ઓલપાડ તાલુકાના કીમ ગામે બેફામ બનેલા એક સગીર કારચાલકે બજારના ભરચક વિસ્તારમાં રાહદારીને ઉડાવીને ભાગવા જતા ૪ જેટલા વાહનોને અડફેટે લેતા નાસભાગ મચી ગઈ હતી. લોકોએ કારચાલકને ઝડપી પાડી કીમ પોલીસને સોંપ્યો ત્યારે જાણ થઈ હતી કે કારનો ચાલક 16 વર્ષીય કિશોર છે.
ઓલપાડ તાલુકાના કીમ ગામે જી.જે. ૫. આર.એમ ૨૧૨૬ નંબરની એક કાર ૪ વાગ્યાના આસપાસ તપોવન સ્કૂલ નજીક રિવર્સ લેતા બસ સાથે ભટકાઈ હતી. ત્યાંથી ભાગવા જતા બે રાહદારી છોકરીને અડફેટે લીધી હતી. કાર ચાલકને રોકવા જતા ત્યાંથી તે કીમના ભરચક વિસ્તારમાં બજાર તરફ ભાગ્યો હતો. જ્યાં કીમ બજારના ભરચક વિસ્તારમાં પણ પુરપાટ ઝડપે કાર હંકારતાં એક બાદ એક ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. બજારમાં પુરપાટ ઝડપે કાર હંકારતા નાસભાગ મચી ગઈ હતી. બે બાઇક કાર નીચે આવી જતા છતાં કારચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકોએ દોડી આવી કાર ચાલકને પકડી પાડ્યો હતો અને તેને કીમ પોલીસ મથકે લઈ જવાયો હતો. મહત્વનું છે કે કારચાલક ૧૬ વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું હતું.
સગીર છેક કોસંબાથી કાર લઈને આવ્યો હતો, જાણ કરવા છતાં પરિજનો પોલીસમથકે પહોંચ્યા ન હતા. કીમ ગામમાં નાસભાગ મચવાનાર સગીર કોસંબાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આંબેડકર સ્ટેચ્યુ નજીક ઘરે કાર લઈ કીમ આવ્યો હતો. વાલીઓને જાણ કરવા છતાં કલાકો સુધી વાલીઓ કીમ પોલીસ મથક પહોંચ્યા ન હતા.
કીમ બજારમાં ભરચક ટ્રાફિક વચ્ચે મોટી જાનહાનિ સર્જાતા રહી ગઈ
કીમ બજારમાં બ્રિજ નીચેનો માર્ગ ગેરકાયદે અનેક લારી, ગલ્લા, તેમજ પાથરણાવાળા કબ્જો કરી બેઠા છે. મહત્વનું છે કે કીમ બજારના ચાર રસ્તા પર મુખત્વે વાહનચાલકો, રાહદારીઓ અવરજવર કરે છે. પરંતુ કીમ બજાર ચાર રસ્તા ઉપર ગેરકાયદે રોડ પર લારીઓ મૂકી ગેરકાયદે કબ્જો જમાવ્યો છે, જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા રહે છે.