વોશિંગટન: ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે છેલ્લા પાંચ મહિના કરતા વધુ સમયથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ (Terrorists) ઈઝરાયેલ પર હુમલો કરીને સેંકડો લોકોને બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ ઈઝરાયલે ઘાતક બદલો લીધો હતો. તેમજ થોડા સમય બાદ સમાધાન કર્યું હતું.
સમાધાન બાદ ઇઝરાયેલે પોતાના કેટલાક લોકોને મુક્ત કરાવ્યા હતા. હવે ફરી એકવાર યુદ્ધ થોડા સમય માટે અટકી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આશા વ્યક્ત કરી છે કે આગામી સોમવાર સુધીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ જશે. તેમજ બિડેને કહ્યું કે બંને પક્ષો યુદ્ધવિરામ કરારની નજીક છે.
ગાઝામાં યુદ્ધવિરામના પ્રશ્ન પર જો બિડેને કહ્યું, ‘મારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે મને કહ્યું છે કે અમે વિરામના કરારની નજીક છીએ અને મારી આશા છે કે આવતા સોમવાર સુધીમાં અમારી વચ્ચે યુદ્ધવિરામ થઈ જશે.’ તેમણે એમ પણ કહ્યું કે અમે કરારની નજીક છીએ, પરંતુ કરાર હજી પૂર્ણ થયો નથી. આ અંગે અંતિમ મંજૂરી મળવાની બાકી છે.
એક દિવસ પહેલા સંમતિ મળી હતી
વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે, ‘ઇઝરાયેલ, અમેરિકા, ઇજિપ્ત અને કતારના પ્રતિનિધિઓ પેરિસમાં મળ્યા હતા. આ સમય દરમિયાન અસ્થાયી યુદ્ધવિરામના બદલામાં હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવા પર ચારેય વચ્ચે સમજૂતી થઈ છે.
દરમિયાન મોસાદના ડાયરેક્ટર ડેવિડ બાર્નિયા સહિત ઈઝરાયેલના પ્રતિનિધિમંડળે શુક્રવારે પેરિસમાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના ડિરેક્ટર બિલ બર્ન્સ, ઈજિપ્ત અને કતારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. અહેવાલ મુજબ, હમાસ અને ઇઝરાયેલ એકબીજા સાથે સીધી વાત કરતા નથી. કતાર અને ઇજિપ્ત બંને વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે હમાસને રવિવારે સાંજે પેરિસમાં યોજાયેલી મંત્રણાની જાણકારી આપવામાં આવી હતી.
7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલુ છે
ઉલ્લેખનીય છે કે હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયેલ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક સાથે સેંકડો મિસાઇલો છોડવામાં આવી હતી. તેમ જમીની હુમલો પણ કરવામાં આવ્યો હતો. દરમિયાન હમાસના આતંકવાદીઓએ 1200 ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરી હતી.
આ સિવાય 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેમાંથી અડધા ભાગના લોકો હજી પણ હમાસના નિયંત્રણમાં છે. બીજી બાજુ ઇઝરાયેલની સેનાએ યુદ્ધમાં ગાઝાના મોટા ભાગનો નાશ કર્યો છે. જેમાં લગભગ 24 હજાર પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ઇઝરાયેલના આક્રમણથી ગાઝાની 2.3 મિલિયન વસ્તીમાંથી 85 ટકા લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે. તેમજ ચોથા ભાગની વસ્તી ભૂખમરાનો સામનો કરી રહી છે.