Business

વિજ્ઞાનની અજાયબી ગણાય તેવા સુરતના અનેક અનોખા પ્રોજેક્ટ્સ, જોશો તો આશ્ચર્યચક્તિ થઈ જશો

જેણે સને 1930માં રામન ઈફેક્ટ શોધીને નોબેલ પ્રાઈઝ મેળવીને ભારતનું નામ રોશન કર્યું હતું તેવા દેશના જાણીતા ભૌતિકશાસ્ત્રી સર CV રામનની યાદમાં દર વર્ષે તા.28મી ફેબ્રુ.ને ‘નેશનલ સાયન્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. સને 1986થી દેશભરની સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં વિજ્ઞાનને લગતા વિવિધ કાર્યક્રમો દ્વારા ‘નેશનલ સાયન્સ ડે’ ઉજવવામાં આવે છે ત્યારે સુરતમાં પણ કેટલાક પ્રોજેક્ટ એવા છે કે જે સાયન્સ અને ટેકનોલોજી, ઈજનેરની દ્રષ્ટિએ દેશભરમાં અલગ છે ત્યારે આવો જાણીએ સુરતના આવા પ્રોજેક્ટ્સને કે જે દેશભરમાં અનન્ય છે

ગટરના પાણીથી પણ કમાણીનું ઉત્તમ ઉદાહરણ સુરતનો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ
સુરતના
પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને સુએઝનું રિસાઈકલ્ડ પાણી પુરૂં પાડવા માટે સુરત મહાપાલિકા દ્વારા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આખા દેશમાં પ્રથમ સુરત મનપા આ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને એક લાખ મિલિયન લિટર પુરૂં પાડી મનપાએ 265 કરોડની રૂપિયાની કમાણી કરી છે. સાથે સાથે નવા વિક્રમો પણ બનાવ્યા છે. સુરત મહાપાલિકાના પગલે ચેન્નઇમાં ચાલીસ એમએલડીનો ટર્શરી પ્લાન્ટ કાર્યરત થઇ ચૂક્યો છે. જ્યારે ગાઝીયાબાદમાં ટૂંક સમયમા પ્લાન્ટ કાર્યરત થશે. ચેન્નઇમાં પ્રતિ કિલોલિટરે 100નાં ભાવે ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે. જ્યારે સુરતમાં રૂપિયા 32ના ભાવે પાણી પૂરૂ પાડવામાં આવે છે. વાજબી ભાવ હોવાથી ઉદ્યોગો પર વધારાનું ભારણ પડ્યું નથી. સુરત મનપાની આ ઉદ્યોગોને રિસાઈકલ્ડ પાણી પુરૂં પાડવાની યોજનાની દેશભરમાં નોંધ લેવામાં આવી છે. હાલમાં મનપા દ્વારા ઉદ્યોગોને 115 એમએલડી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા રિસાઈકલ્ડ થયેલું પાણી અપાઈ રહ્યું છે.

પહેલા માળે ટ્રેન ધરાવતું સુરતનું રેલવે સ્ટેશન એક અજાયબી સમાન
આખા દેશમાં
જ્યાં ટ્રેન આવીને ઊભી રહે ત્યાં રેલવે સ્ટેશન હોય. પરંતુ સુરત એવું શહેર છે કે રેલવે સ્ટેશન તો છે, પરંતુ ટ્રેન આ રેલવે સ્ટેશનના પહેલા માળે આવે છે. આજના સમયમાં મેટ્રોના સ્ટેશન એલિવેટેડ હોય છે પરંતુ સુરતનું આ રેલવે સ્ટેશન અનોખું છે. સને 1860માં આ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જ્યારે એ રેલવે સ્ટેશન બન્યું ત્યારે આખા દેશમાં રેલવે ટ્રેનની હજી શરૂઆત જ હતી. જે રીતે પહેલા માળે ટ્રેન દોડે તેવું આયોજન કરાયું તે તે સમયની ઈજનેરી દ્રષ્ટિએ એક અલગ પ્રયોગ હતો અને આજે પણ તે અજાયબી જ છે. સુરતનું રેલવે સ્ટેશન અને પહેલા માળેથી પસાર થતી ટ્રેન આખા દેશ માટે યુનિક છે. દેશમાં કોઈપણ ઠેકાણે આ રીતે ટ્રેન ચાલતી નથી. કદાચ વિદેશમાં પણ આવી રીતે પહેલા માળે ટ્રેન ચાલતી હોય તેવા કોઈ જ રેલવે સ્ટેશન નથી. સુરત રેલવે સ્ટેશનનું બાદમાં જોકે, નવિનીકરણ પણ કરવામાં આવ્યું હતું તેમ છતાં ઈજનેરી દ્રષ્ટિએ સુરત રેલવે સ્ટેશન અને રેલવે ટ્રેક અનન્ય છે.

એક જ પિલર પર બે સદીથી ઊભી છે રાંદેરની મસ્જિદ
સુરતના
રાંદેર વિસ્તારમાં આવેલી મસ્જિદ માત્ર એક જ પિલર પર ઊભી છે. આશરે ૪૦૦ વાર જેટલી જગ્યામાં બેનમૂન કોતરણી સાથે સાકાર થયેલી આ મસ્જિદ ગુજરાતમાં બે સદી પહેલાં પણ કેવા સ્થાપત્યકારો હતા તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ મસ્જિદમાં એક ગર્ભગૃહ આવેલું છે, જેમાં મસ્જિદનો પાયાનો સપોર્ટ પૂરો પાડતો એકમાત્ર પિલર છે. પિલરની ચોપાસ ગુંબજ આકારે બાંધકામ કરી ગર્ભગૃહનું નિર્માણ કરાયું છે. આ ગર્ભગૃહની ઉપર વિશાળ અને અદભૂત કોતરણી સાથે ભવ્ય મસ્જિદ બનેલી છે. રાજ્ય સરકારે આ મસ્જિદને રાજ્યની બેનમૂન ઐતિહાસિક ઇમારતોની યાદીમાં સમાવી છે. અને ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે સરકારે ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર આ મસ્જિદ સાથે દક્ષિણ ગુજરાતના નેશનલ હાઇવે પર મૂકવામાં આવી હતી.

રાજ્યનો પ્રથમ નદી પરનો રિઅલ કેબલ સ્ટેઈડ બ્રિજ સુરતનો છે
સુરતમાં
તાપી નદી પર જે કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવવામાં આવ્યો છે તે ગુજરાત રાજ્યનો નદી પરનો ખરો પ્રથમ કેબલ સ્ટેઈડ બ્રિજ છે. આ બ્રિજમાં ૧૫૦ મીટરનો મુખ્ય સ્પાન બે પિલર પર સપોર્ટ વગર ઉભો છે. તે આ બ્રિજની ખાસીયત છે. કેબલ ઉપર જ બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ માત્ર કોલકતામાં છે. કુલ ૯૧૮.૨૧ મીટર લંબાઇના બ્રિજની બંને તરફ બે-બે મીટરની ફુટપાથ છે. ૩૦૦ મીટરનો ભાગ પાણીની ઉપર આવે છે. બ્રિજમાં કુલ ૮૮ ટન વજન ધરાવતા ૧૬૩૨ કેબલનો ઉપયોગ થયો છે. આ બ્રિજમાં ૬૫ હજારથી વધુ સિમેન્ટની બેગ વપરાઈ છે. ૨૦૦૦ ટન સ્ટ્રકચરલ સ્ટીલનો વપરાશ થયો છે. બ્યુટિફિકેશન માટે કોનિકલ સ્ટ્રીટ લાઇટ પોલ મુકાયા છે. પોલ પર કારમાં કરાતા પીયુ કોટિંગ પેઇન્ટનો ઉપયોગ કરાયો છે. બ્રિજની બંને તરફ ૧૧૫ ફુટ ઉંચા બે પાઇલોન છે. એક પાયલોનમાં બંને તરફ ૧૦-૧૦ એમ બંને પાઇલોનમાં ૨૦-૨૦ કેબલનો ઉપયોગ થયો છે  – સ્ટેસીંગ માટે વધારાના ૧૦૨ જેટલા કેબલનો ઉપરાશ થયો.

Most Popular

To Top