SURAT

પતિ અને બે બાળકોને છોડી પ્રેમી પાસે જતી રહેલી વરાછાની પરિણીતાને મળ્યો દગો!

સુરત: પ્રેમમાં અંધ થઈ પતિ અને બે બાળકોને છોડી પ્રેમી પાસે મહારાષ્ટ્ર રહેવા જતી રહેલી પરિણીતાને દગો મળ્યો છે. પોતે કુંવારો હોવાનું કહી પાડોશમાં રહેતા યુવાને પરિણીતા સાથે પ્રેમસંબંધ રાખ્યો હતો. આ સંબંધમાં બંનેએ તમામ હદો વટાવી દીધી હતી. પરિણીતા પ્રેમીના પ્રેમમાં એ હદે પાગલ થઈ ગઈ હતી કે તે પતિ અને બે બાળકોને છોડી પ્રેમી પાસે મહારાષ્ટ્ર રહેવા જતી રહી હતી, પરંતુ ત્યાં જઈ પ્રેમીની અસલિયતનો ભાંડો ફૂટ્યો હતો અને પરિણીતાનું બધું જ લૂંટાઈ ગયું હતું. આ કિસ્સાની વરાછા વિસ્તારમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

વાત એમ છે કે મહારાષ્ટ્રમાં જન્મેલી મહિલાના લગ્ન દસ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં રહેતા જયેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. જયેશ ઝવેરી તરીકે કામ કરતો હતો. દાંપત્ય જીવન દરમિયાન બે પુત્રોનો જન્મ થયો હતો. દરમિયાન મહિલાને ચાર વર્ષ પહેલા પડોશમાં રહેતા એક મહારાષ્ટ્રીયન યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમીએ પોતે કુંવારો હોવાનું કહી પરિણીતાને ફસાવી હતી. બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. દરમિયાન યુવક પરત પોતાના વતન મહારાષ્ટ્રના ભુસાવલ જતો રહ્યો હતો.

જોકે, પરિણીતા અને તેના પ્રેમી યુવક વચ્ચે મોબાઈલના માધ્યમથી સંપર્ક જળવાયેલો હતો. દરમિયાન એક મહિના પહેલા પરિણીત મહિલા તેના પતિ અને બે બાળકોને છોડીને પ્રેમી સાથે જીવન શરૂ કરવાના સપના સાથે ઘરમાં કોઈને કશું પણ કહ્યા વિના પ્રેમી પાસે મહારાષ્ટ્ર જતી રહી હતી. એકાએક પરિણીતા મહારાષ્ટ્ર પહોંચી જતા પહેલાં તો પ્રેમીએ તેનાથી અંતર બનાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિણીતા નહીં માની હતી. દરમિયાન પ્રેમી યુવક પરિણીત અને બે સંતાનોનો પિતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પ્રેમીની કાળી હકીકત સામે આવતા પરિણીતાનું મન ભાંગી ગયું હતું, પરંતુ તે પાછી ફરી શકે તેમ નહોતી. દરમિયાન પ્રેમીએ પરિણીતા પાસે ખેતરમાં મજૂરી પણ કરાવી હતી. 20 દિવસ સુધી ખેતરમાં મજૂરી કર્યા બાદ પરિણીતાને પોતાના બાળકો યાદ આવ્યા અને તે ઘરે પરત ફરી હતી.

આ તરફ પરિણીતા ગૂમ થઈ ગઈ હોવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. પરિણીત મહિલા સીધી વરાછા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોલીસને તેના પતિના ઘરે લઈ જવા વિનંતી કરી હતી. જોકે, પત્નીના પ્રેમકાંડનો ખુલાસો થતાં પતિ જયેશે બેવફા પત્નીને સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરિણીતાની સ્થિતિ ન ઘરની ન ઘાટની જેવી થઈ હતી. દરમિયાન પરિણીતાને સિવિલ કેમ્પસમાં આવેલા મહિલા અને બાળ સશક્તિકરણ કેન્દ્રમાં આશરો આપવામાં આવ્યો હતો.

કેન્દ્રમાં ચાર દિવસ દરમિયાન પરિણીતા અને તેના પતિનું કાન્સેલિંગ કરાયું હતું. આખરે સંતાનોના ભવિષ્ય માટે પતિએ ઉદાર મન દાખવી પત્નીને માફ કરી હતી અને પોતાના ઘરે પાછો લઈ ગયો હતો. આમ, આખરે એક ઘર ભાંગતું બચ્યું હતું.

Most Popular

To Top