Editorial

દુનિયામાં અત્યારે નેલ્શન મંડેલા કે મહાત્મા ગાંધી જેવા શાંતિદૂતોનીજરુર છે

અમેરિકાએ 33 વર્ષ પછી ફરી પરમાણું હથિયારોનું પરીક્ષણ શરુ કર્યું છે. રશિયાએ કોઇપણ મર્યાદા વગર ગમે ત્યાં પહોંચી શકે તેવી એન્ટી કોન્ટિનેન્ટલ ન્યુક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. બંદુકની એક ગોળી પણ બને તો તે કોઇના મોત માટે જ બનતી હોય છે ત્યારે આવી મિસાઇલનું સર્જન વિનાશ સિવાય બીજું કંઇ જ આપે તેમ નથી. યુક્રેન અને રશિયા એક બીજાના લોહીના તરસ્યા બન્યા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ લોહી વહી રહ્યું છે. હમાસ અને ઇઝરાયેલમાં પણ રોજ લોહિયાળ સમાચાર જ આવે છે ત્યારે દુનિયામાં શાંતિ અને અહિંસાના સમાચારની તાતી જરુરિયાત ઊભી થઇ છે. એટલે કે અત્યારે નેલ્શન મંડેલા અને મહાત્મા ગાંધી જેવા શાંતિદૂતોની ઝંખના લોકો કરી રહ્યાં છે. નેલ્સન મંડેલાને આફ્રિકાના ‘ગાંધી’ કહેવામાં આવે છે.

વિશ્વવ્યાપી શાંતિના રાજદૂત તરીકે જાણીતા, રંગભેદ સામેની લડતમાં નેલ્સન મંડેલાના યોગદાનને ભૂલી શકાય નહીં. ગાંધીની જેમ, મંડેલા પણ એક એવી વ્યક્તિ હતા જેમણે અહિંસાના માર્ગ પર ચાલ્યા. મંડેલાએ રંગભેદ સામે લડતા 27 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. શાંતિ માટે નોબેલ પુરસ્કાર મેળવનારા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાની જન્મજયંતિની ઉજવણી માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 18 જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસની  ઉજવણી કરવામાં આવે છે. તેનો નિર્ણય 18 જુલાઈ 2010 ના રોજ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય એક એવા મહાન વ્યક્તિના (Nelson Mandela) સન્માન માટે લેવામાં આવ્યો હતો જેમણે સામાન્ય લોકોની ભલાઈ માટે જ નહીં, પરંતુ તેની તેમણે કિંમત પણ ચૂકવી હતી. 1944 માં આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા પછી, નેલ્સન મંડેલાએ રંગભેદ સામે આંદોલન શરૂ કર્યું.

તે જ વર્ષે, તેમણે તેમના મિત્રો અને સાથીઓ સાથે આફ્રિકન નેશનલ કોંગ્રેસ યુથ લીગની સ્થાપના કરી. 1947 માં, તેઓ લીગના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા. 1961 માં, મંડેલા અને તેમના કેટલાક મિત્રો પર દેશદ્રોહ માટે કેસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ તેમાં નિર્દોષ જાહેર થયા. 5 August, 1962 ના રોજ, તેમને કામદારોને હડતાલ માટે ઉશ્કેરવા અને પરવાનગી વિના દેશ છોડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 1964 માં તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. રંગભેદ અને અન્યાય સામે લડત માટે 1964 થી 1990 સુધી, તેમણે જીવનના 27 વર્ષ જેલમાં પસાર કરવા પડ્યાં. તેને રોબબેન આઇલેન્ડની જેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમણે કોલસાની ખાણમાં મજૂર તરીકે કામ કરવું પડ્યું હતું.

આ દરમિયાન તેમણે ગુપ્ત રીતે પોતાની જીવનચરિત્ર લખી હતી. જેલમાં લખાયેલું તેમનું જીવનચરિત્ર 1994 માં ‘લોંગ વોક ટૂ ફ્રીડમ’ (Long Walk to Freedom) નામના પુસ્તકના રૂપમાં પ્રકાશિત થયું હતું. જેલમાં 27 વર્ષ વિતાવ્યા બાદ 11 ફેબ્રુઆરી 1990 ના રોજ તેમને છૂટા કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ પછી સમજૂતી અને શાંતિની નીતિ દ્વારા, તેમણે લોકશાહી અને વિવિધતાવાળા આફ્રિકાનો પાયો નાખ્યો. 1994 માં, દક્ષિણ આફ્રિકામાં બિન-રંગભેદની ચૂંટણી યોજાઇ હતી. આફ્રિકન નેશનલ કોંગ્રેસને 62 ટકા મતો મળ્યા અને બહુમતીથી તેમની સરકાર બનાવી. 10 મે 1994 ના રોજ, મંડેલા તેમના દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા હતા.

તેવી જ રીતે મહાત્મા ગાંધીનો સંદેશ આજીવન રહ્યો હતો કે, અહિંસા એ માનવજાત માટે ઉપલબ્ધ સૌથી મોટી શક્તિ છે. તે માનવ ચાતુર્ય દ્વારા શોધાયેલા વિનાશના સૌથી શક્તિશાળી શસ્ત્ર કરતાં વધુ શક્તિશાળી છે. ગાંધીજીએ 1920માં યંગ ઇન્ડિયામાં લખ્યું હતું. 1930ની દાંડી કૂચ હોય, જ્યારે હજારો લોકો મીઠાના કાયદાનો ભંગ કરવા માટે સમુદ્ર તરફ કૂચ કરી રહ્યા હતા, કે 1942ની ભારત છોડો ચળવળ હોય, જ્યારે આખું રાષ્ટ્ર એક થઈને ઉભું થયું હતું, મહાત્મા ગાંધીએ દર્શાવ્યું હતું કે નૈતિક શક્તિ એક પણ શસ્ત્ર ઉપાડ્યા વિના લાખો લોકોને પ્રેરિત કરી શકે છે. અને તેમનો સંદેશ ભારતની સરહદોથી પણ આગળ પહોંચ્યો.

મહાત્માથી પ્રેરિત થઈને, યુનાઇટેડ સ્ટેટ્સમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાને જાતિવાદ અને રંગભેદને પડકારવાની શક્તિ મળી. સંસ્કૃતિઓ અને પેઢીઓમાં, તેમનું ફિલસૂફી ટકી રહી છે, જે માનવતાને યાદ અપાવે છે કે અહિંસા નબળાઈ નથી, પરંતુ સૌથી ક્રાંતિકારી શક્તિ છે. નેલ્શન મંડેલા અને ગાંધીજીએ અહિંસાના માર્ગ ઉપર ચાલીને આજનો કોઇ લિડર કલ્પના પણ કરી નહીં શકે તેવી ઊંચાઇ મેળવી હતી. હવે દુનિયાને શાંતિની જરુર છે. આ શાંતિ કોઇ દેશ માટે નહીં પરંતુ સમગ્ર માનવ જાત માટે જરુરી છે. અત્યારે સમગ્ર દુનિયા રક્તરંજીત છે ત્યારે આવા શાંતિનો સંદેશ આપનારા નેતા શોધ્યા જડતાં નથી.

રશિયાએ અમર્યાદિત રેન્જ અને મહિનાઓ સુધી હવામાં રહેવાની ક્ષમતા ધરાવતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના જણાવ્યા અનુસાર, આ મિસાઇલ હાલમાં 14,000 કિલોમીટરની રેન્જમાં 15 કલાક ઉડાન ભરી હતી. આ સમય દરમિયાન બ્યૂરોવેસ્ટનિક નામની આ અદ્રશ્ય મિસાઇલ દુનિયાથી સંપૂર્ણપણે છુપાયેલી રહી હતી. પુતિને કહ્યું કે બુરેવેસ્ટનિક રશિયાની સુરક્ષાને નવી દિશા આપશે અને ટૂંક સમયમાં તેને સંરક્ષણ પ્રણાલીમાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. નિષ્ણાતો માને છે કે જો આ મિસાઇલ સંપૂર્ણપણે તૈનાત કરવામાં આવે તો તે અમેરિકાની સમગ્ર સુરક્ષા વ્યૂહરચનાને પડકાર આપી
શકે છે.

ઘણા પશ્ચિમી નિષ્ણાતોએ મિસાઇલની ક્ષમતાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમની દલીલ છે કે આટલી લાંબી રેન્જ અને પરમાણુ સંચાલિત મિસાઇલ રેડિયેશનનું જોખમ ઊભું કરી શકે છે. વધુમાં, મિસાઇલની ધીમી ગતિ તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે. આ મિસાઇલ અગાઉ ઘણી પરીક્ષણ નિષ્ફળતાઓનો અનુભવ કરી ચૂકી છે. આ એટલું ઘાતક શસ્ત્ર છે કે જેની વાત સાંભળીને અમેરિકા અને નેટો દેશો અચંબામાં મૂકાઇ ગયા છે અને અમેરિકાની સાથે હવે યુરોપના દેશો પણ આવા પરમાણું શસ્ત્રોની દોડમાં ફરી ઉતરી પડે તે છે. આ સારી વાત નથી આ માત્રને માત્ર અશાંતિનો જ સંદેશ આપે છે.

Most Popular

To Top