Business

માર્ગ ખુશીઓ ફેલાવાનો

એક પ્રેમદાયી મા તરીકે પ્રખ્યાત સાધ્વીજી હતાં.તેઓ પોતાના ઉપદેશમાં રોજ પ્રેમ ફેલાવાનો સંદેશ આપતા અને પોતાના બધા શિષ્યો,ભક્તો ,મુલાકાતીઓને સ્નેહભર્યું આલિંગન આપી તેમના મનને શાતા આપતા.તેમની ખ્યાતિ ચારે બાજુ ફેલાયેલી હતી અને અમુક લોકો તેમની ટીકા પણ કરતા.પણ મા તો પોતાનું કાર્ય પોતાની રીતે કરતાં જતાં અને બધાને પ્રેમ આપી આનંદ અને ખુશીનો અનુભવ કરાવતા. એક દિવસ પ્રવચન પૂરું થતાં તેઓ પોતાના દરેક મુલાકાતીઓને એક પછી એક પ્રેમના આલિંગન રૂપી ખુશી આપી રહ્યા હતા.તેમના એક શિષ્યે પૂછ્યું,”મા,પોતાની જાતે ખુશ રહેવાનો રસ્તો કયો છે.” પ્રેમદાયી મા એ હસીને જવાબ આપ્યો, “જાતે ખુશ રહેવું તો બહુ સહેલું છે.સઘળું જીવનમાં જે આવે …જે મળે….તે જેમ છે તેમ સ્વીકારી લો અને જીવનમાં તમારી સાથે જે કંઈ બને, કોઈ પણ જે કંઈ કરે…ક્યારેય ન્યાયાધીશ ન બનો..તુરંત કોઈ નિર્ણય ન લો.”

બીજા શિષ્યે પૂછ્યું, “મા, જાતે ખુશ તો રહીએ પણ અન્યને વધુ ખુશી આપી શકીએ અને જાતને પણ વધુ ખુશ રાખી શકીએ તેવો કોઈ રસ્તો બતાવો.” મા એ પ્રેમભર્યું આલિંગન આપી કહ્યું, “બેટા,આ તો વધુ સહેલું છે.બીજાને ખુશી આપવાની ભાવના જ મનમાં ઊગે તે પળ જ ખુશી મળવાની શરૂઆત છે અને જો તમારે બધાને ખુશી આપવી હોય અને પોતે પણ ખુશ રહેવું હોય તો બધાને માફ કરતાં શીખો.બધું ભૂલી જઈ કોઈ પણ ભૂલ માટે અન્યને ક્ષમા આપી દો.તમે બીજાને પણ ખુશી આપી શકશો અને મનમાં પણ શાંતિ અને ખુશીની લહેર અનુભવી શકશો.”

ત્રીજા શિષ્યે પૂછ્યું, “મા, દુનિયામાં બધાને ખુશી આપવી હોય અને પોતે પણ મહત્તમ ખુશી મેળવવી હોય તો શું કરવું?” પ્રેમદાયી મા બોલ્યાં, “દુનિયાભરની ખુશી મેળવવાનો રસ્તો છે દુનિયામાં બધાને પ્રેમ કરો …દરેક વસ્તુને ચાહો…..પ્રેમ આપવાથી તમે બધાને ખુશી આપશો અને પોતે મહત્તમ ખુશી મેળવી શકશો.પ્રેમ એકમાત્ર પ્રેમ ખુશી મેળવવાનો અને આપવાનો રસ્તો છે.” પ્રેમ નિખાલસ ,નિ:સ્વાર્થ પ્રેમનું મહત્ત્વ સમજાવતાં પ્રેમદાયી મા બોલ્યાં, “પ્રેમ મહત્ત્વની લાગણી છે.પ્રેમ રંગથી રંગાઈ જાવ અને અન્યને રંગી નાખો તો જીવનમાં ખુશી જ ખુશી હશે અને અન્યને પણ ખુશી આપી શકશો.આ પ્રેમ જ વ્યક્તિથી….જન જન સુધી …. પ્રકૃતિથી…..પરમાત્મા સુધી પહોંચાડે છે અને ત્યાં સુધી પહોંચવાના રસ્તામાં પણ ખુશી જ ખુશી ભરી દે છે.”    
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top