પૃથ્વી ઉપર પાર્સલ થયા એટલે ‘ટોલનાકા’ની માફક બંધનો તો આવવાના! ભગવાન દેખાતા નથી, છતાં પૂજન કરીએ, એમ બંધનો પણ છુપા રુસ્તમ જેવા. દેખાય નહીં પણ દેખાડવા બેસે ત્યારે શુભ ચોઘડિયા પણ કાળમાં ફેરવી નાંખે. ડગલે ને પગલે બંધનોની હારમાળા આવે. ક્યારેક તો, ગૂંગળાય જવાય યાર! પણ કરીએ શું? જીના ઉસીકા નામ હૈ! બંધનો સહન કરવા સહેલા નથી. માંહ્યલો અંદરથી મુંઝાય. છતાં તમાચો મારી ગાલ લાલ રાખવો પડે. જ્યારે ગુલાબના ગલગોટા જેવો ચહેરો, બાફેલા રીંગણાની માફક ચીમળાયેલો દેખાય, ત્યારે જ એની આડ અસર સમજાય! માથે દેડકુ ભાંગડા કરતું હોય, એમ વગર ઘડપણે કરચલીઓ પડવા માંડે. મગજનો કાંટો જ્યારે હલવા માંડે તો માનવું કે, જાતકને ‘બંધનના પાયે’ પનોતી બેઠેલી છે.
અમારા જેવા હાસ્યકારને એની ઓળખ જલ્દી થાય! માત્ર મને જ ખબર છે કે, હાસ્યકારો સંવેદનશીલ, સુધારક અને ચહેરા પારખું પણ હોય. કોઈનું પણ ડાચું જુએ એટલે કહી દે કે, ભાઈનું બંધન કેટલા કેરેટનું છે. હાસ્યકાર બધું સહન કરે પણ, કોઈનો તરડાયેલો ચહેરો જુએ ને, એને તમ્મર આવી જાય. બેભાન કર્યા વગર કોઈએ કીડની કાઢી લીધી હોય એટલી વેદના હાસ્યકારને થાય. મને એટલે તો આ હાસ્યાયન કરવાની ચળ ઉપડી! (ચળ ઉપડવી, એ પણ એક બંધન છે મામૂ..? તંઈઈ!) હાસ્યકાર કથાકાર બની જતો હોય એમ સલાહના રણશિંગા ફૂંકવા માંડે કે, મુસીબત તો દરેકના જીવનમાં હોય છે પણ તેના ય રસ્તા હોય છે પણ એ રસ્તા એને જ મળે છે, કે જેના ચહેરા સદા હસતા હોય છે. બંધન બુરી ચીજ હૈ દાદૂ! બંધન વગર જીવન શક્ય જ નથી.
નાનુ-મોટું દબાયેલું-કચડાયેલું, કે જુના ખરજવા જેવું કોઈને કોઈ બંધન તો દરેકને હોય! બંધન જીવતરનું ગ્રહણ છે. અમુક તો એવા બગડેલા ભીંડા જેવા કે, પોતે જ ગ્રહણ ઊભા કરે, ને પોતે જ તેમાં સપડાય! અમારા ચમનીયાએ, પોતે જ પોતાનું ઉપાર્જન કરેલું. તે બંધન હજી તેને નડે છે. હાડકે પીઠી લાગી ત્યારથી, સાસરા તેરા આશરાની માફક સાસરવાસમાં જ ધામો. ચમનીનું બંધન તો ખરું જ, સાથે સાસુજીના પણ અનેક બંધન. ‘એક ઉપર એક ફ્રી!’ જેવા! ભારતને મળેલી આઝાદીની ઉંમર અને મારી સંસાર-યાત્રાની ઉમર સરખી. કારણ કે, જે દિવસે આઝાદી મળેલી, એ જ દિવસે હું પરણીને ગુલામ બનેલો. અથવા કહો કે, ‘ સિંહે રૂડું જંગલ છોડીને, સરકસનાં પાંજરે પુરાવાનું બંધન સ્વીકારેલું. પરણ્યા પછી બંધનો વધ્યા હશે, નામશેષ થયા નથી. સેકેલો પાપડ ખાવા પણ હિંમત શોધવી પડે. શૈલીના ડોળા જોઇને જ પરસેવાના ઝરા ફૂટવા માંડે. સ્વચ્છંદ થવા ગયા તો, પાકિસ્તાનના યુદ્ધને પણ સારા કહેવડાવે એવા ગૃહ-યુદ્ધ થાય.
ટીવીની વાત કરું તો, ટીવીમાં મારે ક્રિકેટ કે સમાચાર જોવા હોય, પત્નીને સિરિયલ કે શોપિંગની જાહેરાતમાં ડોકા તાણવા હોય, બાને ‘ધાર્મિક’ ચેનલમાં ડાફોળિયાં મારવા હોય અને છોકરાઓને ‘ઉલલ્લા..ઉલલ્લા’ જેવા ગીતો સાંભળીને ઝુલતા પુલની જેમ નાચવું હોય, ત્યારે પાંચ પાંડવ અને એક દ્રૌપદી જેવી હાલત બિચારા ટીવીની થઇ જાય. ‘રીમોર્ટ’ પણ તકિયા નીચે લપાય જાય! ટીવીના હપ્તા ભલે આપણે ભરતા હોય પણ પસંદગીની ચેનલ પણ નહીં જોવાય, એવા કટ્ટર બંધન હોય! મગજમાં જજેલા તો ફૂટે પણ કરીએ શું? પરિવારને ખુશ રાખવું એ પણ એક બંધન જ છે ને? તમે ગમે એટલો મોટો ત્રિરંગો ફરકાવો, રાગડા તાણીને દેશ ભક્તિના ગીતો લલકારો છતાં, આઝાદી માત્ર બોલવામાં જ સારી લાગે, બાકી અનુભવવાનાં મામલે તો, હ્રદયમાં ‘બ્લોકેજ’ આવે એમ, વેદના જ આવે.
ભાત-ભાતના બંધનો આડા ફરી વળે! કુદરત જેવા કુદરત ભક્તોને ભક્તિના બંધનમાં રાખે તો બીજાની તો વાત જ શું કરવી? ગોળના માટલામાં બિલાડીનું ડોકું ફસાયું હોય એમ, આપણે તો માટલું ઊંચકીને ઘૂમરી જ મારવાની! સાલું જન્મે એટલે, નર્સ કે ડૉક્ટરનું બંધન, સહેજ વધ્યા એટલે મા-બાપનું બંધન, ભણવા ગયા તો, શિક્ષકનું બંધન, યુવાન થયા તો, પ્રેમિકાનું બંધન, હાડકે પીઠી લાગી ને ‘વાઈફ’ લાવ્યા તો, પત્નીનું બંધન, ઘરડા થયા એટલે ખાવા-પીવામાં બંધન! સવારની સુસ્તી ઉડાડવા માટે ચાનું બંધન, બ્રશ અને માથાબોળ નહાવાનું બંધન, કસરત કે યોગ કરવાનું બંધન, નોકરીએ સમયસર જવાનું બંધન, લક્ષાંક પૂરો કરવાનું બંધન, બોસની તુમાખી સહન કરવાનું બંધન, ભાવતું ખવાય નહીં ને પીરસેલુ ચવાય નહીં, આ પણ એક બંધન જ છે? આ તો બધા ખુલ્લા બંધન, બાકી અમુક તો એવા પણ બંધન હોય કે, જાણભેદુને પણ એની ખબર ના હોય! આવા ઢગલાબંધ બંધનો હોવા છતાં, જીવતા રહેવું પણ એક બંધન છે દાદૂ! જનમથી માંડીને સ્મશાનયાત્રા સુધી બંધનોની વળગાડ છૂટતી નથી મામૂ!
લાસ્ટ બોલ
મને સંસ્કૃત ભાષા શીખવો ને?
કેમ?
સ્વર્ગમાં ગયો તો દેવો સાથે ટાઈમ પાસ કરવાનું ફાવે..!
ધારો કે સ્વર્ગને બદલે નરકમાં ગયો તો? તો તો આપણી સુરતી ભાષા છે જ ને? નો ટેન્શન!
તારા કપાળમાં કાંદા ફોડું!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.