નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે મહિલાઓને “ખરાબ સ્પર્શ”થી બચાવવા અને પુરુષોના ખરાબ ઈરાદાઓને રોકવા માટે એક પ્રસ્તાવ આપ્યો છે. આ મુજબ પુરૂષો (મેલ ટેલર્સ)એ મહિલાઓના કપડા ન સ્ટીચ કરવા જોઈએ અને ન તો તેમના વાળ કાપવા જોઈએ. આ દરખાસ્ત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે રજૂ કરી હતી, જેને બેઠકમાં હાજર અન્ય સભ્યોએ ટેકો આપ્યો હતો.
ગઈ તા. 28 ઓક્ટોબરે યોજાયેલી મહિલા આયોગની બેઠક બાદ આવા ઘણા સૂચનો આપવામાં આવ્યા હતા, જેમાં પુરૂષોને મહિલાઓનું માપ ન લેવા દેવા અને દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે અને મહિલા આયોગ બાદમાં રાજ્ય સરકારને આ અંગે કાયદો બનાવવા વિનંતી કરશે.
મહિલા આયોગના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે. આ સંદર્ભમાં યુપી મહિલા આયોગના સભ્ય હિમાની અગ્રવાલે શુક્રવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું તાજેતરમાં યોજાયેલી મહિલા આયોગની બેઠકમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે માત્ર મહિલા દરજીઓએ જ મહિલાઓ દ્વારા પહેરવામાં આવેલા કપડાને માપવા જોઈએ. તેમજ દુકાનમાં સીસીટીવી લગાવવા જોઈએ.
હિમાની અગ્રવાલના જણાવ્યા અનુસાર અમે એમ પણ કહ્યું છે કે સલૂનમાં માત્ર મહિલા વાળંદે જ મહિલા ગ્રાહકોની કાળજી લેવી જોઈએ. કારણ કે, અમે માનીએ છીએ કે આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા પુરુષોના કારણે મહિલાઓની છેડતી થાય છે. તેઓ (પુરુષો) ગેરવર્તન કરવાનો પ્રયાસ કરે છે. કેટલાક પુરુષોના ઈરાદા પણ સારા નથી હોતા. જોકે, તેણે એમ પણ કહ્યું કે એવું નથી કે બધા જ પુરુષોના ઈરાદા ખરાબ હોય છે.
રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષે શું કહ્યું?
રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે આ મામલે કહ્યું કે જ્યાં મહિલાઓ જાય છે ત્યાં જિમમાં મહિલા ટ્રેનર હોવા જોઈએ. તમામ જીમ ટ્રેનર્સનું પોલીસ વેરિફિકેશન કરાવવું જોઈએ. જો કોઈ મહિલા પુરૂષ ટ્રેનર પાસેથી તાલીમ લેવા માંગતી હોય તો તેણે લેખિતમાં આપવાની રહેશે. કારણ કે, મહિલા આયોગને જીમમાં જતી મહિલાઓ અને છોકરીઓના શોષણની સતત ફરિયાદો મળી રહી છે, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉપરાંત દરજીની દુકાનમાં જ્યાં મહિલાઓના કપડાં સિલાઇ કરવામાં આવે છે, તે સુનિશ્ચિત કરવું જોઈએ કે માપ લેવા માટે મહિલા દરજીની નિમણૂંક કરવામાં આવી છે. આટલું જ નહીં જે સ્કૂલ બસમાં છોકરીઓ મુસાફરી કરે છે તેમાં મહિલા કર્મચારીઓ હોવા જોઈએ. હાલમાં મહિલા આયોગે તમામ જિલ્લાઓને આ અંગે આદેશો આપ્યા છે. જે સહમત નહીં થાય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે