. હાલ તો ભારત જેવા દેશોએ વધતી વસ્તીને અંકુશમાં રાખવા પર જ ધ્યાન આપવું  જરૂરી છે.

Most Popular

To Top