ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વખત જાહેર મંચ પરથી કહ્યું હતું કે, ગુજરાતનાં બે સરકારી ખાતાંઓ બહુ “ખાય” છે. એક મહેસુલ ખાતું અને બીજું પોલીસ ખાતું. આમેય પોલીસ ખાતાની મથરાવટી મેલી રહી છે. સમગ્ર દેશમાં મુંબઈની પોલીસ વધુ બહાદુર અને હોશિયાર ગણાય છે, પરંતુ હમણાં ગુજરાત પોલીસની પીઠ થાબડવી પડે એવી ઘટના બની છે. વલસાડ, પારડી મોતીવાડાની એક યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી. વલસાડની સમગ્ર પોલીસ ટીમ છેલ્લા કેટલાય દિવસોથી આ હત્યાની મિસ્ટ્રી સુલઝાવવામાં રાત દિવસ એક કરી રહ્યા હતા પણ હત્યારાના સગડ મળતાં નહોતાં.
છેવટે પોલીસ ટીમની ભારે મહેનત બાદ હત્યારો ઝડપાયો. હત્યારો રાહુલ હરિયાણાનો વતની છે. તેણે છેલ્લા 30 દિવસમાં પાંચ હત્યાઓ કરી નાંખી હતી. હત્યારાએ આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને કલકત્તા જેવાં રાજ્યોમાં હત્યાને અંજામ આપ્યો હતો. જોવા જેવી વાત તો એ હતી કે આ બધાં રાજ્યોની પોલીસ હત્યારા સુધી પહોંચી નહોતી શકી પણ હત્યારાને ગુજરાત વલસાડમાં યુવતિની કરેલી હત્યા અને દુષ્કર્મ ભારે પડ્યાં. છેવટે ગુજરાત પોલીસે મર્ડર મિસ્ટ્રી ઉકેલીને હત્યારાને ઝડપી પાડ્યો.
એ બાબતે ગુજરાત વલસાડની પોલીસ અભિનંદનની અધિકારી છે. એક મહિનામાં પાંચ પાંચ હત્યા કરનારો હત્યારો સાયકો છે. હજુ પણ હત્યારો ન પકડાયો હોતે તો બીજી હત્યાઓ થવાની સંભાવના હતી. આવા સાયકો હત્યારાઓ છૂટા ફરે એ સમાજ માટે ઘાતક અને ખતરનાક સાબિત થઈ શકે એમ છે. હવે મૂળ સવાલ એ છે કે પોલીસની આટલી જહેમત બાદ પકડાયેલા આ ખૂની માનસિકતા ધરાવતા હત્યારાને ત્વરિત મૃત્યુદંડની સજા થશે કે પછી દેશની બહુ વગોવાયેલી લાંબી કાનૂની પ્રક્રિયાને કારણે હત્યારો જેલમાં રોટલા તોડશે.
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.