સુરત : ખૂબ ઓછા વર્ષોમાં સિન્થેટિક કે, લેબગ્રોન (Lab Grown Diamond) રફ ડાયમંડનાં ઉત્પાદનમાં ભારતની(India) સીધી સ્પર્ધા ચીન (China) સાથે થતાં અમેરિકા (America) અને યુરોપની (Europe) મંદીમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ ઘટી છે ત્યારે ચીનના ઉત્પાદકોએ લેબગ્રોન રફના ભાવ તોડવાનો ચક્રવ્યૂહ રચતાં સુરત અને મુંબઈમાં લેબગ્રોન રફનાં ભાવો ક્વોલિટી વાઇઝ 35 થી 50% સુધી તૂટી જતાં બજારમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો છે.
- ચીને ભાવો તોડતાં સુરત-મુંબઈમાં લેબગ્રોન રફ હીરાના ભાવ 30 થી 50% તૂટ્યા
- સુરત-મુંબઈમાં ઓવર પ્રોડક્શન છે અને અમેરિકામાં મંદીને લીધે ડિમાન્ડ નથી, પણ રોકાણકારો કમાણી કરી શકશે : બાબુભાઇ વાઘાણી
અત્યારે વિશ્વના બજારમાં ચાલી રહેલી આર્થિક મંદીને લઈ લેબગ્રોન ડાયમંડની માગમાં ભારે ઘટાડો નોંધાયો છે. કુદરતી હીરાઓની માગ નથી ત્યારે લેબડ્રોન ડાયમંડની માગ ક્યાંથી નીકળે. લેબગ્રોન ડાયમંડનાં ઉત્પાદનમાં સુરત અને મુંબઇ હબ બન્યાં છે. સુરતમાં 10 મોટી કંપનીઓ અને 300 જેટલી નાની-મધ્યમ હરોળની કંપનીઓ રફનું ઉત્પાદન કરી રહી છે. વીતેલા વર્ષોમાં એક્સપોર્ટ પણ રોકેટ ગતિથી વધ્યો હતો. માંગ ઓછી હોવા છતાં મશીનરી થકી રફ હીરાનું ઉત્પાદન તો કરવું જ પડે. જો ઉત્પાદન બંધ કરવામાં આવે તો મશીનરી અને મેન પાવર પાછળનો ખર્ચ પણ વધ્યો હતો.
સુરત-મુંબઈની કંપનીઓએ કરોડોની મશીનરી વિકસાવી છે. ગયા મહિને લેબડ્રોન ડાયમંડની આયાત 45 ટકા ઘટી હતી. નેચરલ હીરાની આયાત 25 ટકા ઘટી હતી. જ્યાં સુધી કુદરતી હીરાઓની માગ નહીં વધે ત્યાં સુધી લેબગ્રોન ડાયમંડની માગ નહીં વધે. ભારતમાં પણ લેબગ્રોન ડાયમંડનો ભરાવો થઈ ગયો છે. નાના ઉત્પાદકો તથા ટ્રેડર્સો નુકસાન વેઠી રહ્યાં છે. ભારતમાં સુરતમાં લેબમાં તૈયાર થતાં કૃત્રિમ એટલેકે લેબગ્રોન સિવિડી અને એચપીએચટી ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ જોવા મળતાં છેલ્લા 4 મહિનામાં લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 78 ટકાનો વધારો નોંધાયો છે.
એપ્રિલથી જુલાઈ દરમ્યાન લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ વધીને 4842 કરોડ થયો હતો. લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેશન પણ વિશ્વમાં માન્ય રહેતા જાણીતી વિદેશી કંપનીઓ સર્ટિફિકેશનની અને ગ્રેડિંગની કામગીરી કરી રહી છે. કુદરતી હીરાના વેપાર સામે કૃત્રિમ હીરાની ડિમાન્ડ વધી રહી છે. લેબગ્રોન ડાયમંડ હીરા ઉદ્યોગમાં મોટું પરિવર્તન લાવી શકે છે. લેબોરેટરીમાં કેમિકલ વરાળ ડિપોઝિશનથી ક્વોલિટી કૃત્રિમ હીરા ઉગાડવાનું સુરત-મુંબઈમાં જોરશોરથી શરૂ થયું છે.
ગભરાવાની જરૂર નથી : બાબુભાઈ વાઘાણી, સુરત લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસો.ના પ્રમુખ
સુરત લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસોસિએશનનાં પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ચાઈનીઝ લેબગ્રોન રફનાં ભાવ તૂટતાં એની અસરથી સુરતમાં લેબગ્રોન રફની જુદી જુદી ક્વોલિટીમાં ભાવો 35% થી 50% તૂટી ગયા છે. પણ એમાં ગભરાવા જેવું કંઈ નથી. સુરતમાં લેબગ્રોન રફનું ઓવર પ્રોડક્શન હતું. અને રફના ભાવ પણ વધુ હતાં. આ સ્થિતિમાં લેબગ્રોનનું માર્કેટ સ્ટેબલ થશે. ઘટેલા ભાવે જે રોકાણકારો કે જ્વેલર્સ ખરીદી કરશે એને લોન્ગ ટર્મ ગેઇન થશે. કોરોનાનાં બે વર્ષ પછી અમેરિકા અને યુરોપના દેશોમાં ડિમાન્ડ નીકળ્યા પછી જ ભાવો ઊંચકાયા હતાં.
લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટ્યો, વીતેલા 5 વર્ષમાં 600 % ગ્રોથ નોંધાયો હતો
છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનાં વેપારમાં 600 % જેટલો ગ્રોથ નોંધાયો છે. વર્ષ 2017-18માં જ્યાં 1404 કરોડનો એક્સપોર્ટ હતો. એ 2021-22 માં 8503 કરોડ પર પહોંચ્યો હતો. સુરતમાં 2500 આધુનિક મશીનરી થકી લેબગ્રોન ડાયમંડનું પ્રોડ્ક્શન ખુબ ઝડપથી વધી રહ્યું છે. સુરતમાં 10 મોટી ડાયમંડ કંપનીઓ અને MSME કેટેગરીના 300 યુનિટ સરેરાશ વર્ષે 2 લાખ કેરેટ લેબગ્રોનનું ઉત્પાદન કરી રહ્યાં છે.