નવા વરસના શુભ સમાચાર. બારડોલી તાલુકાના સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું નાનકડું નાની ભટવાલ ગામ આજે રાજ્યભરમાં શિક્ષણના મોડેલ તરીકે ઊભરી આવ્યું. જેનું શ્રેય ત્યાંના સ્વપ્નદ્રષ્ટા યુવા સરપંચ શ્રી અંકિતભાઈ ચૌધરીને જાય છે.ગામના વહીવટ દરમ્યાન તેમણે જોઈ લીધું કે ગામનાં આર્થિક રીતે નબળાં યુવાનો શિક્ષણથી વંચિત રહે છે, જે માટે કંઈક કરવું જોઈએ. લોકો અને જાત સાથે ખૂબ વિચારવિમર્શ કર્યા પછી તેમણે વ્યક્તિગત રૂા. 30,000/-ની લોન લીધી. તે રકમમાંથી ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓનું સમારકામ કરાવી, પુસ્તકો વસાવી 15-08-21થી ત્યાં પુસ્તકાલય શરૂ કર્યું.
વત્તા પોલીસ અને લશ્કરી ભરતી માટે ગામમાં મેદાન તૈયાર કરી કોચ રાખી ગામના યુવાનોને યોગ્ય તાલીમ આપવાની વ્યવસ્થા શરૂ કરી. ફળસ્વરૂપે આજે પુસ્તકાલયમાં પાંચ હજારથી વધુ પુસ્તકો છે જેનો દરરોજ 80 વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. ગામમાં સુલભ પુસ્તકાલય અને મેદાન વત્તા કોચની સગવડનો લાભ લઈ અત્યાર સુધીમાં 78 યુવાનો પોલીસ તથા સરકારી કચેરીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરી રહ્યા છે.સ્વપ્નદ્રષ્ટા અંકિતભાઈની લગન અને મહેનત જોઈ જાણી સરકારના જિલ્લા વિકાસ અધિકારીએ નાની ભટવાલ ગામમાં પુસ્તકાલયના મકાન માટે તથા બહારથી આવતાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા મંજૂર કરી છે. શ્રી અંકિતભાઈની દીવાદાંડીરૂપ કામગીરીમાંથી પ્રેરણા લઈ અન્ય ગામના સરપંચો આવી કામગીરી કરશે એવી આશા અપેક્ષા.
વ્યારા – પ્રકાશ સી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.