એક સમય હતો કે ડબિંગ કળાકારોની બહુ વેલ્યુ ન હતી પણ આજે એવું છે કે તમારી પાસે સારો અવાજ, શુદ્ધ ઉચ્ચારણ હોય, પાત્રોની સ્ટાઇલ પકડવાની ક્ષમતા હોય અને મુંબઇ કે હૈદ્રાબાદ, નોઇડા, ચેન્નઇમાં રહેતા હો તો બિઝી જ બિઝી. હવે હિન્દી વોઇસ ઓવર એજન્સી એકદમ ડિમાંડમાં છે અને વોઇસ સ્ટુડિયો દિવસ-રાત તમિલ, તેલુગુ, કન્નડ, ઇંગ્લિશ બોલતાં સ્ટાર્સને હિન્દીમાં બોલતા કરી દે છે ને આમીરખાન, સલમાનખાન હિન્દી બોલતાં હોય તો તમિલ, તેલુગુ બોલવા માંડે છે. હવે પાન ઇન્ડિયા ફિલ્મનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે આ ડબિંગ આર્ટિસ્ટો વિના શકય જ નથી.
સહુથી પ્રથમ ડાયલોગ્સના જે તે ભાષામાં અનુવાદ થાય એટલે પટકથાના અનુવાદ કરનારાની પણ મોટી જરૂર છે ને પછી આ ડબિંગવાળા આવે. આ ઇન્ડસ્ટ્રીને દક્ષિણની ફિલ્મોએ મોટી તક આપી પણ તે પહેલાં હોલીવુડની ફિલ્મો ડબિંગ આર્ટિસ્ટોને ખૂબ મહત્વની પૂરવાર થયેલી. આજે વોઇસ ઓવર એજન્સીને ટ્રાન્સલેશન કરનારા, ડબિંગ કરનારા, રૂપાંતર કરનારા, કાર્ટૂન માટે રેકોર્ડિંગ કરનારા, જાહેરાતો માટે અવાજ આપનારા ઉપરાંત વિડીયો ગેમ્સ, ઇ-લર્નિંગ વિડીયોસ અને ઓડિયો બુક માટે કામ કરનારાની જરૂર રહે છે.
હોલીવુડની ફિલ્મો શરૂમાં હિન્દી ડબ્ડ વર્ઝન તરીકે રજૂ થતી હવે તે તમિલ, તેલુગુ, બંગાળી, મલયાલમ ભાષામાં પણ રજૂ થાય છે અને ડબીંગ આર્ટિસ્ટને જેટલી વધુ ભાષા આવડે, પાત્રોને પકડતા આવડે તે વધારે કમારી કરે. જેમકે રાજેશ ખટ્ટર છે જેમણે ‘એવેન્જર્સ’માં રોબર્ટ ડોને જૂનિયરને યા ‘પાયરટ્સ ઓફ ધે કેરેબિયન’ સિરીઝમાં જહોની ડૅપના પાત્ર જેક સ્પેરોને અવાજ આપેલો. આ રાજેશ ખટ્ટર આમ તો અભિનેતા છે પણ આયરનમેન શ્રેણીમાં તે ટોની સ્ટાર્કનો અવાજ બન્યો પછી વોઇસ ઓવર માટે નામી થઇ ગયો. એજ રીતે મોહન કપૂર છે જે પણ હિન્દી ફિલ્મોના અભિનેતા જ છે પણ હવે ડબિંગ આર્ટિસ્ટ તરીકે કમાણી કરેછે.
તેમણે ‘ડાયહાર્ડ’ સિરીઝમાં બ્રુસ વિલીસના પાત્ર જહોન મેકલેનને, ‘ધ ડાર્ક નાઇટ રાઇઝીસ’માં ટોમ હાર્ડીના બેને પાત્રને અને ‘ડોકટર સ્ટ્રેન્જ’માં સ્ટિફન સ્ટ્રેન્જના પાત્રને અવાજ આપેલો. એવા આર્ટિસ્ટમાં સમયરાજ ઠકકર છે જેણે ‘બેટમેન’માં બેટમેન (ક્રિસ્ટીનબેલે), સ્પાઇડરમેન ૧-૨-૩ માં પિટર પાર્કરના પાત્રને, હેરી પોર્ટર શ્રેણીમાં ગેરી ઓલ્ડમેને ભજવેલા સિરીઅસ બ્લેકના પાત્રને, ‘બેટમેન વર્સિસ સુપરમેન’માં ડોન ઓફ જસ્ટિસ -બેટમેનના પાત્રને અને ‘એવેન્જર્સમાં માર્ક રુફાલોના ‘હલ્ક’ના પાત્રને અવાજ આપેલો.આવા તો ઘણા છે અને હા, અલ્લુ અર્જૂનને હિન્દી અવાજ બનનાર છે સંકેત મ્હાત્રે. તે મહેશ બાબુ, સૂરીયા અને એનટીઆર જુનિયરનો પણ અવાજ છે.
પણ ‘પુષ્પા: ધ રાઇઝ’માં અલ્લુ અર્જૂનનો અવાજ શ્રેયસ તળપદે બન્યો હતો. એજ રીતે ‘બાહુબલી’માં રાણા દગ્ગુબાલીને અવાજ મનોજ પાંડેનો છે. તો તેમાં પ્રભાસનો અવાજ શરદ કેળકરનો હતો. પણ રામચરણની ‘ધ્રુવા’ ફિલ્મ આવી હતી ને તેમાં રામચરણ માટે અજય દેવગણે ડબિંગનું કામ કરેલું તો તેમાં અરવિંદ સ્વામીનો અવાજ અરબાઝ ખાન બનેલો. આજકાલ ઘણા ડબિંગ આર્ટિસ્ટ ડરી રહ્યા છે કે જો આમાં પણ સ્ટાર વોઇસની બોલબાલા વધશે તો તેમના ધંધાનું શું થશે? ભૂતકાળમાં અમરીષ પુરી, નસીરુદ્દીન શાહ, ઓમપુરીએ જાણીતા પાત્રોને અવાજ આપ્યા છે. તમે બેન કિંગ્સલેને ‘ગાંધી’ તરીકે જોયા છે. ગાંધીનો એ હિન્દી અવાજ પંકજ કપૂરનો હતો તે ખબર છે?