Charchapatra

જાહેરાતોની માયાજાળ

તા. 22 જાન્જુઆરી, 23ના ગુજરાતમિત્રમાં પ્રકાશિત સમાચાર મુજબ એડવર્ટાઇઝમેન્ટ અંગે સરકારે માર્ગદર્શિકા જારી કરી છે જે અન્વયે હવે સેલિબ્રિટિઝ તે વસ્તુઓનો જ પ્રચાર કરી શકશે જે વસ્તુ તેમણે પોતે વાપરી હોય. આ સરકારનું ઘણું સ્તુત્ય પગલુ કહી શકાય. કેમકે સમાજના બહુધા લોકોના રોલ મોડેલ ક્રિકેટ, ફિલ્મી કલાકારો કે અન્ય ક્ષેત્ર પ્રસિધ્ધ સેલિબ્રિટીઝ હોય છે. જેઓ સારા નરસાનો વિચાર કર્યા વિના પોતાના માનીતાચહિતા એડર્વટાઇઝર દ્વારા પ્રચાર કરાતી ચીજવસ્તુઓ ખરીદ કરી વાપરવામાં ગર્વ પણ માને છે. હવે આ ચીજવસ્તુઓ સેલિબ્રિટીઝ યુઝ ન પણ કરતા હોય. તેમનું તો એડર્વટાઇઝ એ રૂપિયા કમાવાનું માધ્યમ માત્ર હોય છે. પોતાની લોકપ્રિયતાને વટાવી આ સેલિબ્રિટીઝ જાહેરાતોની એવી લલચામણી ભ્રામક માયાજાળ ઉભી કરે છે જેમાં સામાન્ય લોકો આબાદ ભ્રમિત થઇ ફસાઇ જાય છે.

કયારેક એના દુષ્પરિણામ પણ આવે છે. આ અન્વયે બહુ સૂચક રીતે થોડા સમય પહેલાં ત્રણ લોકપ્રિય ફિલ્મી કલાકારો દ્વારા સિગારેટની જાહેરાત પ્રસારિત કરવામાં આવી હતી. બાદમાં ઘણા ઉહાપોહને અંતે એક કલાકાર માફી માંગી જાહેરાતમાંથી હટી ગયા હતા. વળી એડર્વટાઇઝ માટે સેલિબ્રિટીઝ લાખો, કરોડોની માંગ કરે છે. ઉત્પાદકો પોતાની પ્રોડકટનું માર્કેટ તગડું કરવા તે સ્વીકારે છે. અંતે કોઇપણ પ્રચારિત વસ્તુ તેની મૂળ કિંમત કરતા અનેકગણી મોંઘી થઇ માર્કેટમાં આવે છે. ઘણીવાર ખાદ્ય વસ્તુઓ કે દવા જેવી પ્રચારિત વસ્તુઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે એ નિર્વિવાદ છે. આ માટે જાહેરાતમાં ખોટી માહિતી આપવા બદલ સરકાર દ્વારા દંડની સંહિતા ખરેખર આવકારદાયક પગલુ કહી શકાય.
સુરત     – કલ્પના બામણીયા  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભારત જોડો યાત્રા
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે. કોંગ્રેસના જે પણ કોઈ વરિષ્ઠ આગેવાન કે પછી રાહુલ ગાંધીના પોતાના વિચારોથી આ યાત્રા થઈ રહી છે તે જે પણ હોય પરંતુ,યાત્રા નું શીર્ષક,ઉદેશ્ય અને પગપાળા જવાની વાત ભારતીયો ને સાચેજ પસંદ આવી રહી છે. આ યાત્રા દેશ માટે,દેશમાં એક મજબૂત વિપક્ષ માટે, લોકશાહી માટે તેમજ કોંગ્રેસના અસ્તિત્વ માટે જરૂરી છે.ખરેખર દેશમાં ખાસ કરીને અમુક મિડીયા દ્વારા જે નફરતની રાજનીતિ કરવામાં આવી રહી છે તેની સામે ગાંધીગીરી ના માર્ગે લોકોમાં પ્રેમની,ભાઈચારા ની લાગણી જન્મે તે જરૂરી છે. દેશમાં આ યાત્રા ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.  સાચા અર્થમાં ભારત ત્યારે જોડાશે જયારે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે વિચારોના મતભેદ હોય શકે પરંતુ મનભેદ ન રહેવા જોઈએ.
સુરત     – કિશોર પટેલ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top