પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળાના સમાપન પહેલાં સંગમસ્થળે ગંગા-યમુનાના પાણીની શુદ્ધતાને લઈને બે રિપોર્ટ સામે આવ્યા છે. તેના કારણે એક નવો વિવાદ થયો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને એક રિપોર્ટ સોંપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ગંગા-યમુનાના પાણીમાં નક્કી માત્રા કરતાં અનેકગણા વધારે ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયા છે. ત્યારપછી ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(યુપીપીસીબી)એ એનજીટીને એક નવો રિપોર્ટ સોંપ્યો છે. તેમાં સીપીસીબીના આ રિપોર્ટને ફગાવી દેવામાં આવ્યો છે. તેના પર એનજીટીએ કડક ફટકાર લગાવીને યુપીપીસીબી પાસે નવો રિપોર્ટ માંગ્યો છે. આ મામલે હવે પછીની સુનાવણી 28 ફેબ્રુઆરીએ થશે. કુંભમેળો 26 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ જશે. પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ સ્નાન ચાલી રહ્યું છે.
ઉત્તર પ્રદેશ સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 58 કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. જો કે, અહીં વાત પ્રદૂષિત કે શુદ્ધ પાણીની નથી આસ્થાની છે. પ્રયાગરાજ જ્યાં ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનો સંગમ થાય છે તે પાણીને સનાતનીઓ પવિત્ર માને છે. તે પ્રદૂષિત હોય તેનાથી તેમને કોઇ ફેર પડતો નથી. કોઇ ઝરણાંનું પાણી ગમે તેટલું શુદ્ધ હોય અને તેની ગુણવત્તા મિનરલ વોટર કરતાં પણ સારી હોય તેનાથી શ્રદ્ધાળુંઓને કોઇ ફેર પડતો નથી કારણ કે તેઓ અહીં પરંપરાના ભાગરૂપે ડૂબકી લગાડે છે. એટલે ત્રિવેણી સંગમનો રિપોર્ટ જે પણ આવે તેની વચ્ચે અહીં આસ્થાનો સાગર વહેતો રહેશે તે વાતમાં કોઇ જ બેમત નથી. કુંભમેળા દરમિયાન સીપીસીબીએ શ્રૃંગવેરપુર ઘાટ, લૉર્ડ કર્ઝન બ્રિજ, નાગ વાસુકી મંદિર, દીહા ઘાટ, નૈની બ્રિજ અને સંગમ વિસ્તારમાંથી પાણીના નમૂના એકત્રિત કર્યા હતા.
તેમાં 13 જાન્યુઆરી, 2025ના રોજ ગંગાના દીહા ઘાટ અને યમુનાના જૂના નૈની પુલ નજીકથી લેવામાં આવેલા નમૂનામાં 100 મિલી પાણીમાં ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયા 33,000 એમપીએન જેટલા મળી આવ્યા હતા. શ્રૃંગવેરપુર ઘાટના નમૂનામાં ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયા 23,000 MPN હોવાનું જણાયું હતું. સીપીસીબી અનુસાર, 100 મિલી પાણીમાં નહાવા માટેનું સલામત સ્તર 2500 એમપીએન છે. ત્રિવેણી સંગમ એ જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો સ્નાન કરે છે. અહીં સવાર અને સાંજનાં પરીક્ષણો લેવામાં આવતાં હતાં. એવું જાણવા મળ્યું કે અહીં ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયાનું પ્રમાણ પ્રતિ 100 મિલી પાણીમાં 13000 એમપીએન હતું. સામાન્ય ભાષામાં કહીએ તો પાણીમાં ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયાની હાજરી સૂચવે છે કે પાણી મનુષ્યો કે અન્ય પ્રાણીઓના મળથી દૂષિત થઈ ગયું છે. રિપોર્ટમાં, માત્ર ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયા જ નહીં, પરંતુ અન્ય પરિમાણોમાં પણ આ વિસ્તારનું પાણી પીવા અને નહાવા માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું.
સીપીસીબીએ એમ પણ કહ્યું છે કે કુંભમાં મોટી સંખ્યામાં લોકો સ્નાન કરે છે. આના કારણે લોકોના શરીર અને કપડાંમાંથી ગંદકી નીકળે છે. આનાથી પાણીમાં મળમાં જોવા મળતા બૅક્ટેરિયાની ઘનતા વધી જાય છે. કૉલિફૉર્મ બૅક્ટેરિયા એ ઘણા બૅક્ટેરિયાનો સમૂહ છે. વૉશિંગ્ટન સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ અનુસાર, તે મનુષ્યો અને પ્રાણીઓનાં આંતરડા અને મળમાં જોવા મળે છે.જો તે શરીરમાં રહે તો તે હાનિકારક નથી પણ પાણીમાં ભળ્યા પછી આ બૅક્ટેરિયા ખતરનાક બની જાય છે. ટોટલ કૉલિફૉર્મનો એક પ્રકાર ફીકલ કૉલિફૉર્મ છે. આનો એક પ્રકાર ઈ. કોલાઈ બૅક્ટેરિયા પણ છે. ટોટલ કૉલિફૉર્મ માટી અથવા અન્ય સ્ત્રોતોમાં પેદા થઈ શકે છે, પરંતુ ફીકલ કૉલિફૉર્મ અને ઈ. કોલાઈ મળમાંથી જ આવે છે.
સીપીસીબીએ છ પરિમાણો પર સંગમ વિસ્તારના પાણીનું પરીક્ષણ કર્યું છે. પ્રદૂષણનાં ધોરણો અનુસાર, ફીકલ કૉલિફૉર્મનું સ્તર પ્રતિ 100 મિલીએ 2500 યુનિટથી ઓછું હોવું જોઈએ, જે વધુ હોવાનું જાણવા મળ્યું.યુપીપીસીબી પ્રયાગરાજના પ્રાદેશિક અધિકારી સુરેશચંદ્ર શુક્લાએ 18 ફેબ્રુઆરીએ એનજીટીને 549 પાનાનો રિપોર્ટ આપ્યો છે. આ અહેવાલમાં, UPPCB, જલ નિગમ, જીઓ ટ્યુબ અને મોતીલાલ નેહરુ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી (MNIT)ના તપાસ અહેવાલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે પાણીનાં ધોરણો પ્રમાણભૂત ગુણવત્તાના છે.
આ અહેવાલમાં ઉલ્લેખિત જીઓ ટ્યુબ એ સંગમમાં પાણીની અંદર પડેલી છે. તે પાણીની ગુણવત્તા વિશે માહિતી આપતી રહે છે.નદીના પાણી પર સંશોધન કરનારા દીપેન્દ્ર સિંહ કપૂર કહે છે, “જો CPCBનો રિપોર્ટ દર્શાવે છે કે પ્રદૂષણ છે, તો તેને નકારી શકાય નહીં.” તેઓ કહે છે, “આની બે બાજુઓ છે. પહેલી બાજુ એ છે કે આટલા મોટા સ્નાનમાં કોઈને કોઈ બીમારી થઈ નથી. બીજી બાજુ એ છે કે જે કોઈ ત્યાં સ્નાન કરી રહ્યાં છે તેઓ ત્યાંથી સીધા જ ઘરે જઈ રહ્યાં છે. આથી તેમને ઘરે જ બીમારી થશે.”
