સ્ટીવન સેસન નામના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરે 1973માં 23 વર્ષની વયે કોડાક કંપનીમાં નોકરી શરૂ કરી. પ્રતિભાશાળી એન્જિનિયર સ્ટીવન પાસે નવા આઈડિયાઝ હતા એટલે તેને સંશોધકોની ટીમમાં જગ્યા મળી. કંપનીએ ‘ડિજિટલ કેમેરા’ નામનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. સ્ટીવને પણ એ દિશામાં સંશોધન શરૂ કર્યું. દોઢ-બે વર્ષની મહેનત પછી સ્ટીવનને સફળતા મળી. તેણે પ્રથમ એવો ઈલેક્ટ્રોનિક કેમેરા બનાવ્યો. એ કેમેરા બેટરીથી ચાલતો હતો. તેનું વજન લગભગ સાડા ત્રણ કિલો હતું અને ફોટોનું રીઝલ્ટ 0.01 મેગાપિક્સેલ્સ હતું પણ એ કેમેરા રંગીન ન હતો.
તેમાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પડતો હતો. ફોટો પડતા માત્ર 23 સેકન્ડ થતી હતી. એ સમયે આ એક માત્ર એવો કેમેરા હતો, જેમાં આટલા ઓછા સમયમાં ફોટો પડતો હતો. વળી, એ વખતના કેમેરાની જેમ તેના વિવિધ પાર્ટ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા પડતા ન હતા. કેમેરા ઉપરાંત એક ટેપ ડ્રાઈવ, એમ બે પાર્ટ્સ ખસેડવાથી ફોટો પાડી શકાતો હતો. એ કેમેરામાં પડેલો ફોટો રેન્ડમ એક્સેસ મેમરીમાં સેવ થતો હતો. સાદા અર્થમાં કહીએ તો કમ્પ્યુટરની જેમ તેનો ડેટા એ જ ડિવાઈસમાં સેવ થતો હતો. કેમેરાના સંદર્ભમાં એ વ્યવસ્થા એકદમ નવી હતી. પછીથી તમામ મોડર્ન ડિજિટલ કેમેરાની બનાવટમાં સ્ટીવનની એ ટેકિ્નક ફોલો થઈ હતી.
ઈલેક્ટ્રોનિક કેમેરા તરીકે કંપનીએ તેની પેટન્ટ નોંધાવીને એ કેમેરાને બહેતર બનાવવાનું કામ હાથમાં તો લીધું પણ એમાં એક મોટી મુશ્કેલી હતી. જો આ કેમેરા માર્કેટમાં મૂકવામાં આવે તો કંપનીના જામી ગયેલા ફોટોગ્રાફિક ફિલ્મના બિઝનેસને મોટો ફટકો પડે તેમ હતો. કંપનીને ડર હતો કે બ્લેક એન્ડ વ્હાઈટ ડિજિટલ કેમેરા માર્કેટમાં મૂકવા જતાં જે ક્ષેત્રમાં તેમનું આધિપત્ય છે એ બિઝનેસ જોખમમાં આવી જશે. માલિકી હકો નોંધાવ્યા પછી ય એ પ્રોજેક્ટ જેવો ચાલવો જોઈએ એવો ન ચલાવાયો. કંપનીએ ઈલેક્ટ્રોનિક કેમેરાના નામે તેને માર્કેટમાં લિમિટેડ એડિશન માટે રજૂ કર્યો, પણ પછી તેમાં બહુ ધ્યાન આપવાનું ટાળ્યું.
એમ તો બીજી કંપનીઓએ પણ ડિજિટલ કેમેરા બનાવ્યાનો દાવો પેશ કર્યો હતો. માઈકલ ફ્રાન્સિસ ટોમ્પસેટ નામના બ્રિટિશ એન્જિનિયરે 1972માં એક આવો જ ડિજિટલ કેમેરા બનાવ્યો હતો, પરંતુ એ હેન્ડી કેમેરા ન હતો અને તેમાં સ્ટીવનના કેમેરા જેટલી વિશેષતા પણ ન હતી. બધી રીતે સ્ટીવનનો કેમેરા ખરા અર્થમાં પ્રથમ ડિજિટલ કેમેરાનું બહુમાન મેળવે છે. સ્ટીવનની આ શોધ બદલ તેમને ઘણા એવોર્ડ્સ મળ્યા. 68 વર્ષે ઈન્ટલએક્યુઅલ પ્રોપર્ટીની જાગૃતિ માટે કામ કરતા સ્ટીવનનું સન્માન 2009માં ઓબામાએ કર્યું હતું. ડિજિટલ કેમેરાને બહેતર બનાવવાની દિશામાં સ્ટીવન સેસને ઘણું કામ કર્યું છે.
કેટલીય કંપનીઓના માર્ગદર્શન રહી ચૂકેલા સ્ટીવને છેલ્લે 18 મેગાપિક્સેલનો એક લિમિટેડ એડિશનનો લીસા M-9 નામનો કેમેરા બનાવ્યો હતો તે ખૂબ વખણાયો હતો. સ્ટીવને ડિજિટલ કેમેરાનો પાયો નાખ્યો હતો. છતાં એ કેમેરા માર્કેટ સુધી પહોંચ્યો ન હતો. વળી, એ ડિજિટલ કેમેરા તો હતો પરંતુ તેની ઘણી મર્યાદા હતી. એ બ્લેક એન્ડ વ્હાઈટ હતો, માર્કેટમાં સામાન્ય ગ્રાહકોને પરવડે તેમ ન હતો. સ્ટીવનનો કેમેરા મોટાભાગે કોડાકની ફેક્ટરીમાં જ વપરાયો હતો.
કોડાકે જ્યાંથી કામ અધૂરું મૂક્યું હતું ત્યાંથી નિકોને લગભગ એક દશકા પછી કામ આગળ વધાર્યું. મીડિયા સ્ટોરેજ સાથેના કેમેરાની શોધ તેની લેબમાં થઈ. તેમાં 25 બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો સેવ થતા હતા પણ દુનિયાભરના માર્કેટમાં એ અવેલેબલ ન થયો. પ્રથમ વખત ટ્રેડ-શોમાં ડિજિટલ કેમેરા પ્રદર્શિત કરાયો હોય એવું 1988 માં બન્યું હતું. જાપાની કંપની ફૂજીફિલ્મનું DS-1P નામનું મોડેલ પ્રદર્શિત થયું હતું. તેને પૂર્ણ રીતે પ્રથમ ડિજિટલ કેમેરો કહેવાયો. 2MB ની મેમરી હતી અને રંગીન તસવીરો પાડી શકાતી હતી પરંતુ કોડાકની જેમ તેનું માર્કેટમાં ક્યારેય વેચાણ ન થયું.
કેનને 1986 માં RC-701 મોડેલ માર્કેટમાં મૂક્યું હતું. દેખાવમાં ખૂબ જ આકર્ષક આ કેમેરાને માર્કેટમાં પહોંચતા ઘણો સમય લાગ્યો હતો. એ દરમિયાન અન્ય કંપનીઓ પણ અપડેટેડ ટેકનોલોજી સાથેના મોડેલ લઈને માર્કેટમાં પહોંચી ચૂકી હતી. ‘ડિજિટલ કેમેરા’ નામથી માર્કેટમાં પ્રથમ કેમેરા મૂકવાનો દાવો સ્વિટ્ઝર્લેન્ડની કંપની ડાયકેમ કરે છે. લોજિટેક ફોટોમેન નામનો કેમેરા એ કંપનીએ 1990 માં લોંચ કર્યો હતો.
1991 માં કોડાકે ડિજિટલ કેમેરા સિસ્ટમની મદદથી ડિજિટલ કેમેરા માર્કેટમાં મૂક્યો પરંતુ તેની કિંમત $20,000 હતી. જે ભાગ્યે જ પરવડે તેમ હતી. તેની ખાસિયત 1.3 મેગાપિક્સેલની હતી. તેનો કેમેરા ખૂબ સ્ટ્રોંગ હતો અને એક્સપર્ટસે ફોટોનું રીઝલ્ટ ખૂબ વખાણ્યું હતું. ડિજિટલ કેમેરામાં ખરી ક્રાંતિ 1994માં આવી. એક તરફ એપલ અને કોડાક જેવી કંપનીઓ હતી, તો બીજી તરફ જાપાની કંપનીઓ પણ સ્પર્ધામાં ઊતરી હતી. એપલે ક્વિક ટેક નામથી મોડેલ અમેરિકાના માર્કેટમાં મૂક્યું. સામે કોડાકે પણ એસોસિએટ પ્રેસ સાથે ભાગીદારી કરીને AP NC-2000 મોડેલ રજૂ કર્યું. કોડાકના એ કેમેરાની કિંમત $17950 હતી. એસોસિએટ પ્રેસના સભ્યો માટે ડિસ્કાઉન્ટ કિંમત $16,000 હતી. આ કેમેરાના ભાવ ભલે ઊંચા હતા પણ તેની ટેકનોલોજી એ સમયના તમામ કહેવાતા ડિજિટલ કેમેરાથી આગળ હતી.
બીજી તરફ એપલના ડિજિટલ કેમેરાની કિંમત માત્ર $1000 હતી. એ પહેલો એવો ડિજિટલ કેમેરા હતો, જેનો ભાવ આસમાની નહોતો! ડિજિટલ કેમેરા મોંઘો જ હોય એવી એક માન્યતા જડ થઈ ચૂકી હતી પરંતુ એપલે એ માન્યતા ભાંગીને ભૂકો કરી દીધી. ‘ફર્સ્ટ મેઈનસ્ટ્રીમ ડિજિટલ કેમેરા’ એવા ટેગથી એપલે તેનો ભરપૂર પ્રચાર કર્યો. તેમાં ઝડપથી કલર ફોટો પાડી શકાતો હતો. એ કેમેરાને પર્સનલ કમ્પ્યુટર સાથે કેબલથી જોડીને તસવીર ટ્રાન્સફર કરી શકાય છે તેનુંય એપલે માર્કેટિંગ કર્યું હતું.
પછી તો જાપાની કંપની રીકોને સ્પર્ધામાં ઝુકાવ્યું. એપલના કેમેરા કરતાં ઘણી સારી ગુણવત્તાનો ડિજિટલ કેમેરા રીકોને $1500માં આપ્યો. એ દિવસોમાં અખબારોમાં કામ કરતા ફોટોગ્રાફર્સ માટે આ કેમેરા બહુ ઉપયોગી થઈ પડયો. એમાં માત્ર 5 સેકન્ડમાં ફોટો પાડી શકાતો હતો. ઓપરેટ કરવામાં બહુ જ સરળ એવો આ કેમેરો તુરંત લોકપ્રિય થયો. ડિજિટલ કેમેરાના ઉત્પાદનમાં 1999-2000 પછી તો બહુ જ ઝડપી પરિવર્તનો આવ્યાં.
મોબાઈલમાં કેમેરા આપવાનું શરૂ થયું ત્યાં સુધી પ્રથમ ડિજિટલ કેમેરાના ટેગ સાથે ઘણી કંપનીઓએ ઘણાં મોડેલ રજૂ કર્યા હતા. એમાંના ઘણા દાવામાં દમ પણ હતો. કંઈકનું કંઈક પ્રથમ વખત માર્કેટમાં આવતું હતું. પ્રથમ ડિજિટલ કેમેરા બ્લેક એન્ડ વ્હાઈટ હતો. તે પછી કલર મોડેલ આવે એટલે એ પણ પ્રથમ કલર ડિજિટલ કેમેરાનો દાવો કરે. મેમરી વધુ હોય તો એ પણ પ્રથમના ટેગનો ઉપયોગ કરે. એવા તો કેટલાક પરિવર્તનો આવતા ગયા. છેક ક્યોસેરાએ 1999માં પ્રથમ વખત મોબાઈલમાં કેમેરા આપ્યો ત્યાં સુધી આ સિલસિલો ચાલતો રહ્યો.
1999 માં જાપાની કંપની ક્યોસેરાએ વિઝ્યુઅલ-ફોન એટલે કે VP-210 નામનો મોબાઈલ માર્કેટમાં મૂક્યો તે સાથે જ ડિજિટલ કેમેરાના ક્ષેત્રે નવા અધ્યાયનો આરંભ થયો. ડિજિટલ કેમેરાની હોડ શમી ગઈ અને મોબાઈલમાં વધુ ને વધુ સ્ટોંગ કેમેરા આપવાની નવી સ્પર્ધા શરૂ થઈ. 2007 માં સ્ટીવ જોબ્સે આઈફોન માર્કેટમાં મૂક્યો ત્યારે તો ટેકનોલોજીના ક્ષેત્રનુ આખું ચિત્ર જ બદલાઈ ગયું. ભલભલી કંપનીઓએ નવેસરથી કેમેરા-ફોન-સ્માર્ટફોનના માર્કેટને મૂલવવું પડયું.
આજે ડિજિટલ કેમેરાનું માર્કેટ માત્ર 25% જ રહ્યું છે. પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે જરૂર જણાય તો જ લોકો કેમેરા ખરીદે છે. તે સિવાય મોબાઈલ કેમેરા પૂરતો થઈ પડે છે. એક દશકા પછી મોબાઈલમાં જ એટલા શક્તિશાળી કેમેરા આવી ચૂક્યા છે કે એટલી ક્ષમતા તો હજારો ડોલરના ડિજિટલ કેમેરામાં ય નહોતી.