SURAT

સુરતઃ શેઠે કટ કરવા આપેલા લાખોના હીરા લઈ રત્નકલાકાર છૂમંતર થઈ ગયો

સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં રહેતા અને કતારગામમાં પીપલ્સ ચાર રસ્તા પાસે હીરાનું કારખાનું ધરાવતા કારખાનેદારને ઠગ રત્નકલાકાર ચૂનો ચોપડી ગયો હોવાની ઘટના સામે આવી છે. 15 વર્ષ અગાઉ તેની પાસે કામ કરતો અને ત્યારબાદ છેલ્લા છ-સાત દિવસથી કામ પર બેઠેલા રત્નકલાકારે કારખાનેદારના કારખાનામાંથી બે લાખના હીરાની ચોરી કરી પલાયન થઈ ગયો છે. જેથી ભોગ ભનનાર હીરાના કારખાનેદારે આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નોકર ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • સાત દિવસ પહેલાં બેઠેલો રત્નકલાકાર કળા કરી ગયો
  • કતારગામના હીરાના કારખાનામાંથી રત્નકલાકારે 2 લાખના હીરા ચોર્યા
  • જૂના કારીગર પર વિશ્વાસ કરવાનું કારખાનેદાર રમેશ જસાણીને ભારે પડ્યું

બનાવની વિગત એવી છે કે પાલ ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં રહેતા 40 વર્ષીય રમેશભાઈ પ્રેમજીભાઈ જસાણી કતારગામ પીપલસ ચાર રસ્તા પાસે આવેલા શક્તિ નગરમાં હીરાનું કારખાનું ચલાવે છે. કતારગામ પર વિજયનગર સોસાયટીમાં રહેતા પબીત્રકુમાર સંજયભાઈ થોપ 15 વર્ષ પહેલા તેમની પાસે રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. જે તે સમયે બે મહિના તેઓએ કામ કર્યું હતું અને ત્યારબાદ હીરામાં મંદી આવતાં તેઓ કામ છોડીને જતા રહ્યા હતા.

જોકે ત્યારબાદ સાત દિવસ અગાઉ પબીત્રકુમાર ફરીથી રમેશભાઈ પાસે આવ્યા હતા અને તેને કામ આપવા વિનંતી કરી હતી. જેથી રમેશભાઈએ જુનો કારીગર હોવાને કારણે તેને કામ પર રાખી દીધો હતો. દરમિયાન ગઈ તા. 6 જૂનના રોજ રાત્રે બે થી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન પબીત્રકુમાર નાઈટ પાળીમાં કામ પર બેઠો હતો ત્યારે રમેશભાઈએ તેને રૂપિયા બે લાખની કિંમતના 40.50 કેરેટના 1132 કાચા હીરા કટીંગ કરવા માટે આપ્યા હતા.

જોકે, રાત્રિના સમયનો લાભ ઉઠાવી પબીત્રકુમાર રૂપિયા બે લાખના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર રમેશભાઈએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top