Editorial

દુનિયાનો સૌથી બેશરમ દેશ જેના વિરોધ પક્ષના નેતા જેલમાં છે અને આતંકવાદીઓ ખુલ્લેઆમ સભા યોજે છે

દુનિયાના દરેક દેશમાં બે વિચારધારા ધરાવતા નેતાઓ હોય છે, પક્ષો હોય છે, પ્રજા હોય છે અને મતદારો હોય છે. અમેરિકાથી લઇને રવાન્ડા અને ઇંગ્લેન્ડથી લઇને યમન જેવા દેશોમાં પણ અલગ અલગ વિચારધારા જોવા મળે છે. રવાન્ડા અને યમન જેવા દેશોમાં તો ભૂખમરાની સ્થિતિ છે. આવી સ્થિતિમાં પણ તે દેશ એટલા બદનામ નથી થયા જેટલું પાકિસ્તાન થયું છે. બદનામી તો દૂરની વાત આ દેશ માટે બેશરમ કહીએ તો પણ કંઇ જ ખોટું નથી. કારણ કે, આ દુનિયાનો એક માત્ર દેશ છે જેના વિરોધ પક્ષના નેતા જેલમાં છે અને દુનિયાનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિસ સઇદ હાઇ સિક્યુરિટીની વચ્ચે સભાઓ યોજે છે.

લશ્કરે તોઇબા નામની આતંકવાદી સંસ્થા ચલાવે છે અને પોતાનું મોટું નેટવર્ક પણ ધરાવે છે. અહીંના અત્યાર સુધીના નેતા અને સરમુખ્યારશાહોએ ક્યારે પણ દેશની પ્રજાનું વિચાર્યું નથી અને પોતાની પાસે લંગોટ નહીં હોવા છતાં આતંકવાદીઓને મલમલના કૂર્તા પહેરાવવાનું કામ કર્યું છે. દરેક દેશની પોતપોતાની ખાસિયત હોય છે. ત્યાંના ઉદ્યોગ અને ઉત્પાદનની વાત કરીએ તો યુરોપના જર્મની અને ઇટાલી દેશે નામના મેળવી છે. ટેકનોલોજીમાં ચીન, જાપાન, ઇઝરાયેલ, વિયેતનામ સહિતના દેશોએ નામના મેળવી છે.

દક્ષિણ અમેરિકાની વાત કરીએ તો દુનિયાના શ્રેષ્ઠ ફૂટબોલર અહીંથી ઊભા થાય છે અને ક્રૂડના ઉત્પાદનની વાત કરીએ તો તેમાં ગલ્ફ કન્ટ્રીએ નામના મેળવી છે. બીજી બધી વાત તો દૂરની રહી પરંતુ અફઘાનિસ્તા જેવા તાલિબાનની આતંકવાદના આધારે બનેલો દેશે પણ આજે પાણીની કમી દૂર કરવા માટે જે નહેરનું નિર્માણ શરૂ કર્યું છે તેનાથી દુનિયા દંગ રહી ગઇ છે. પરંતુ ભારતની કમનસીબી કે તેનો જ પડોશી દેશ માત્રને માત્ર આતંકવાદીઓ પેદા કરે છે. તેમને ટ્રેનિંગ આપે છે. તેમની આગતા સ્વાગતા કરે છે અને તેમની સહાયથી દુનિયામાં શાંતિનું ચીરહરણ કરે છે.

પાકિસ્તાન એવો દેશ છે કે જ્યાંના મહત્વના નિર્ણય બહાવલપુરથી લેવાઇ છે ઇસ્લામાબાદને તો માત્ર જાણ કરવામાં આવે છે. બહાવલપુર એટલા માટે કે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિસ સઇદનું મુખ્ય મથક અહીં આવેલું છે. આવા દેશ પાસે શાંતિની અપેક્ષા રાખવી જ ખોટી છે. આવા દેશોને તો મહારાષ્ટ્રના સિંહ ગણાતા દિવંગત બાલાસાહેબ ઠાકરેની ભાષામાં જ સમજાવવા પડે. તેઓ જાહેરમંચ પર જ કહેતા હતા કે પાકિસ્તાન જે ભાષામાં સમજે તે ભાષામાં જ સમજાવવું જોઇએ. બાલાસાહેબ ઠાકરે જેવા પુત્રને જન્મ આપનાર તેમની માતાને નતમસ્તક થવું જોઇએ. એમ તો તેમના પર લખવા જઇએ તો કદાચ એક લાયબ્રેરી ભરીને લખી શકાય તેટલા મુદ્દાઓ છે પરંતુ હાલ માત્ર પાકિસ્તાનનની વાત ચાલે છે ત્યારે તેમની કેટલીક વાત અવશ્ય યાદ કરવી જોઇએ.

તે સમયે બીસીસીઆઇના ચેરમેન શરદ પવાર હતાં. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર પાકિસ્તાનની મેચ યોજાવાની હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આતંકવાદ અને ક્રિકેટ બે વાત એક સાથે નહીં થઇ શકે. હું મારી ધરતી પર પાકિસ્તાનીઓને પગ મૂકવા નહીં દઉં અને તરત જ શિવસૈનિકોએ સ્ટેડિયમ પર જઇને પીચ ખોદી નાંખી હતી. બીજી એક વાત યાદ કરી તો તે સમયે જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓએ ધમકી આપી હતી કે ‘અમરનાથ યાત્રા નહીં થવા દઇએ’ બાલાસાહેબનો પ્રત્યુત્તર હતો કે જો એવું જ હોય તો મુંબઇથી એક પણ પ્લેન હજ માટે કેવી રીતે ઉડે છે તે હું જોઉં છું.

બસ તેમની આ વાત બાદ તે સમયે જ્યારે આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે અમરનાથ યાત્રા પર ગોળી તો દૂરની વાત રહી એક પત્થર મારવાની હિંમત પણ આતંકવાદીઓ કરી શક્યા ન હતાં. હાલમાં પાકિસ્તાન સાથે સિંધુ જળસંધિ ભારતે સ્થગિત કરી છે. ખૂબ જ અસરકારક પગલું ગણી શકાય ખૂબ જ સારી બાબત છે પરંતુ જો આ વાત અગાઉની સરકારોએ કરી દીધી હોત તો પાકિસ્તાન અત્યાર સુધીમાં તો પાયમાલ થઇ ગયું હોત. હવે આ બેશરમ પાકિસ્તાનની બીજી બેશરમી અને બદનામીની વાત કરીએ તો અહીંના સૌથી ઉચ્ચકક્ષાએ પહોંચેલા નેતાઓની અથવા તો હત્યા થઇ છે. અથવા તો તેઓ જેલમાં છે અથવા દેશવટો ભોગવી રહ્યાં છે.

હવે આવા દેશને બેશરમ નહીં કહીએ તો શું કહીએ? પાકિસ્તાનના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે, પાકિસ્તાનમાં કોઈ પણ વડાપ્રધાન ક્યારે પણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યો નથી. પાકિસ્તાનની સેનાના પીઠબળથી જ મોટાભાગની સરકારો અત્યાર સુધી શાસન કરતી આવી છે. પાકિસ્તાનમાં શાહબાઝ શરીફે ઈમરાન ખાનની સરકારને ત્રણ જ વર્ષમાં ઉથલાવીને પોતાની સરકાર બનાવી હતી. એ પછી અત્યારે કાર્યકારી વડાપ્રધાન અનવાર ઉલ હક કાકર કાર્યકારી વડાપ્રધાન છે.

પાકિસ્તાનમાં જેટલા વડાપ્રધાન શાસન કરી ચુકયા છે. જેમાંથી આઠ કેર ટેકર વડાપ્રધાન રહ્યા છે. જોકે બાકીના કોઈ વડાપ્રધાન પોતાનો પાંચ વર્ષનો શાસનકાળ પૂરો કરી શક્યા નથી. આઝાદી પછીની વાત કરવામાં આવે તો પહેલા વડાપ્રધાન લિયાકત અલી ખાને સત્તામાં ચાર વર્ષ અને 63 દિવસ પૂરા કર્યા બાદ ગોળી મારીને તેમની હત્યા કરાઈ હતી. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સૌથી લોકપ્રિય વડાપ્રધાન હતા પણ 3 વર્ષના શાસન બાદ સેનાએ તેમની સામે બળવો કર્યો હતો અને તેમને ફાંસીએ ચઢાવી દીધા હતા.

1988માં બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના પહેલા મહિલા વડાપ્રધાન બન્યા હતા. એક વર્ષ અને 247 દિવસ શાસન કર્યા બાદ બેનઝીરે માત્ર 12 વોટથી પોતાની સત્તા ગુમાવી હતી. તેમની જગ્યાએ નવેમ્બર 1990માં વડાપ્રધાન બનેલા પાકિસ્તાની મુસ્લિમ લીગના નેતા નવાઝ શરીફ 2 વર્ષ અને 254 દિવસ સુધી સત્તા પર ટકી શક્યા હતા અને એ પછી તેમની સરકાર ગબડી પડી હતી. ત્યાર બાદ પરવેઝ મુશર્રફ, નવાઝ શરીફ કે પછી ઇમરાન ખાનના પણ આજ હાલ થયા હતાં. તેનું કારણ જ એ છે કે અહીંની સરકાર ઇસ્લામાબાદથી નહીં બહાવલપુરથી ચાલે છે. બલોચ વિદ્રોહીઓ કે તહેરિકે તાલિબાન તેમના પર હુમલો કરે તો તેમને આતંકવાદી કહે અને જો લશ્કરે તૈયબા ભારતમાં કંઇ કરે તો તે મુજાહિદ્દિન?

Most Popular

To Top