SURAT

કોરોનામાં મહિલાનું મોત થયું અને શરીર પરથી ઘરેણાં ચોરાઈ ગયા

SURAT : કોવિડ હોસ્પિટલ ( COVID HOSPITAL ) માં કોવિડથી મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે હવે મૃતકોના દાગીના પણ ચોરી થવાની ઘટના બની છે. વરાછામાં રહેતા એક મહિલાને દાખલ કરાયાના ગણતરીના કલાકોમાં જ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 16 કલાકથી પણ વધુ ડેડબોડી હોસ્પિટલમાં રાખીને પરિવારને ધરમના ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મૃતક મહિલાના શરીરેથી સોનાના દાગીના પણ ચોરાઇ ગયા હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત પ્રતિદિન નવી સિવિલ હોસ્પિ.માં સિત્તેર કરતાં વધારે લોકો મરી રહ્યા છે ત્યારે આ લાશ લેવા માટે ચોવીસ કલાક કરતા વધારે સમય લાગી રહ્યો છે. આમ પોતાના આપ્તજનને મેળવવા માટે પણ પરિવારજનોએ લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે.

વરાછા આશાપુરી વિસ્તારમાં ખોડિયાર નગરમાં રહેતા જયાબેન ગોવિંદભાઇ વાઘાણીની સોમવારે રાત્રિના સમયે વધારે તબિયત ખરાબ થતા તેને તાત્કાલિક નવી સિવિલ કેમ્પસ ( CIVIL CAMPUS ) ની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. બીજા દિવસે સવારે એટલે કે મંગળવારે સવારે 10 વાગ્યાના અરસામાં જયાબેનનું મોત થયાના સમાચાર આવ્યા હતા. પરિવારના સભ્યો કોવિડ હોસ્પિટલમાં ગયા ત્યારે તેઓને થોડી રાહ જોવા માટે કહેવાયું હતું. બાદમાં રાત્રિના 10 વાગ્યા છતાં પણ ડેડબોડી આપવામાં આવી ન હતી. ત્રીજા દિવસે એટલે કે બુધવારે સવારે સાડા દસ વાગ્યે ડેડબોડી ( DEAD BODY ) પરિવારને સોંપવામાં આવી હતી. જયાબેનના પરિવારજનોએ બોડી ચેક કરતા જયાબેનના શરીર પરથી કાનમાંથી સોનાની બુટ્ટીઓ ગાયબ હતી. આ બાબતે સ્ટાફને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તેઓએ કોઇ ધ્યાન આપ્યું ન હતું અને ઉતાવળે બોડી સોંપીને એમ્બ્યુલન્સમાં રવાના કરી દીધી હતી. બપોર સુધી ડોક્ટરો તેમજ હેલ્પ ડેસ્કમાં વારંવાર ફરિયાદો છતાં પણ કોઇ જવાબો આપવામાં આવ્યા ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં.

સુરતમાં સતત કોરોના દર્દીનો વધારો થઈ રહ્યો છે અને કોરોના સારવાર દરમિયાન દર્દીના મોત પણ થઈ રહ્યા છે. જોકે કોરોના સારવાર દરમિયાન મોત થતા તેમની ડેટબોડી પરિવારને બતાવામાં આવતી નથી, ત્યારે આજે એક પરિવારને તેમની માતાની ડેથબોડી બતાવતા માતાના કાનમાંથી સોનાનાની બુટ્ટી ચોરી થયાનું માલુમ પડ્યું હતું. સુરત શહેરના ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સંગ્રામ પુરા વિસ્તારમાં રહેતા જરીવાળા પરિવારની માતા શોદાબેન બાબુભાઇ જરીવાળા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગત તારીખ 24મીએ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ગતરોજ તેમનું કોરોના સારવાર દરમિયાન મોત થયું હતું. જરીકામ સાથે સંકળાયેલ વૃધ્ધાના ત્રણેય દીકરાને માતાએ પોતાની અંતિમ ઈચ્છા કહી હતી કે મારા ગુજરી ગયા બાદ પણ કાનમાંથી સોનાના બુટ્ટી કાઢવી નહીં અને બુટ્ટી સાથે જ અંતિમ વિધિ કરવી.

Most Popular

To Top