કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીનાં પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે જોરદાર વાપસી કરી છે અને જનતાનો વિશ્વાસ જીત્યો છે. જનતાએ મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને ફગાવી દીધી છે. ભાજપ તમામ પ્રયાસો છતાં જમ્મુની બહાર તેની વગ વધારવામાં નિષ્ફળ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરની ૯૦ વિધાનસભા બેઠકોમાંથી અડધાથી વધુ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ફાળે જાય તેવું લાગી રહ્યું છે.
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું, જ્યારે ગત વખતે ભાજપ સાથે સરકાર બનાવનાર મહેબૂબા મુફ્તીની પીડીપી એકલા હાથે ચૂંટણી લડી હતી. પીડીપીને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લી ચૂંટણીમાં ૨૮ બેઠકો જીતનાર પીડીપીનો સફાયો થઈ ગયો છે અને પાર્ટી માત્ર ત્રણ બેઠકો પર જ અટકી ગઈ છે. ગત વખતે ૩૦ બેઠકો જીતનાર ભાજપ તેના જૂના પ્રદર્શનની નજીક જણાઈ રહ્યો છે. પીડીપીનાં મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિઝા મુફ્તી પણ તેમની બેઠક પરથી પાછળ છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કાશ્મીર ઘાટીનાં મતદારોએ એકતરફી રીતે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને મત આપ્યો છે.
જમ્મુ અને કાશ્મીરમાં ત્રણેય તબક્કામાં સરેરાશ ૬૩ ટકાથી વધુ મતદાન થયું હતું. લોકસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે જમ્મુ અને કાશ્મીરમાં પાંચમાંથી બે બેઠકો જીતી હતી, જ્યારે ઓમર અબ્દુલ્લા બારામુલા બેઠક પર એન્જિનિયર રશીદ સામે ભારે માર્જિનથી હારી ગયા હતા. જમ્મુ પ્રદેશની બંને બેઠકો ભાજપે જીતી હતી. જમ્મુ-કાશ્મીરનાં ચૂંટણી પરિણામોમાં પ્રાદેશિક અને ધાર્મિક આધાર પર મતોનું વિભાજન સ્પષ્ટપણે જોવા મળે છે.
જમ્મુના હિંદુ પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપની લીડ છે જ્યારે કાશ્મીર ખીણના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાં નેશનલ કોન્ફરન્સ ગઠબંધન લીડ ધરાવે છે. જમ્મુના હિન્દુ પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં ભાજપને મોટા ભાગની બેઠકો મળી છે. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન આ જિલ્લાઓમાં તમામ પ્રયાસો લગાવી દીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે અહીં ચાર રેલીઓ કરી હતી જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહે ચૌદ રેલીઓ કરી હતી.
મોટી મુસ્લિમ વસતી ધરાવતા જમ્મુના રાજૌરી અને પૂંચ જિલ્લાઓમાં ભાજપે મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઊતાર્યા હતા, પરંતુ પરિણામો પર તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી. નેશનલ કોન્ફરન્સ ગઠબંધન કાશ્મીરમાં ૪૭માંથી ૪૨ સીટો પર આગળ છે જ્યારે પીડીપી માત્ર ત્રણ સીટો પર આગળ છે. સમગ્ર કાશ્મીર વિસ્તારમાં ભાજપ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યું નથી. જો કે, નેશનલ કોન્ફરન્સ ગઠબંધન જમ્મુમાં ૪૩માંથી ૧૦ સીટો પર આગળ છે.
ભાજપે મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને એવું વિચારીને ટિકિટ આપી હતી કે તેમની કોર હિંદુ વોટબેંક તેમની સાથે રહેશે, જ્યારે મુસ્લિમ હોવાના કારણે ઉમેદવારોને મુસ્લિમ મતો પણ મળશે, પરંતુ તેનો ફાયદો થયો નથી. જમ્મુ વિસ્તારનાં મુસ્લિમ મતદારોએ ભાજપને નકારી કાઢ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરનાં લોકોમાં નોકરી અને જમીનની માલિકી અંગે ડર અને ચિંતા વધી છે.
કાશ્મીર ક્ષેત્રનાં પરિણામોમાંથી ઉભરી રહેલો સંદેશ એ છે કે મતદાતાઓ કલમ ૩૭૦મી હટાવવાનો વિરોધ કરી રહ્યા છે. લોકોએ નેશનલ કોન્ફરન્સમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પ્રાદેશિક પક્ષ ભાજપની નીતિઓનો મુકાબલો કરી શકે છે. નેશનલ કોન્ફરન્સે જમ્મુ અને કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મેળવવા માટે સંઘર્ષ કરવાનું વચન આપ્યું છે. વિશ્લેષકો માની રહ્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પહેલાં નેશનલ કોન્ફરન્સ કે કોંગ્રેસને સમર્થનની કોઈ લહેર દેખાતી ન હતી. પરંતુ પરિણામો સ્પષ્ટપણે આ ગઠબંધનની તરફેણમાં ગયાં છે.
આનું કારણ ૩૭૦મી કલમ હટ્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં જે ફેરફારો થયા છે, તેમાં માત્ર એક જ પક્ષ ભાજપની વિરુદ્ધ ઊભો હતો. તે છે નેશનલ કોન્ફરન્સ. પીડીપીના ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી અને પાર્ટીનું માળખું પણ બગડી ગયું હતું, પરંતુ નેશનલ કોન્ફરન્સનું પાર્ટી માળખું અકબંધ રહ્યું હતું. લોકસભાની ચૂંટણી દરમિયાન એનસી-કોંગ્રેસ ગઠબંધનને જમ્મુ અને કાશ્મીરમાં ૪૧ ટકા મત મળ્યા હતા. ભાજપની વોટ ટકાવારી ગત લોકસભા ચૂંટણીની સરખામણીમાં ૪૨ ટકાથી ઘટીને ૨૪ પર આવી ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ મહત્ત્વના હોય છે, જેની અસર પરિણામો પર પણ જોવા મળી રહી છે. સૌથી મોટું પરિબળ કલમ ૩૭૦ હટાવવાનું છે.
જમ્મુ અને કાશ્મીરનાં ચૂંટણી પરિણામોનો એક સંદેશ એ છે કે અહીંની ચૂંટણી એનસી અને ભાજપ વચ્ચે રહી છે, જ્યારે કોંગ્રેસે માત્ર સમર્થકની ભૂમિકા ભજવી છે. ભલે લોકોએ ચૂંટણી દરમિયાન વીજળી, પાણી અને રસ્તા જેવા મુદ્દાઓ વિશે વાત કરી હતી, પરંતુ વિશ્લેષકોના મતે કાશ્મીરના મતદારો માટે અંતમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો કલમ ૩૭૦ને હટાવવાનો હતો.
જમ્મુ-કાશ્મીરમાં એનસી-કોંગ્રેસ ગઠબંધન માટે સરકાર બનાવવી મુશ્કેલ નહીં હોય. સમીકરણોના દૃષ્ટિકોણથી સરકાર બનાવવા માટે પીડીપીની જરૂર ન પડી શકે, પરંતુ નેશનલ કોન્ફરન્સના નેતા ડો. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે જો પીડીપી સરકારમાં સામેલ થવા માંગશે તો તેનું સ્વાગત કરવામાં આવશે. વિશ્લેષકોનું માનવું છે કે કાશ્મીરનાં લોકોએ મતદાન દ્વારા તેમનું મૌન તોડ્યું છે.
કાશ્મીરનાં લોકો કંઈક કહેવા માંગતા હતા પરંતુ પરિસ્થિતિને કારણે અહીંનાં લોકો ચૂપ હતાં અને પોતાની વાત વ્યક્ત કરી શકતા ન હતા. આ ચૂંટણીઓ દ્વારા લોકોએ પોતાના વિચારો વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. કાશ્મીરના સામાન્ય લોકો હજુ પણ માને છે કે ૩૭૦ હટાવવી એ કાશ્મીર સાથે અન્યાય છે. આ જ કારણ છે કે લોકોએ મોટી સંખ્યામાં ચૂંટણીમાં ભાગ લીધો હતો અને વ્યક્ત કર્યું કે તેઓ તેમના અધિકારો પ્રાપ્ત કરવા માટે લોકશાહી સરકાર ઈચ્છે છે.
જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી લડી હતી. એન્જિનિયર રશીદની પાર્ટીએ પણ અપક્ષ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. પરંતુ આ વખતે અપક્ષ ઉમેદવારો પણ મોટી સંખ્યામાં જીતી શક્યા ન હતા. કોંગ્રેસથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવનાર ગુલામ નબી આઝાદને કાશ્મીરની જનતાએ સંપૂર્ણપણે નકારી કાઢી છે. ગુલામ નબી આઝાદને કાશ્મીરના સૌથી ઊંચા નેતા માનવામાં આવતા હતા, પરંતુ આ વખતે તેમની છબી ભાજપની નજીક બની ગઈ અને જનતાએ તેમને સંપૂર્ણપણે નકારી દીધા છે.
આમ આદમી પાર્ટીએ પણ પહેલી વાર કાશ્મીરમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે અને એક સીટ મેળવી છે. છેલ્લાં ૧૦ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં ઘણું બદલાયું છે. વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થઈ ગયો છે અને છેલ્લાં પાંચ વર્ષથી કેન્દ્ર સરકાર એલજી દ્વારા અહીં શાસન કરી રહી છે. આવી સ્થિતિમાં નવી સરકાર માટે લોકોની અપેક્ષાઓ પૂરી કરવી બહુ આસાન નહીં હોય. સરકાર બનાવવા કરતાં મોટો પડકાર સરકાર ચલાવવાનો અને લોકોને અહેસાસ કરાવવાનો હશે કે આ તેમની સરકાર છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાનાં પરિણામો સ્પષ્ટ થતાં જ જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના નવા મુખ્ય મંત્રી હશે. જમ્મુ-કાશ્મીરના અગ્રણી રાજકીય પરિવારમાંથી આવતા ૫૪ વર્ષના ઓમર અબ્દુલ્લા બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી બનવા જઈ રહ્યા છે. વર્ષ ૨૦૦૯માં તેઓ પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા હતા. આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લા બારામુલાથી ઉમેદવાર હતા; પરંતુ તેઓ તે સમયે તિહાર જેલમાંથી ચૂંટણી લડી રહેલા એન્જિનિયર રશીદ સામે ચૂંટણી હારી ગયા હતા. હવે એન્જિનિયર રશીદ હાર્યા છે અને ઓમર અબ્દુલ્લા જીત્યા છે.