Business

યુવાની દુનિયા બદલી શકે છે..!!

યુવાની દુનિયાને બદલી શકે છે એ વાક્ય ઘણાં બધાં ક્ષેત્રોમાં બરાબર લાગુ પડે છે. સિનેમા હોય કે સાયન્સ, સાહિત્ય હોય કે કલા. લેખન હોય કે લડત. ધર્મ હોય કે ઉદ્યોગ. યુવાનો દુનિયા બદલી શકે છે, બદલે છે. યુવા ઉંમરે આકાશ આંબવાનાં સપનાં સાકાર કરવા માટે આ સંદેશ પથદર્શક બનશે.

  • લક્ષ-નિર્ધાર – સ્વામી વિવેકાનંદના મતે વ્યક્તિનો ખરેખર જન્મ લક્ષની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, જેના જીવનમાં લક્ષ નથી એ તો રમતી ગાતી, હસતી બોલતી લાશ જ છે. જ્યારે વ્યક્તિ પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતી નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ.
  • આત્મવિશ્વાસ– જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે પોતાનો આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્વાસ વ્યક્ત કરવાનું જણાવે છે. શું આપણી ભીતર આ આત્મવિશ્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કેજીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાની-મોટી, સકારાત્મક-નકારાત્મક બધી જ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શક્તિને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.
  • સમર્પણ – કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ, પરંતુ થોડા સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભશૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.
  • સંગઠન – વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈ પણ ક્ષેત્રમાં, પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યક્તિગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે. પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફ્ટવેરનું, એને જ મહત્ત્વ મળે છે, જે ટીમ સ્પિરિટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્વના તમામ માનવસંસાધન તજ્જ્ઞો આજે એ જ ગુણને મહત્ત્વ આપે છે.

જો વર્તમાન સમયમાં ભારતનાં યુવાનો, સ્વામીજીના બતાવેલા આ યુવાયંત્રો, લક્ષ-નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર લાગશે નહિ. સ્વામી વિવેકાનંદની જયંતી આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને સમગ્ર વિશ્વને યુવાશક્તિથી સમૃદ્ધ કરીએ.

Most Popular

To Top